ધૂન-ભજન કરીને ધર્મની અભિવૃધ્ધિ કરવાનો માસ-ધનુર્માસ
- ધનુર્માસનો પ્રારંભ..
તા. ૧૬ ડીસેમ્બરથી ધનુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. આ ધનુર્માસનો પ્રારંભ થતાં જ વ્હેલી સવારથી જ ભક્તો મંદિરમાં જાય છે અને ભગવાનના ચરણોમાં જઈને મસ્તક નમાવીને પ્રાર્થના કરે છે. મંગળા આરતીના દર્શન કરે છે અને ધૂન, ભજન, કીર્તન કરે છે. સંતોના સાનિધ્યમાં બેસી ભગવદ્ કથાનો લાભ લે છે. આમ ધનુર્માસમાં ભક્તો ભગવાનની વધુ સમીપે જાય છે. ભગવદ્ સુખને પામે છે.
જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશીમાં એટલે કે પશ્ચિમ વિથીકામાં પ્રવેશ કરે ત્યારે ધનુર્માસ કહેવાય છે. આ ધનુર્માસનો શાસ્ત્રોમાં ખૂબ જ મહીમા ગવાયો છે. આ ધનુર્માસમાં માંગલિક કાર્યો એક મહિના માટે વિરામ પામી જાય છે. લગ્નની વિધિ, મકાન કે ઓફિસોનો આરંભનો વિધિ, આવા માંગલિક કાર્યો મોટાભાગે માણસો કરતાં નથી. તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, પૂર્વદિશા સૂર્યની છે, પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કિરણો અતિવક્ર પડતા હોવાના કારણે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ સાથે એવી પણ માન્યતા છે કે, મહાભારતનું મહાભયંકર યુદ્ધ ધનુર્માસના દિવસો દરમ્યાન થયું હતું. અને જેના કારણે અનેક માણસો માર્યા ગયા હતા. જેમાં મોટો રક્તપાત્ થયો હતો. જેના કારણે આ માસને અમાંગલિક ગણવામાં આવી રહ્યો છે.
ધનુર્માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરોમાં ધૂન, ભજન, કીર્તન અને કથાવાર્તા કરીને ધનુર્માસની ઉજવણી કરવામાં આવે છે. તો આપણે પણ થોડી આળસને ખંખેરીને શ્રધ્ધા સહિત મંદિરમાં પહોંચી જઈએ અને ધૂન, ધ્યાન, ભજન, કીર્તન, સદ્ગ્રંથોનું વાંચન કરીને ધર્મની અભિવૃધ્ધિ કરનારા ધનુર્માસમાં ભગવાનને પ્રસન્ન કરીએ અને દિવ્ય અલૌકિક શાંતિની અનુભૂતિ કરીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