''સંસ્કારી સ્વભાવ'' .
- સંસ્કારી માણસ ગમે તેવી પરિસ્થિતિમાં વાણીથી ઉગ્ર થતો નથી. મિજાજ ગુમાવતો નથી. કઠોર શબ્દ કહેતો નથી. સંબંધ બગાડતો નથી
પાંડવોના વનવાસ દરમ્યાન અર્જુને તપ કરી ભગવાન શંકર પાસેથી પાશુપતાસ્ત્ર મેળવ્યું. દેવરાજ ઈન્દ્ર તેની આ શક્તિ જોઈ તેને સ્વર્ગ તરફ લઈ ગયા. ત્યાં અર્જુને ઈન્દ્રના કહેવાથી દેવતાઓના શત્રુ નિવાતકવચ નામના અસુરગણોનો નાશ કર્યો. ઈન્દ્ર ખૂબ પ્રભાવિત થયા. તે અર્જુનને ખુશ કરવા માંગતા હતા. ભેટ આપવા માંગતા હતા. તે અર્જુનને સ્વર્ગની દેવસભામાં લઈ ગયા. સ્વર્ગમાં શું ના હોય ? ગંધર્વો વીણાવાદન કરતા હતા. વાતાવરણ અત્તરની સુગંધથી કામોત્તેજક હતું. સૌને મદિરાથી છલકાતી પ્યાલીઓ પીરસાતી હતી. મદમસ્ત નશો છવાયેલો હતો. થોડીવારે સર્વાંગ સુંદર અપ્સરા ઉર્વશી ત્યાં આવી. તેણે લયબધ્ધ નૃત્ય શરૂ કર્યું. તેના નૃત્યમાં અદ્ભુત લવચીકતા હતી. નૃત્ય કરતાં કરતાં તેની નજર અર્જુન પર પડી. તેની દૈહિક તેજસ્વિતા જોઈ મોહિત થવા લાગી. ઈન્દ્રએ આ જોયું. તેમણે ગંધર્વરાજ ચિત્રસેન મારફતે ઉર્વશીને કહેવડાવ્યું કે આજ રાત અર્જુનની સેવામાં રહે. તેને પ્રસન્ન કરે. ઉર્વશી મોહક શૃંગાર સજી અર્જુનના શયનખંડમા દાખલ થઈ. અર્જુને ઉર્વશીને નિષ્કામ નજરે જોઈ. અંદર આવી ત્યારે પૂછયું - ''માતા, આપ અત્યારે ? અહીં ? હું આપની શું સેવા કરી શકું ?'' અર્જુનનું આ વચન સાંભળી ઉર્વશી આશ્ચર્ય પામી. તે વ્યાકુળ થઈ બોલી. ''અર્જુન આ ધરતી નથી. સ્વર્ગ છે. અમે અપ્સરાઓ કોઈની માતા, બહેન કે પત્ની નથી હોતી. અહીં સ્વર્ગમાં આવનાર પ્રત્યેક પ્રાણી પોતાના પુણ્ય મુજબ અમારી સાથે સમય પસાર કરી શકે છે. મને ઈન્દ્ર અને ચિત્રસેનનો આદેશ છે કે હું આજની રાત તમારી સેવા કરૃં.'' આ વાત સાંભળીને અર્જુન બે ડગલાં પાછો જતો રહ્યો. બે હાથ જોડી નતમસ્તકે શાંત ઊભો રહ્યો. તે સંસ્કારી હતો. તેના ચિત્તમાં લેશમાત્ર ભોગ-ભાવ નહોતો. તેણે ખૂબ નમ્રતાથી ઉર્વશીને કહ્યું, ''યથા કુંતી ચ માદ્રી ચ શુચી ચૈવ મમાનધે, તથા ચ વંશજનની ત્વં હિ મેદ્ય ગરીયસી (વનપર્વ)'' હે માતા, મારી દ્રષ્ટિમાં કુંતી, માદ્રી અને શચીનું જે સ્થાન છે એ જ સ્થાન આપનું પણ છે. આપ પુરૂવંશની જનની હોવાના કારણે આજે પણ મારા માટે ગુરૂસ્વરૂપ પૂજ્ય છો.''
કામભાવથી આસક્ત થયેલી ઉર્વશી છંછેડાઈ ગઈ. તેના સૌંદર્યની મગરૂરી નિષ્ફળ જતી લાગી. તેણે ક્રોધિત થઈને અર્જુનને શાપ આપ્યો. ''તારે એક વર્ષ સુધી સ્ત્રીઓની વચ્ચે સન્માનરહિત નપુંસક અવસ્થામાં રહેવું પડશે.'' જોકે અર્જુન વળતો શાપ આપવા સમર્થ હતો. છતાં તેણે પગ પછાડી ગુસ્સામાં બહાર જતી ઉર્વશીને માતાતુલ્ય ગણી મસ્તક નમાવી પ્રણામ કર્યા. શ્રીકૃષ્ણના સાન્નિષ્યમાં રહી અર્જુન વધુ સંસ્કારી થતો હતો.
સંસ્કારી માણસ ગમે તેવી પરિસ્થિતિમાં વાણીથી ઉગ્ર થતો નથી. મિજાજ ગુમાવતો નથી. કઠોર શબ્દ કહેતો નથી. સંબંધ બગાડતો નથી. જાત પર સંયમ રાખી ઝઘડાળું સમયને પસાર થવા દે છે, તે જાણે છે ગમે તેવી ધારદાર છરી સફરજનના ટુકડા કરી શકે છે પણ તેના બિયાંને કાપી શકતી નથી. બીજાના કર્કશ-કડવા શબ્દો મગજને ગમે એટલું ઉત્તેજિત કરે પણ સંસ્કારોના બી-કાપી શકાતા નથી.
