જો ધર્મરાજ ભીમ અર્જુન વગેરે યુધ્ધ છોડી દે તો પણ મને મારા ક્રોધની શાંતિ તો દુર્યોધનના વધથી જ થશે
- ।। શ્રીકૃષ્ણ ઉવાચ ।।-ગૌતમ પટેલ
યુ ધિષ્ઠિર, ભીમ અને અર્જુને પોતપોતાના મતો પ્રભુને જણાવ્યા અને ભગવાન શ્રીકૃષ્ણે તેઓને યોગ્ય ઉત્તર પણ આપ્યા. હવે નકુલ આવ્યો એણે પ્રભુને જણાવ્યું કે આપે મારા મોટાત્રણે ભાઈઓનો મત જાણ્યો.હું તો આપને વિનંતી કરું છું કે પ્રાપ્તકાલ એ જે સમયે જે કહેવા જેવું હોય તે આપ કરજો. દરેકના મત તે તે કારણે જુદા જુદા પણ હોય શકે પણ શમસાધવો એ જરૂરી છે. યુધિષ્ઠીર, ભીમ અને અપરાજિત અર્જુન, સહદેવ અને હું વળી આપ અને બલરામ, સાત્યકિ, વિરાટરાજા, દ્રુપદ, ધુષ્ટધુમ્ન કે ધૃષ્ટકેતુ આ બધાની સામે કોણ લડવા તૈયાર થશે ? ત્યાં વિદુર, ભીષ્મ, દ્રોણ શ્રેયને જાણવા સમથ છે આપ ઉચિત લાગે તેમ કરજો.
હવે સહદેવનો વારો આવ્યો. એ બોલ્યો રાજાનો સનાતન ધર્મ છે તે આચરજો, હે અરિંદમ ! દુશ્મનોને દબાવનાર ! યુધ્ધ જ થાય એવું કરજો. દ્રોપદીને મેં જે સભામાં દુર્યોધન દ્વારા ચીડાતી જોઈ છે તે પછી એ દુર્યોધનને હણ્યા વિના મારો ક્રોધ કેવી રીતે શાંત થાય ? જો ધર્મરાજ ભીમ અર્જુન વગેરે યુધ્ધ છોડી દે તો પણ મને મારા ક્રોધની શાંતિ તો દુર્યોધનના વધથી જ થશે. આ સાંભળીને ઉપસ્થિત સહુ રાજાઓએ સિંહનાદ કર્યો અને સહદેવને સાથ આપ્યો.
આ બધું સાંભળીને દ્રૌપદીને સહદેવની વાત ગમી અને ભીમસેનને શાંત થયેલો જોઈ મનમાં અત્યંત દુઃખી થઈ ગઈ. કારણ એણે ભીમ પાસેથી આવી અપેક્ષા ક્યારેય રાખી ન હતી.પછી આંસુભીની આંખે એ મનસ્વિની બોલી,હે મધુસ્દન ! આપ જાણો છો કે કેવી રીતે કપટ કરીને પાંડવોને રાજ્યથી ભ્રંશ કર્યો હતો.યુધિષ્ઠરે પાંચ ગામ માગ્યા છે. હે મધુસુદન ! જો દુર્યોધન રાજ્ય પાછું આપ્યા વિના સંધિ ઈચ્છો તો તે ડરશો નહીં. સામ કે દાનથી એ માનવાનો નથી.
સામ કે દાનથી જે દુશ્મનો શાંત ન થાય તેની સામે પોતાના જીવનનું રક્ષણ કરનારે દંડનો પ્રયોગ કરવો જોઈએ.
ધન્ય ! દ્રૌપદી કૃષ્ણને રાજનીતિ સમજાવે છે ! આગળ કહે છે.
હે દાશાર્હ ! લોભનો આશ્રય કરીને રહેલ ક્ષત્રિયે અક્ષત્રિને પોતાના ધર્મનું અનુસરણ કરતા ક્ષત્રિયે હણવો જ જોઈએ.
