સાબુ વસ્ત્રનાં મલિન ડાઘ દૂર કરે છે...પશ્ચાતાપ આત્માનાં મલિન પાપ દૂર કરે છે...

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
સાબુ વસ્ત્રનાં મલિન ડાઘ દૂર કરે છે...પશ્ચાતાપ આત્માનાં મલિન પાપ દૂર કરે છે... 1 - image


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'જૈન તત્ત્વચિંતકો કહે છે કે શ્રદ્ધા એકડો છે અને જ્ઞાન-ક્રિયા એની પછીના બે મીંડા છે. એકડા પછીના દરેક મીંડાની તાકાત દશ-દશગણી હોય એ મંજૂર. પરંતુ એકડો છે માટે એ મીંડાની તાકાત છે. એકડો ન હોત તો એ મીંડાનું કોઇ મૂલ્ય ન હોત. એ જ રીતે શ્રદ્ધા છે તો જ્ઞાન-ચારિત્રનું મૂલ્ય છે. શ્રદ્ધા વિનાનાં જ્ઞાન ચારિત્રનું કોઇ મૂલ્ય નથી, આ સમજાવવા કાજે જ તત્ત્વાર્થ શાસ્ત્રકારે કારિકાની શરૂઆત સમ્યગ્દર્શનમૂલં પંક્તિથી કરી છે.'

કે ટલાક શબ્દો પ્રથમ દ્રષ્ટિએ લાગે સાવ સામાન્ય. પરંતુ એને જો પ્રતિબદ્ધતાપૂર્વક આત્મસાત્ કરવામાં આવે તો એ મન્ત્ર સમ પુરવાર થાય. ઉદારણરૂપે લઇએ ત્રણ શબ્દ : શિસ્ત-સમયબદ્ધતા-સમર્પિતતા. 

વિદ્યાભ્યાસથી લઇને વ્યાપાર સુધીના હર કોઇ ક્ષેત્રે આ ત્રણ શબ્દો મન્ત્ર સમ ચમત્કાર સર્જી શકે છે : જો એને પ્રતિબદ્ધતાપૂર્વક આત્મસાત્ કરાય તો. જેમ કે એક વિદ્યાર્થી તરુણ રમતગમત-હરવું ફરવું વગેરે મનમાં આવે તેમ કરવાને બદલે શિસ્તબદ્ધ રહે અને વિદ્યાભ્યાસને અગ્રતા આપી આવશ્યકતા મુજબ જ અન્ય પ્રવૃત્તિઓ કરે. બીજા ક્રમમાં દરેક બાબતે સમય ધ્યાનમાં રાખીને પ્રવર્તે અર્થાત્ દરેક કાર્ય એના સમયે જ પૂર્ણ કરવાની તત્પરતા-ચીવટ રાખે અને ત્રીજા ક્રમમાં સમર્પિતતા અર્થાત્ પૂરેપૂરી શક્તિથી 'ઇન્વોલ્વ' થઇ સંપૂર્ણ ભોગ આપી વિદ્યાભ્યાસનું મુખ્ય કાર્ય કરે. આ થયો શિસ્ત-સમયબદ્ધતા-સમર્પિતતાનો સંગમ. આવો સંગમ હોય તો વિદ્યાર્થી ચોક્કસ જ પ્રગતિ કરે-સફલતા વરે.

માત્ર વિદ્યાર્થી જ નહિ, રમતવીર-કલાકાર-વ્યાપારી વગેરે હર કોઇ વ્યક્તિ આ ત્રણ શબ્દો પ્રતિબદ્ધતાપૂર્વક આત્મસાત્ કરી મન્ત્ર જેવું પ્રભાવશાળી પરિણામ પ્રાપ્ત કરી શકે. માત્ર આ શબ્દો જ નહિ, અન્ય પણ શબ્દો આવા હોઈ શકે છે. આજે આપણે અહીં વિચારીશું ધર્મક્ષેત્રના સંદર્ભમાં આવા ત્રણ ઇંગ્લીશ શબ્દો કે જે 'એફ'થી શરૂ થાય છે.

