ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરાધિકાજીને હિંડોળે ઝૂલાવવાનો મહોત્સવ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરાધિકાજીને હિંડોળે ઝૂલાવવાનો મહોત્સવ 1 - image


- વિચાર-વીથિકા- દેવેશ મહેતા

હિંડોરે માઈ ઝૂલત લાલ બિહારી !

સંગ ઝૂલતિ વૃષભાનું નંદિની પ્રાનનિ હૂ તેં પ્યારી ।।

નીલામ્બર પીતામ્બર કી છબી ધનદામિની અનુહારી ।

બલિ-બલિ જાઉં જુગલચંદ પર કૃષ્ણદાસ બલિહારી ।।

પોતાના પ્રાણોથી પણ પ્યારી વૃષભાનું નંદિની રાધા સાથે શ્રીકૃષ્ણ હિંડાળા (ઝૂલા) પર ઝૂલી રહ્યા છે. વાયુના વેગથી ફરફર ઊડતું- લહેરાતું શ્રી રાધાનું નીલામ્બર (ભૂરા રંગનું વસ્ત્ર) અને શ્રીકૃષ્ણનું પીતામ્બર (પીળા રંગનું વસ્ત્ર) એવું લાગી રહ્યું છે કે જાણે નીલા આકાશમાં વીજળી ચમકતી ના હોય ?

વ્રજ પ્રેમની ભૂમિ છે. વ્રજમાં સર્વત્ર પ્રેમ અને આનંદ રસ વહે છે. અહીં રાધા-કૃષ્ણનો વિલાસ- વિહાર થતો જોવા મળે છે. વ્રજભૂમિમાં શ્રાવણ માસનું આગમન થાય છે ત્યારે આકાશમાં શ્યામ ઘટા ઘેરાવા લાગે છે. વાદળ ઝૂકી ઝૂકીને પૃથ્વીને મળવા આતુર થઈ જાય છે. વીજળી ચમકવા લાગે છે. રિમઝિમ વરસતી વરસાદની ધારા શરીરને આહ્લાદિત કરવા લાગે છે. યમુના તીવ્ર વેગથી વહેવા લાગે છે. વૃક્ષની વેલીઓ હરી ભરી અને પુષ્ટ થઈને વૃક્ષોને લપેટાઈને ઝૂલવા લાગે છે. મોર મનભરીને નૃત્ય કરવા લાગે છે. બપૈયા પીઉ, પીઉ કરીને એમની પ્રિયતમાને પોકારવા લાગે છે, કોયલ મીઠો કુહૂરવ કરવા લાગે છે. સરોવરમાં હંસ ક્રીડા કરવા લાગે છે. ધરતી પર હરિયાળી છવાઈ જાય છે. આવા આહ્લાદક વાતાવરણમાં શ્રીકૃષ્ણને હિંડોળે ઝૂલવાનું મન થઈ જાય છે. તે રાધાને નિમંત્રણ આપે છે. 'ઝૂલન ચલો હિંડોરના વૃષભાનંર નંદિની । સાવનકી તીજ આઈ, નભ ઘોર ઘટા છાઈ । મેઘન ઝરી લગાઈ, પરૈં બૂંદ મંદિની ।। સુંદર કદંબ કી ડારી, ઝૂલા પરયો હૈ પ્યારી । દેખૌ કુમર કિશોરી સબ દુ:ખ નિકંદિની ।।

પરંતુ કિશોરી રાધિકા રિસાયેલ છે, માનભાવ ધારણ કરીને બેઠેલી છે. શ્રીકૃષ્ણ એમને અનુનય, વિનય કરી માન છોડી હિંડોળે ઝૂલવા આવવાનો અનુરોધ કરે છે.

'પ્યારી ઝૂલન પધારૌ ઝૂકી આયે બદરા।

ઓઢો સુરખ ચૂનરી, તાપૈ શ્યામ ચદરા । સાજૌ સક્લ સિંગાર નૈન ધારો કજરા ।। ઐસા માન નહીં કીજૈ હઠ તજિયે અલી । તૂ તો પરમ સયાની હો વૃષભાનું કી લલી ।।