વળી
હે જનાર્દન ! જેમ વધ કરવા યોગ્ય ન હોય તેનો વધ કરવાથી દોષ લાગે છે તેમ વધ કરવા યોગ્યનો વધ નહીં કરવાથી પણ દોષ લાગે છે એવું ધર્મના જાણકારો જાણે છે.
માટે હે કૃષ્ણ ! આવો કોઈ દોષ તમને ન સ્પર્શે તેવું કરજો.
પછી પોતાની અવદશાનું દર્દનાક વર્ણન એ કરે છે. હે કૃષ્ણ મારા જેવી સૌભાગ્યવાળી પૃથ્વી પર બીજી કોણ છે ? યજ્ઞાની વેદિમાંથી જન્મેલી એવી હું દ્રુપદ રાજની પુત્રી છું. ધૃષ્ટધુમ્નની બહેન અને હે કૃષ્ણ ! તારી પ્રિય સખી, વળી ઈન્દ્ર જેવા પરાક્રમી પાંચ પાંડવોની મહિષી,અને મને પાંચ વીરોથી પાંચ પાંચ પુત્રો પણ થયા છે.
એવી હું સભાની અંદર અત્યંત કલેશ પામી,મારો કેશ ખેંચવામાં આવ્યા એ પણ પાંડુના પુત્રો જોતાં હતા અને તું પણ જ્યારે જીવતો હતો ત્યારે કેશવ ?
અહીં દ્રૌપદીનો વિલાપ અને વસવસો હિમાલયની પણ ઊંચાઈને મહાત કરી દે તેવો છે.ઇન્દ્રસમાન પરાક્રમી પાંડવો જોયા કરે અને ગુસ્સાની પરાકાષ્ઠામાં કહી દે છે હે કેશવ તું જીવતો હોય ત્યારે આવું થાય ? આ એનો અધિકાર છે. કારણ એ કૃષ્ણની પ્રિયસખી છે.
દ્રૌપદીનો ગુસ્સો હજુ શાંત થયો નથી.એ કહે છે જ્યારે પાંડવો જીવતા હોય,પાંચાલો જીવતા હોય વૈષ્ણવો એટલે યાદવો જીવતા હોય ત્યારે મને એ સભામાં દાસી બનાવવામાં આવી, એ વખતે જોઈ રહેલા પાંડવો જાણે કે નિર્મમ બની ગયા ત્યારે હે ગોવિંદ ! મારું રક્ષણ કરો એમ મેં મનથી તમારું ચિંતન કર્યું હતું. એ વખતે મારા સસરાએ-ધૃતરાષ્ટે મને વરદાન માંગ એમ કહ્યું મેં પાંડવો દાસભાવથી મુક્ત થાય.પછી એમને વનવાસ જવા મુક્ત કર્યા.ખરેખર તો હું ભીષ્મની અને ધૃતરાષ્ટની ધર્મથી પુત્રવધુ છતાં સભામાં મને દાસી બનાવી.
અર્જુનની ધનુધોરણ પણાને ધિક્કાર છે,ધિક્કાર છે ભીમના બળ છે જ્યાં હે કૃષ્ણ ! દુર્યોધન એક મૂહુર્ત માત્ર પણ જીવતો હોય.છેલ્લી અદ્ભૂત વિનંતિ..
જો હું તમારે માટે અનુગ્રહ કરવા યોગ્ય હોઉં અને જો તમારી મારી ઉપર કૃપા હોય તો આપ આપનો સઘળો ગુસ્સો ધૃતરાષ્ટ્રના પુત્રો ઉપર કરો.
આ પછી એ રડી,ઊભી થઈ કૃષ્ણ સામે ડાબા હાથથી પોતાના ખુલ્લાવાળને આગળ લાવી આંખમાં આસુ સાથે બોલી.
હે પુંડરીકાક્ષ(કમળ જેવા નેત્રોવાળા) આ દુઃશાસનના હાથથી ખેંચાયેલ મારા કેશને દુશ્મન સાથે સંધિ કરવાની ઇચ્છાવાળા તમે સર્વ સમયે એને યાદ રાખવો જોઈએ.
