Get The App

'' ત્રિદલ '' .

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
'' ત્રિદલ ''                                                   . 1 - image


પ્રથમ દલ :

નદીના કિનારે એક શિવ મંદિર હતું. તે મંદિરના નજીકમાં જ ઘાટ પર એક પથ્થર પડી રહ્યો હતો. ધોબીઓ નદીએ જઇને તે પથ્થર પર લોકોના કપડા ધોતા હતા. મંદિરમાં પ્રતિષ્ઠિત શિવલિંગ અને પેલો ધોબીઓ કપડાં ધોતા હતા તે પથ્થર પહેલા એક જ હતા. નદીના તીવ્ર પહારના કારણે તેના બે ટુકડા થઇ ગયા હતા. પછીથી કાળક્રમે એક ટુકડામાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું. જ્યારે બીજો ટુકડો ઘાટ પર પડી રહ્યો. ધોબીઓ ત્યાં આવીને તેના પર ગંદા કપડા ધોતા હતા. આથી તે પથ્થર આત્મહિમતાનો અનુભવ કરીને દુ:ખી રહેતો હતો.

શિવલિંગ તેના મનની વ્યથાને સારી રીતે જાણતું હતું. તેણે એ પથ્થરને કહ્યું કે, 'ભાઇ, તું નકામો દુ:ખી થાય છે. તે વાત જુદી છે કે હું મારી પાસે આવનારાને ભક્તિ અને શાંતિ પ્રદાન કરૃં છું. પરંતુ તું તો નિર્વિકાર ભાવથી બધા લોકોના કપડાનો મેલ દૂર કરે છે. તારી સાધના તો મારા કરતા પણ વધારે શ્રેષ્ઠ છે. સાચું તો એ છે કે મારી પાસે આવવાની અને કૃપા પ્રાપ્ત કરવાની પહેલી કસોટી તું જ છે.

શિવલિંગના આવા મધુર વચનો સાંભળીને ધોબીઘાટનો પથ્થર ગદ્ગદ્ થઇ ગયો અને તે પ્રસન્નતા અને ખૂબ ઉત્સાહપૂર્વક લોકોના કપડાનો મેલ દૂર કરવા લાગ્યો.

બીજુ દલ : 

એક ગામમાં બે ભાઇઓ રહેતા હતા. તેમણે મિલકતના સરખા ભાગ પાડી લીધા. પરંતુ છેલ્લે સોનાની એક વીંટી માટે તેમની વચ્ચે વિવાદ થયો તેઓ પોતાની સમસ્યાના સમાધાન માટે એક સંતની પાસે ગયા.

સંતે કહ્યું કે, ' આજે તો તમે સોનાની આ વીંટી અહિ મૂકી જાઓ. બે દિવસ પછી આવજો.' તેમના ગયા પછી સંતે એક સોનીને બોલાવ્યો અને એના જેવી જ બીજી વીંટી બનાવી લાવવા કહ્યું. સંતે એ વીંટીના પૈસા પોતે ચૂકવી દીધા. બે દિવસ પછી તે ભાઇઓ સંત પાસે ગયા. સંતે તેમને વારાફરતી એકાંતમાં બોલાવીને વીંટી આપી.

તે બન્નેને એવું લાગ્યું કે સંતે મને જ વીંટી આપી છે, આથી તેઓ ખુથ્શ થઇને ઘેર ગયા. બન્ને પ્રસન્ન હતા. તેમનો વિવાદ મટી ગયો અને તેમના સંબંધો પણ સુધરી ગયા.

એક દિવસ ચર્ચા કરતા તેમને ખબર પડી કે સંતે બન્ને ભાઇઓને વીંટી આપી છે. આથી તેઓ ફરીથી સંત પાસે ગયા અને બન્નેને કઇ રીતે વીંટી આપી તેના વિશે પૂછયું સાચી વાતની જાણ થતાં તેમણે એવું કરવાનું કારણ પૂછયું ત્યારે સંતે કહ્યું કે, 'સોનું તો તુચ્છ વસ્તુ છે તેના  કરતાં સંબંધોનું મૂલ્ય વધારે છે.' આથી સંબંધ કદાપી બગડવો ન જોઇએ.

બન્ને ભાઇઓ સંતના ઉપદેશથી પ્રભાવિત થયા. તેમને પોતાની ભૂલ સમજાઇ અને ભવિષ્યમાં હંમેશા સંપીને પ્રેમ પૂર્વક રહેવાનો નિશ્ચય કર્યો તથા સંતને પણ વીંટીના પૈસા આપી દીધા.

ત્રીજુ દલ :

એક કાગડાએ એના મિત્ર ઘુવડને કહ્યું કે, 'ભાઇ ઘુવડ ! જોને કેટલું બધું અંધારૂ છવાઇ ગયું છે. મને તો કશું જ દેખાતું નથી. ઘુવડે કહ્યું કે, 'મિત્ર !  તું કેવી વાત કરે છે ? મને તો બધું એકદમ સ્પષ્ટ દેખાય છે.' જ્યારે સવાર થઇ ત્યારે કાગડાએ કહ્યું કે, 'ભાઇ ઘુવડ ! હવે ચારે બાજુ પ્રકાશ ફેલાઇ ગયો છે તેથી હવે મને બધું જ દેખાય છે.' ત્યારે ઘુવડે કહ્યું કે, 'ભાઇ ! તમે શા માટે જુઠું બોલો છો ? ચારે બાજુ ગાઢ અંધકાર છવાયેલો છે. ઘુવડની જેમ આજ રીતે અવિદ્યાનું આવરણ માણસના ચિંતન પર તમસની જેમ છવાઇ જાય છે અને માણસ બધું જ જોઇ શકતો હોવા છતાં પણ તેના પ્રત્યે આંખ આડા કાન કરે છે.


Google NewsGoogle News