Get The App

ભગવાનનું ધ્યાન ધરીને ભગવાનને પ્રસન્ન કરવાનો માસ એટલે ધનુર્માસ

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
ભગવાનનું ધ્યાન ધરીને ભગવાનને પ્રસન્ન કરવાનો માસ એટલે ધનુર્માસ 1 - image


(પ્રારંભ - તા. ૧૬ ડીસેમ્બર - પૂર્ણાહુતિ તા. ૧૪ જાન્યુઆરી)

તા. ૧૬ ડીસેમ્બર એટલે ધનુર્માસ પ્રારંભનો દિવસ.

આ દિવસથી મંદિરોમાં પ્રાંત:કાળથી જ ભક્તો ધ્યાન - ભજન - કીર્તન - શાસ્ત્રોના પઠન કરવા લાગે છે. ભક્તજનો પોતાના ઘરમાં પણ આ ધનુર્માસ દરમ્યાન ધર્મ આરાધના કરીને મોક્ષપદની માટે પુરુષાર્થ કરે છે.

તા. ૧૬ ડીસેમ્બરથી તા. ૧૪ જાન્યુઆરી સુધી એટલે કે, માંગલિક કાર્યો કોઈ મોટાભાગે કરતું નથી. આ માસમાં લગ્ન, મકાનના વાસ્તુ આદિ કરવામાં આવતા નથી. તેની પાછળનું રહસ્ય એવું મનાય છે કે, પૂર્વદિશા સૂર્યની છે. પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કિરણો અતિવક્ર પડતાં હોવાના કારણે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

વળી એમ પણ માનવામાં આવી રહ્યું છે કે, મહાભારતનું યુધ્ધ જે થયું હતું તે આ ધનુર્માસના દિવસો દરમ્યાન થયું હતું. અને તેથી મોટો નરસંહાર થયો હતો. તેથી ધનુર્માસને અમાંગલિક માનવામાં આવે છે. પરંતુ આ ધનુર્માસને ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યો છે. તેથી આ માસમાં ભક્તજનો ધૂન,ભજન, કીર્તન, ધ્યાન, શાસ્ત્રોનું પઠન, પાઠન આનંદ અને ઉલ્લાસથી કરે છે.

શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામે ૬૪ કળાઓ સાથે ધનુર્વેદનો અભ્યાસ સાંદિપની ઋષિના આશ્રમમાં કર્યો હતો. તેથી આ ધનુમાર્સ વિદ્યાભ્યાસ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ધનુર્માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરોમાં પણ આ ધનુર્માસની ઉજવણી કરવામાં આવે છે. સૌ સંતો ભક્તો મંગળા આરતીના દર્શન કરીને સ્વામિનારાયણ મહામંત્રેની ધૂન કરે છે, ધ્યાન કરે છે. કથાવાર્તા કરવામાં આવે છે.

સંતો મંદિરોમાં અને ભક્તો પોતાના ઘરે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોનું ગાન કરે છે, ભગવાનની પાસે ધનુર્માસમાં હરિચરિત્રામૃત સાગર, સત્સંગિ જીવન, સત્સંગિભૂષણ, વચનામૃતમ્, રહસ્યાર્થ પ્રદીપિકીટીકા, જીવનપ્રાણ બાપાશ્રીની વાતો, જીવનપ્રાણ સ્વામીબાપાની વાતો આદિ ગ્રંથોની પારાયણ કરે છે. તેથી આવા પાવનકારી ધનુર્માસમાં આપણે અવશ્ય ધ્યાન, ધૂન, કિર્તન અને ધર્મગ્રંથોનું પઠન કરીએ, અને આધ્યાત્મિક દિવ્ય સુખને પામવા પ્રયત્નશીલ બનીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Google NewsGoogle News