Get The App

સાચાં આભૂષણ .

Updated: Apr 2nd, 2025

GS TEAM


Google News
Google News
સાચાં આભૂષણ                                          . 1 - image


- પ્રભાતના પુષ્પો - ગુણવંત બરવાળિયા

ચક્કવેણ એક નાના રાજ્યનો રાજા હતો. રાજાનું જીવન ધર્મ અને નીતિમત્તા હતું. રાજા અને રાણી બન્ને ખેતી કરતાં હતાં અને ખેતીમાંથી જે ઉપજ આવે તેમાં તેમનો જીવનનિર્વાહ થતો. રાજ્યના ધનનો તે પોતાના માટે ઉપયોગ ન કરતો, પરંતુ રાજ્યની આવકની તમામ રકમ માત્ર પ્રજાના હિત માટે જ વાપરવામાં આવતી. રાજાની જીવનશૈલી સાદગીથી ભરેલી હતી.

એક દિવસ નગરમાં કોઈ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. નગરની કેટલીક સ્ત્રીઓ રાણી પાસે આવી. તે સ્ત્રીઓએ ખુબ જ કિંમતી વસ્ત્ર પરિધાન કરેલા હતા. હીરા-પન્ના અને સુવર્ણનાં આભૂષણો પહેર્યાં હતાં. એ સ્ત્રીઓએ રાણીને કહ્યું કે, "તમે કેમ સાવ સાદાં અને સાધારણ વસ્ત્રો પહેર્યાં છે અને ઘરેણાં તો સાવ આલ્પ પ્રમાણમાં જ પહેર્યાં છે ? આપ તો આ રાજ્યની રાણી છો. આવાં વસ્ત્રો અને દાગીના આપને ન શોભે." રાણીએ રાજાને વાત કરી કે, "ગામની સ્ત્રીઓ પાસે કિંમતી વસ્ત્રો અને સુવર્ણાલંકારો છે. એ સ્ત્રીઓની સામે મારી બેઈજ્જતી થઈ રહી છે." રાજા કહે, "આપણને ખેતીની આવકમાંથી જે મળે છે તેમાંથી આપણો નિર્વાહ થાય છે. આવતે વર્ષે થોડી વધુ મહેનત કરીશું અને સારો પાક આવશે તો આભૂષણો પણ ખરીદીશું, તમે ધીરજ રાખો."

રાણી કહે, "બહુ જ ધીરજ રાખી. તમે વહેલી તકે મારા માટે સુવર્ણ આભૂષણોનો પ્રબંધ કરો." બીજે દિવસે રાજા ચક્કવેણે તેના એક મંત્રીને કહ્યું કે, "તમે લંકાપતિ રાવણ પાસે જઈ અને કરના રૂપમાં તેની પાસેથી સોનું લઈને આવો."

મંત્રીએ રાવણ પાસે જઈને કરરૂપે સોનાની માગણી કરી એટલે રાવણે અટ્ટહાસ્ય કરી કહ્યું કે, "મારી પાસે કર માંગવાની તારી હિંમત કેમ ચાલી ?" મંત્રી કહે, "રાજા ચક્કવેણની હેસિયતથી મેં આપ પાસે કરરૂપે સુવર્ણની માગણી છે." રાવણે તિરસ્કારપૂર્વક તેને જવાનું કહ્યું. જતાં જતાં મંત્રી કહે, "કાલે સવારે હું કર લેવા આવીશ, તમે સુવર્ણ તૈયાર રાખજો."

રાત્રે રાવણ મંદોદરીને મળ્યા ત્યારે તેને કરની વાત કરી. મંદોદરી કહે, "તો પછી તમે કર આપ્યો કે નહીં ?" રાવણ કહે, "ના." મંદોદરી રાણી કહે, "કર તમે આપી દો, નહીં તો મુશ્કેલી થશે." રાવણ કહે, "કેમ ?" રાણી કહે, "હું તમને કાંઈક બતાવું છું, "જુઓ." રાણીએ કહ્યું કે, "હે કબૂતરો, તમે એક પણ દાણો ચણ્યો તો તમને મહારાજાધિરાજ રાવણના સોગંધ છે." પરંતુ કબૂતરો પર તેની કોઈ અસર ન થઈ. મંદોદરીએ કહ્યું કે, "હે કબૂતરો, તમે એક પણ દાણો ચણો છો તો તમને રાજા ચક્કવેણના સોગંધ છે." તમામ કબૂતરોએ દાણા ચણવાનું બંધ કર્યું. એક કબૂતરી જે બધિર હતી તે દાણા ચણી રહી હતી તેવામાં ઉપરથી એક નાળિયેર તેના પર પડતાં તેના પર પડતાં મૃત્યુને વરી. રાવણ કહે, "આ તો કોઈ જાદુ છે. હું એને માનતો નથી."

બીજે દિવસે સવારે ચક્કવેણ રાજાનો મંત્રી આવ્યો ને તેણે કરમાં સોનાની પુનઃ માગણી કરી. રાવણે તુચ્ચકારા સાથે કહ્યું કે, "કર નહીં આપું." "આપ સમુદ્રકિનારે થોડી વાર માટે મારી સાથે આવો" તેવી મંત્રીએ વિનંતી કરી.

રાવણ અને મંત્રી સમુદ્રકિનારે આવ્યા. પછી મંત્રીએ રેતીમાં લંકાનું ચિત્ર દોરી ચાર દરવાજાનું ચિત્રણ કરી લંકેશને પૂછયું, "આવી જ લંકા છે ને ?" રાવણ કહે, "હા." તેણે એક દરવાજા પર હાથ મુકી કહ્યું, "તું પડી જા, નહીં તો તને રાજા ચક્કવેણના સોગંધ છે" ને હાથ ફંગોળ્યો, રેતીના દરવાજાનું વિસર્જન થયું. એવામાં રાજાના સેવકે આવીને સમાચાર આપ્યા કે, "આ રાજ્યનો દક્ષિણ દિશાનો દરવાજો તૂટીને પડી ગયો છે." 

મંત્રીએ કહ્યું કે, "આ ચિત્રિત નકશામાં લંકા વીસ ભાગમાં વહેંચાયેલી છે. તમે કર નહીં આપો ને લંકા વીસ ભાગો તૂટીને વિસર્જિત થશે."

રાવણે ડરીને કહ્યું, " ભાઈ, બસ કર, તારે જેટલું જોઈએ એટલું સોનું લઈ જા." મંત્રી સોનું લઈને રાજા પાસે આવતાં ચક્કવેણે રાણીને કહ્યું કે, "જેટલાં સુવર્ણ આભૂષણો બનાવવાં હોય તે બનાવો." રાણી કહે, "સોનું ક્યાંથી આવ્યું ?" મંત્રીએ આખી ઘટનાની કથા કહેતા. રાણી કહે, "મારે આભૂષણો નથી બનાવવાં. અસલી આભૂષણો મારા પતિ મારી પાસે છે, એનાથી વિશેષ મારે કશું નથી જોઈતું." રાણીએ મંત્રીને કહ્યું, "લંકા જઈ આ સોનું રાવણને પાછું

આપી દો."

રાણીને પ્રતીતિ થઈ કે, "દિવ્ય સંસ્કાર અને આદર્શ આચાર સાચાં આભૂષણો છે."


Tags :