(૧) ફેઇથ : ફેઇથનો અર્થ છે શ્રદ્ધા-વિશ્વાસ. ધર્મક્ષેત્રે આ બહુ પાયાનું-અગત્યનું પરિબળ છે. જૈન ધર્મપરંપરા હો કે અન્ય : એમાં શ્રદ્ધા પર ભરપૂર ભાર અપાતો હોય છે. જૈન ધર્મપરંપરાની વાત કરીએ તો એ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ જણાવે છે. આમાં જેનું સ્થાન સર્વપ્રથમ છે એ સમ્યગ્દર્શનનો અર્થ જ શ્રદ્ધા છે. મૂલમાં શ્રદ્ધા જોઇએ. તે પછી જ જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગરૂપ બની શકે. ચાર દુર્લભ બાબતોમાં પણ જૈન ધર્મપરંપરાએ શ્રદ્ધાને સ્થાન આપી શ્રદ્ધા કેવું મહત્વપૂર્ણ પરિબળ છે તે પ્રસ્થાપિત કર્યું છે. તો ભગવદ્ગીતા ''શ્રદ્ધાવાલ્લભતે જ્ઞાન'' પંક્તિ લખી શ્રદ્ધાને પ્રથમ સ્થાન આપે છે.

એક વાત ખબર છે ? વિજ્ઞાનનો અને ધર્મનો મૌલિક આધાર અલગ છે. વિજ્ઞાન દરેક બાબતે શંકાને પ્રાધાન્ય આપે કે આમ કેમ ? તેમ કેમ ? પછી એમાં સંશોધનો ચાલે અને નવી શોધની ઉપલબ્ધિ થાય. આ છે વિજ્ઞાનનો આધાર. જ્યારે ધર્મનો આધાર છે શ્રદ્ધા. જે સર્વજ્ઞાવચન-પ્રભુવચન છે એનો હાર્દિક બહુમાનપૂર્વક નિ:સંશય સ્વીકાર કરવો અને એમનનો દર્શાવેલ માર્ગ જ મોક્ષમાર્ગ છે એવી સુદૃઢ શ્રદ્ધા રાખવી. ''તમેવ સચ્ચં નિ:સંકં, જં જિણેહિં પવેઇયં'' આ ધર્મનો મૂલાદાર છે.

શ્રદ્ધા એવી રણકતી-અંત:કરણપૂર્વકની હોવી જોઇએ કે એની સામે ભલભલી બુદ્ધિના ગજ ટૂંકા પડે-પાછા પડે. કરવા છે આવી ઝળહળતી શ્રદ્ધાના દર્શન ? તો વાંચો આ મજાની સત્ય ઘટના :

એ હતા એક પ્રજ્ઞાચક્ષુ સંત. અત્યંત પવિત્ર-નિર્મલ-ઉચ્ચ જીવન એ જીવે. પૂજા-અર્ચના ને બાકીનો સમય રામનામનો જાપ : આ એમનો જીવનક્રમ. ખપપૂરતું જ એકવારનું ભોજન અને એકવારનું શયન એ કરે. એમના ભોજન માટે એમણે એક વિશેષ વ્યવસ્થા કરાવી હતી કે લોટ બાંધવાથી લઇને રોટલી બનાવવા સુધીની પ્રક્રિયામાં જોડાયેલ દરેક બહેનો હરેક તબક્કે 'રામ રામ' બોલતા જાય. જેનું અન્ન પવિત્ર એનું મન પવિત્ર આ દૃષ્ટિબિંદુથી કરાવાયેલ આ વ્યવસ્થા વર્ષો સુધી બરાબર અખંડ જારી રહી.

એક બપોરની વાત. સમય થયો અને સંતની કુટિરમાં રોટલી આવી. રોટલી બનતી હતી અલગ સ્થળે અને સંતનાં પાત્રમાં આવતી હતી અલગ સ્થળે. સંતને રોટલી બનવાની પ્રક્રિયા સાથે કોઇ દૂરનો ય સંપર્ક ન હતો. છતાં કમાલ એ થઇ કે પહેલો ટુકડો મુખમાં મૂકવા સંતે રોટીને હાથ લગાવ્યો અને એ આટલાં વર્ષોમાં પહેલીવાર થાળી હડસેલી દઇ બોલી ઊઠયા : ''આજ રોટી રામ નહિ બોલતી હૈ.'' સાંભળનાર સૌને આશ્ચર્ય થયું. એમણે પહેલી તપાસ એ કરાવી કે આજે રસોડામાં શી સ્થિતિ છે. પરિણામે એ ખબર પડી કે રોટલી બનાવનાર બહેનો આજે આવી ન હતી. એથી બીજા બહેનોએ રોટલી બનાવી હતી. સૌને તાજુબી એ થઇ કે પ્રજ્ઞાચક્ષુ સંતને રોટલી હાથમાં લેવાંવેંત આ ખબર કેવી રીતે પડી ! આ અંતરથી પ્રગટેલી શ્રદ્ધાનો ચમત્કાર હતો. એને બુદ્ધિનો કોઇ ગજ માપી શકે એમ ન હતો.