રાધાજી માન્યા નહીં. એટલે શ્રીકૃષ્ણ એકલા વનમાં જઈને કદંબના વૃક્ષ નીચે ઊભા રહી વેણુ વગાડવા લાગ્યા. વેણુના રાધાજીની અષ્ટસખીઓ લલિતા, વિશાખા, ચિત્રા, ઇન્દુલેખા, સુદેવી, ચંપકલતા, રંગદેવી અને તુંગવિદ્યા) ત્યાં આવી પહોંચી. તેમણે જોયું કે શ્રીકૃષ્ણ એકલા જ વેણુ વગાડી રહ્યા છે. એમની બાજુમાં રાધાજી નથી. સખીઓનું કામ તો પ્રિય-પ્રિયતમા-શ્યામ - શ્યામાને સુખ આપવાનું છે. તે તરત વૃષભાનું ભવને પહોંચી ગઈ. રાધાજીને મનાવી, સુંદર વસ્ત્રાભૂષણો પહેરાવી પોતાની સાથે વનમાં લઈ આવી.

અષ્ટસખીઓએ રિમઝિમ વરસતા વરસાદમાં યમુનાતટ પાસે કુંજમાં એક સુંદર અલૌકિક હિંડોળો બનાવ્યો. સખીઓના પ્રેમભાવથી શ્રીરાધાકૃષ્ણ તે ઝૂલા પર બિરાજમાન થઈ ગયા. ઢોલ, મૃદંગની થાપ પર મેઘ-મલ્હાર ગાતી સખીઓ રાધા-કૃષ્ણને ઝુલાવવા લાગી- 'હંસિ-હંસિ ઝૂલત ફૂલ હિંડોરે । પ્યારી-પ્રીતમ ફૂલનિ ફૂલે ૩૨ કર જોરે ।' પછી રાધાજી કૃષ્ણને ઝૂલાવવા લાગ્યા અને એ રીતે શ્રીકૃષ્ણે રાધાજીને પણ ઝૂલાવ્યા. એ પછી રાધા-કૃષ્ણ ફરી હિંડોળા પર સાથે સાથે બેસી પ્રેમ અને આનંદથી આપ્લાવિત થઈ ઝૂલવા લાગ્યા. સખીઓ એમને ઉત્સાહ-ઉમંગથી ઝુલાવવા લાગી.

તે સમયે શ્રીરાધાજીના મનમાં વિચાર ઉદ્ભવ્યો. આ સખીઓ હમેશાં અમારા બન્નેના સુખનો વિચાર કરે છે અને તેનો પ્રબંધ પણ કરે છે. હિંડોળે ઝુલવાનું મને અત્યારે જે સુખ મળ્યું તે તેમને જ કારણે છે. આ સુખ તેમને પણ મળે તેવું મારે કરવું જોઈએ. શ્રી રાધા પ્રેમરૂપી કલ્પવૃક્ષ છે અને તેમની સખીઓ તે વૃક્ષના પુષ્પો છે. તેમના મનની ઇચ્છા પણ રાધાજીએ પૂરી કરી. તે સ્વયં શ્રીકૃષ્ણની બાજુએથી નીચે ઉતરી ગયા અને દરેક સખીઓને વારાફરતી શ્રીકૃષ્ણની બાજુમાં બેસાડી હિંડોળે ઝૂલાવવા લાગ્યા. પરમ સુખના સાગર સમા પરબ્રહ્મ શ્રીકૃષ્ણને અડકીને એમનો સ્પર્શ થાય તે રીતે તેમની બાજુમાં બેસીને હિંડાળે ઝૂલવાનું પરમ સૌભાગ્ય તે તમામ અષ્ટ સખીઓને પ્રાપ્ત થયું. આ હિંડોળા મહોત્સવની સ્મૃતિમાં દર વર્ષે વૈષ્ણવ મંદિરોમાં, પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં અષાઢ વદ એકમ અથવા બીજથી હિંડોળા ઉત્સવ ઉજવાય છે. જે શ્રાવણ વદ બીજ સુધી ચાલે છે. હિંડોળાના મનોરથ વખતે ભગવાનના સ્વરૂપને હિંડોળે બિરાજમાન કરાવી, તેને ઝૂલાવી અષ્ટસખાના હિંડોળાના પદોનું ગાન કરી કીર્તન કરાય છે. આ ઉત્સવ દરમિયાન રોજ અલગ અલગ રીતે સુંદર શણગારથી સજાવી તૈયાર કરાતા હિંડોળા ભક્તોને ભગવાનની સમધુર લીલાનું સંસ્મરણ કરાવી ભક્તિરસમાં તન્મય કરી ભગવત્સ્વરૂપનું અનુસંધાન કરાવે છે.


Google NewsGoogle News