લિંકનના જીવનનો એક પ્રસંગ છે. એકવાર હબસી નેતા ફ્રેડ ડગ્લાસ અને પ્રમુખ લિંકન વચ્ચે મુલાકાત યોજાઈ. બન્ને નેતાઓની ચર્ચા બાદ પત્રકારોએ હબસી નેતાને થયેલી મુલાકાત વિષે પૂછયું. ત્યારે ડગ્લાસે કહ્યું. ''મારા જીવનમાં આવેલ પ્રમુખ લિંકન પહેલી વ્યક્તિ છે જેમણે હું 'કાળો હબસી' છું એવો અહેસાસ (અનુભવ) એક પણ વાર થવા દીધો નહિ.'' આ લિંકનના વ્યક્તિત્વની, તેના સંસ્કારોની ઊંચાઈ હતી. બીજા કરતાં આપણે આગળ છીએ. મોટા છીએ. શક્તિશાળી છીએ. અગત્યના છીએ માનવંતા છીએ. એવું વારંવાર જાહેર કર્યા કરવું, તેનો દેખાડો કરવો એ વ્યક્તિમાં રહેલા સંસ્કારની ખામી છે.
લોકસભાની ચુંટણી વખતે વડાપ્રધાન મનમોહનસિંહ અને તેમના પત્ની મત આપવા ગયા. મતદાન મથકે ચુપચાપ લાઈનમાં ઊભા રહ્યાં તેમનો વારો આવ્યો ત્યારે મતદાન કર્યુ અને શાંતિથી વિદાય થયા. આ દેખાડો નહોતો તેમના નિજી સંસ્કારોની ચમક હતી.
What You think of yourself is much more important than what others think of you. બીજા આ૫ણા વિષે શું વિચારે છે તેના કરતાં આપણે આપણા વિષે શું વિચારીએ છીએ તે વધારે અગત્યનું છે. સાચો માણસ સંસ્કારનો પહેરો ગોઠવી પોતાની સદ્ઈચ્છા અને સદાચારનું રક્ષણ કરે છે. આખો સંસાર ભેગો મળી અસંસ્કારોનો ગમે તેટલો મેલ, ગંદકી કે કાટ ચઢાવે પણ સારો માણસ પોતાના પવિત્ર જીવનથાળને માંજી માંજીને ચોખ્ખો ચણાક રાખે છે. સહેજ પણ ડાઘ પડવા દેતો નથી. 'શીલં પ્રધાનમ્ પુરૂષે' માણસમાં સંસ્કાર-ચારિત્ર્ય - જ મુખ્ય છે. સંસ્કારના અસલ ગુરૂ માં-બાપ છે. સંસ્કારનું ઘડતર કુટુંબમાં થાય છે. નાની નાની બાબતો પ્રત્યે સજાગ મા-બાપ જીવનધર્મ શાંતિથી શીખવાડે છે. મા-બાપનો સાચો ધર્મ એ છે કે બાળકના હાથમાં માલ-મિલકતની સાથે સાથે સંસ્કારોનો ભંડાર પણ તેના હાથમાં મૂકે.
અંગ્રેજી સાહિત્યકાર ડેનિયલ નાનપણમાં સામાન્ય સ્થિતિમાં જીવતા હતા. એક દિવસ જે સ્કુલમાં ભણતા હતા ત્યાંથી એક દાનવીર તરફથી ગરીબ વિદ્યાર્થીઓને પુસ્કત, નોટબુક, પેન્સીલ, કંપાસ બોક્ષ જેવી વસ્તુઓ મફત વહેંચવામાં આવી. ડેનિયલે પણ લીધી. ઘરે આવી માતાને બતાવી. તેને એમ હતું કે માતા રાજી થશે. પણ માતાએ તેને પાસે બેસાડી સમજાવ્યો. ''બેટા, આવી મદદની એમને જરૂર હોય છે જે તદ્દન અસહાય હોય. ગરીબ હોય. આપણે અમીર નથી પણ સાવ ગરબી પણ નથી. મહેનત કરીને જીવી શકીએ છીએ. આપણાથી ગરીબના હક્કનું ના લેવાય.'' ડેનિયલે તે વસ્તુ પાછી આપી. માતા તરફથી નીતિ અને સ્વાભિમાનના જે સંસ્કાર મળ્યા તે ડેનિયલને જીવનભર યાદ રહ્યા. તેના સાહિત્યમાં પણ આવા સંસ્કારનો ઉલ્લેખ થતો. ગાંધીજી પ્રથમવાર વિલાયત ગયા ત્યારે માતા પૂતળીબાઈએ તેમને માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની બાધા લેવડાવી હતી. આ પ્રતિજ્ઞાા માતા તરફથી મળેલું સંસ્કારોનું ભાતું હતું.
સાચા સંસ્કાર દિલના હોય છે, આત્માના હોય છે. સંસ્કારની ઊંડી છાપ મનના ભાવ પર પડયા વગર રહેતી નથી. સંસ્કારીએ છે જે ખોટું કરતાં ખચકાય. જે સત્યનું, સારથનું રક્ષણ કરે અને ખરાબ, અશુભ કે ખોટું જોઈને થોભી જાય અથવા પાછો વળી જાય તે સાચો સંસ્કારી.
- સુરેન્દ્ર શાહ