જૈન તત્ત્વચિંતકો કહે છે કે શ્રદ્ધા એકડો છે અને જ્ઞાન-ક્રિયા એની પછીના બે મીંડા છે. એકડા પછીના દરેક મીંડાની તાકાત દશ-દશગણી હોય એ મંજૂર. પરંતુ એકડો છે માટે એ મીંડાની તાકાત છે. એકડો ન હોત તો એ મીંડાનું કોઇ મૂલ્ય ન હોત. એ જ રીતે શ્રદ્ધા છે તો જ્ઞાન ચારિત્રનું મૂલ્ય છે. શ્રદ્ધા વિનાના જ્ઞાન-ચારિત્રનું કોઇ મૂલ્ય નથી. આ સમજાવવા કાજે જ તત્ત્વાર્થશાસ્ત્રકારે કારિકાની શરૂઆત 'સમ્યગદર્શનમૂલં' પંક્તિથી કરી છે...'

(૨) ફીચર : આમ તો ડર નકારાત્મક બાબત છે. એથી એ ન જોઇએ. કારણ કે ડર હોય તો શક્તિ હોવા છતાં એ રૂકાવટ લાવે. સરસ રજૂઆત કરી શકે એવી વ્યક્તિ ડરનાં કારણે મંચ પર જતાંવેંત થોથવાઈ જાય, તો હોંશિયાર વિદ્યાર્થી પણ ડરના કારણે પરીક્ષામાં દમદાર લખી ન શકે. ડર આવા નુકસાનો સર્જતો હોવાથી નકારાત્મક બાબત ગણાય છે. એક સ્થળે ડર-ભય માટે મસ્ત વિધાન કર્યું છે કે ''ક્રોધને પાછળ આંખ હોય છે, જ્યારે ભયને આગળ આંખ હોય છે.'' મતલબ ? ક્રોધના સમયે વ્યક્તિ જાણે આંધળી બની ગઈ હોય એમ કોઇ નુકસાન જોયા-વિચાર્યા વિના બેફામ વર્તે. ક્રોધ શાંત થઇ જાય ત્યારે પાછળથી એને નુકસાનો દેખાય-સમજાય. ભયનું આનાથી વિપરીત છે. એને કોઇ કામ કરતા પહેલા જ એમાં આવનાર કલ્પિત નુકસાનોની ભુતાવળ દેખાયા કરે. સરવાળે એ કોઇ કામ કરવા સજ્જ ન થાય.

ઉપરોક્ત રીતે ભય ચોક્કસ નકારાત્મક હોવા છતાં પાપો પ્રત્યે ભય અવશ્ય જરૂરી છે. પાપનો ભય જાગે તો વ્યક્તિ પાપથી દૂર રહે, અને જો અનિવાર્યપણે પાપ કરવું જ પડે તેવા સંયોગ હોય તો એ વ્યક્તિ પાપ ડંખતા હૈયે કરશે. એટલું જ નહિં, બનતી શક્યતાએ તે પાપનું પ્રાયશ્ચિત પણ લેશે. જૈન શાસ્ત્રો બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે પાપોથી બચવા માટે પાપમુક્ત બનવું શ્રેષ્ઠ વિકલ્પ છે અને પાપભીરું બનવું એ બીજા નંબરનો યોગ્ય વિકલ્પ છે. કાં પાપમુક્ત બનો, કાં પાપભીરુ બનો. પરંતુ પાપનિષ્ઠુર તો ન જ બનો. પાપનિષ્ઠુરતા હોય ત્યાં પાપ પ્રત્યે કોઇ ડર-ભય-સંકોચ-છોછ તો ન હોય, બલ્કે પાપ ખૂબ આનંદથી રાચી-માચી-નાચીને કરવાની વૃત્તિ હોય. આ બહુ ખતરનાક વૃત્તિ છે.