બસ ! કૃષ્ણને આપવા જેવો સંદેશ જાણે કે આપી દીધો.એનું પણ હતું કે જ્યાં સુધી હું દુઃશાસનના રુધિરથી મારા કેશને ધોઈશ નહીં ત્યાં સુધી હું ચોટલો બાંધીશ નહીં : એણે તેર તેર વર્ષ સુધી વાળ ખુલ્લા જ રાખ્યા છે. ધન્ય છે એ શુરવીર સન્નારીને ! મારું તો માથું નમે છે.
આ પછી એણે જણાવી દીધુે કે ભીમ,અર્જુન નહીં લડે તો મારા વૃદ્ધ પિતા,મારા પાંચ પુત્રો અને અભિમન્યુને આગળ કરીને યુધ્ધ કરી લેશે.ભીમનું વાક્ય સાંભળીને તો મારું હ્ય્દય ચીરાઈ જાય છે,પછી તો એ પોક મુકીને રડી પડી.
કૃષ્ણે એને આશ્વાસન આપતાં કહ્યું હે દ્રૌપદી ! તું બહુ જ થોડા સમયમાં કૌરવોની સ્ત્રીઓને રોતી જોઈશ.હું હવે એ કરીશ કે કાળથી પાકી ગયેલા કૌરવો જો મારું કહ્યું નહીં માને તો એ બઘા ભૂમિ પર સૂઈ જશે અને શિયાળવા એમને ફાડી ખાશે.પછી કૃષ્ણનું વચન આ કોલમ વાંચનારે વારંવાર વાગોળવા જેવો દસ્તાવેજ છે.
હિમાલય ચલાયમાન થાય પૃથ્વીના સો ટુકડા થાય કે આકાશ નક્ષત્રો સાથે તૂટી પડે પણ મારું વચન ખોટું પડશે નહીં. હે કૃષ્ણ ! હું તને પ્રતિજ્ઞાાપૂર્વક સત્ય જણાવું છું કે બહુ જ થોડા સમયમાં તું દુશમનોને હણાયેલા અને તારા પતિઓને લક્ષ્મીથી જોડાયેલા જોઈશ.
અહીં ભગવાને પોતે પોતાના વચનની સત્યતા કઈ કક્ષાની છે એ જાહેર કરે છે.તેમનું સત્ય હિમાલયથી પણ અડગ પૃથ્વીથી પણ સ્થિર કે આકાશ કરતાં પણ ઉચ્ચતા ધરાવતું છે.અભિમન્યુનો પુત્ર જયારે મરેલો જન્મે છે ત્યાં ભગવાન કહે છે કે જો મેં મશ્કરીમાં પણ મિથ્યા વચન ન ઉચ્ચાયું હોય તો આ અભિમન્યુનો મૃત પુત્ર સજીવન થાય અને એ મૃત બાળક જીવિત થાય છે એવું મહાભારતકાર નોંધે છે.
કૃષ્ણ ઈશ્વર છે સત્ય એ જ ઈશ્વર છે અને ઇશ્વર એ જ સત્ય છે. આ આપણી યોગોથી પ્રત્યેક ભારતીયના હ્ય્દયમાં ઘર કરી ગયેલી ભાવના છે. ધન્ય છે.આપણા બંધારણના ઘડવૈયાઓને કે તેમણે ભારતનું ધ્યેય વાક્ય. (સંસ્કુત) ''સત્યમેવ જયતે'' રાખ્યું છે. એટલે સત્યનો જ જ્ય થાય છે વાસ્તવમાં આ વાક્ય પ્રાસન કાવ્યમય એવા મુંડકોપનિષેદમાં પ્રાપ્ત થાય છે. યુગોથી આપણી અનુભૂતિ છે અને ઈતિહાસ સાક્ષી પૂરે છે કે આખરે સત્ય જ વિજ્યી થાય છે.અહીં જ જુઓ કે કૃષ્ણ દ્રૌપદીને પ્રતિજ્ઞાાપૂર્વક કહ્યું છે કે તારા શત્રુઓનો નાશ અને તારા પતિઓ શ્રીથી બહુ થોડા સમયમાં જોડાયેલા જોઈશ એ બહુ જ થોડા કાળમાં સિદ્ધ થઈ ગયું છે.