પાપો જો ડરતા ડરતા મજબૂરીથી થયા હોય તો એ મોટા હોય તો પણ એના ફળ સામાન્ય મળે ને કેટલીકવાર તો એ પશ્ચાત્તાપના કારણે, ફળ આપ્યા વિના જ સાવ ખતમ થઇ જાય. એથી વિપરીત, પાપો જો નિષ્ઠુરતાથી થયા હોય તો એ સામાન્ય સ્તરના હોય તો પણ બહુ મોટા ખરાબ ફળ આપે. માટે પાપનો ડર રાખી એનાથી શક્ય ઉપાયે બચતા રહેવું જોઇએ. જેઓ જ્ઞાનીભગવંતોની આ હિતકારી વાત સ્વીકારે છે એમનો અભિગમ કેવો વંદનીય-પ્રસંશનીય હોય એ જાણવું છે ? તો વાંચો આ સરસ ઘટના.

ઇ.સ. ૨૦૧૯માં અમારું ચાતુર્માસ હતું મુંબઈ પાર્લાના ચિંતામણિ જિનાલય સંઘમાં. અનેક રીતે યાદગાર-યશસ્વી નીવડેલ એ ચાતુર્માસમાં શિરમોર નીવડેલ બાબતો એ બની. એક, સંઘના પંચમજલી આલીશાન ઉપાશ્રયનો ઉછામણી સમારોહ. કોઇના ઘરે પગલા કર્યા ન હતા, માત્ર પ્રવચનમાં જ માહોલ સર્જ્યો હતો. છતાં પરિણામ એ આવ્યું કે માત્ર બે જ રવિવારના ઉછામણી સમારોહમાં રૂ. બાવન ક્રોડ જેવી સાધારણ ઉપજ થઇ હતી ! બીજી બાબત હતી માત્ર એ એક જ સંઘના આરાધકોએ એકસો સત્તાવન માસક્ષમણો કર્યા હતા. દર વર્ષે જ્યાં પાંચ-સાત માસક્ષમણો પણ મોટી સંખ્યા ગણાતી હોય ત્યાં આટલી વિરાટ સંખ્યાના માસક્ષમણો ખરેખર અજાયબી હતા.

એમાં એક ચાલીશેક વર્ષનું દંપતી પણ માસક્ષમણ (સળંગ ત્રીશ ઉપવાસ)માં સામેલ હતું. બન્નેની ધર્મરુચિ-ઠરેલતા-ભાવુકતા પ્રથમ નજરે જ નોંધપાત્ર લાગે તેવા હતા. માસક્ષમણ સાતાપૂર્વક થયાના અઠવાડિયામાં તેઓ અમારી પાસે પોતપોતાની અલગ વાર્ષિક આલોચના નોંધ લઇને આવ્યા. એક વર્ષમાં જે જે દોષો સેવાયા હોય-પાપ થયા હોય એનો એકરાર અને પ્રાયશ્ચિત માંગવાની વાત આ નોંધમાં હોય. અમે સહજભાવે કહ્યું : ''હજુ તાજું જ માસક્ષમણ કર્યું છે. આ આલોચનાનો તપ પર્યુષણા પછી જ કરવાના હશો. તો આલોચના પ્રાયશ્ચિત પર્યુષણા પછી આપીએ?'' તેઓ કહે : ''આપને સમય ન હોય તો અલગ વાત છે. બાકી અમે પ્રતિવર્ષ પર્યુષણા પૂર્વે આલોચના લઇએ છીએ અને પ્રાયશ્ચિત્તતપ પણ તરત શરૂ કરીએ છીએ. આ વર્ષે પણ એમ જ કરવાની ભાવના છે.''

અમે એમની સત્ત્વશીલ પાપભીરુતાને મનોમન વંદન કર્યા.

(૩) ફોર્સ : ફોર્સ અર્થાત્ જુસ્સો વ્યક્તિ પિક્ચર જોવામાં જેટલો આવશે એટલો પ્રવચનમાં પ્રાય: નહિ આવે. દેશ-વિદેશમાં ફરવામાં વ્યક્તિને જેટલી મજા આવશે એટલી એક સ્થળે અવશ્યમેવ રહી ઉપધાન કરવામાં પ્રાય: નહિ આવે. સરેરાશ વ્યક્તિમાં જોવાતો આ સામાન્યક્રમ ઉલટાય અને મોજ-મજાના ભૌતિક અવસરો કરતા પણ ધર્મઆરાધનામાં વધુ જુસ્સો-વધુ રસ પ્રગટે એ આ ત્રીજા 'એફ'નું હાર્દ છે.

'છેલ્લે પાપભીરુતાના સંદર્ભમાં મસ્ત વાત : સાબુ વસ્ત્રોના મલિન ડાઘ દૂર કરે છે. પશ્ચાત્તાપ આત્માના મલિન પાપ દૂર કરે છે.


Google NewsGoogle News