કૃષ્ણ ભક્તિને નવી ઊંચાઈએ લઈ જનારા સર્જકો
- હર્ષ મેસવાણિયા
ભગવાન વિષ્ણુની તમામ કળાઓ સાથે શ્રીકૃષ્ણનું પ્રાગટય થયું હતું એમને પૂર્ણપુરુષોત્તમ કહેવાય છે. કૃષ્ણના બધા જ સ્વરૂપોને ભક્તોએ ખૂબ લાડ લડાવ્યા છે. લડવૈયા કૃષ્ણ, પ્રેમી કૃષ્ણ, સખા કૃષ્ણ, સલાહકાર કૃષ્ણ, રાજનીતિજ્ઞા કૃષ્ણ... માખણ ચોરીને ગોપીઓને પજવતા નટખટ કૃષ્ણ એક તરફ છે. બીજી તરફ કુરુક્ષેત્રની મધ્યે વેદોનો ગૂઢ સાર ગીતા સ્વરૂપે કહેતા કૃષ્ણ છે. કૃષ્ણની અનેક કથાઓ શ્રીમદ્ ભાગવત અને ભાગવેત્તર સાહિત્યથી ભારતવર્ષના ખૂણે ખૂણે પહોંચી, પરંતુ એ સત્ય છે કે કૃષ્ણના અનેકાનેક સ્વરૂપોને લોકમાનસમાં ગાઢ બનાવવાનું કામ ભક્તકવિઓએ બખૂબી કર્યું છે. આજે આપણી સમજના જે કૃષ્ણ છે એમાં આ ભક્તકવિઓની બહુ મહામૂલી ભૂમિકા છે.
જયદેવ : રાધા-કૃષ્ણનો અમર પ્રેમ આલેખનારા મહાકવિ
૧૨મી સદીમાં થયેલા મહાકવિ જયદેવનું નામ કૃષ્ણભક્ત કવિઓમાં પહેલી હરોળમાં મૂકવું પડે. તેમનો જન્મ ક્યાં થયો તે વિશે અનેક મતમતાંતર છે, પરંતુ ગીતગોવિંદમની મહત્ત્વ હસ્તપ્રતો ઓડિશામાંથી મળે છે એટલે ઓડિશામાં જન્મ થયાની વાત મોટાભાગના વિદ્વાનો માને છે. ઓડિશાના જગન્નાથ મંદિર સાથેની તેમની કથાઓ પણ જાણીતી છે. તેમણે સંસ્કૃતભાષામાં 'ગીતગોવિંદમ્'ની રચના કરી હતી. કહે છે કે દરરોજ સાંજે જયદેવ ઓડિશાના મંદિરમાં ગીતગોવિંદમ્ ગાતા હતા. તે સમયના ભારતના રાજાઓના દરબારમાં ગીતગોવિંદમથી પ્રેરિત થઈને નૃત્યનાટકો ભજવાતા હતા. રાધા-કૃષ્ણની સૌપ્રથમ વાત જયદેવે કરી હતી. એ પહેલાં રાધાને બદલે મુખ્ય ગોપીનો ઉલ્લેખ આવતો હતો. જયદેવે એ ગોપીને રાધાનું નામ આપીને રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમને લોકહૃદયમાં અનોખું સ્થાન અપાવ્યું. તે પછી લોકગીતોથી લઈને ભારતવર્ષની તમામ ભાષાઓમાં થયેલા નામી-અનામી સર્જકોએ રાધા-કૃષ્ણના પ્રેમને અભિવ્યક્ત કર્યો. આજ સુધી રાધા-કૃષ્ણનો અલૌકિક પ્રેમ સર્જકોને આકર્ષતો રહ્યો છે, એ પાછળ બેશક જયદેવના સર્જનનો મહત્વનો ફાળો છે. જયદેવથી જ ભારતમાં કૃષ્ણભક્ત કવિઓનો એક આખો ગૌરવપૂર્ણ યુગ શરૂ થયો હતો.
નરસિંહ મહેતા : કૃષ્ણને ગુજરાતના ગગનમાં નીરખનારા આદ્યકવિ
આજના ભાવનગરના તળાજામાં ૧૪૧૧માં જન્મેલા નરસિંહ મહેતા ગુજરાતમાં કૃષ્ણ ભક્તિનું નવું આકાશ ખોલ્યું હતું. ગુજરાતમાં ભક્તિયુગની શરૂઆત નરસિંહ મહેતાથી થઈ હતી. રાજસ્થાનના મીરાંબાઈના પદો જેમ ગુજરાતમાં ગુજરાતી થઈ ગયા છે એમ નરસિંહ મહેતાના કેટલાય પદોએ રાજસ્થાનમાં રાજસ્થાની રૂપ ધારણ કર્યું છે. નરસિંહ મહેતાના પદોએ લોકહૃદયમાં એવું અવિચળ સ્થાન મેળવ્યું છે કે સદીઓથી લોકમુખે એ પદો રમતા રહે છે. ૬૦૦ વર્ષથી ગુજરાતમાં નરસિંહ મહેતાના પદો ગવાતા રહે છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ, હુંડી, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું જેવી રચનાઓ અને તે પાછળની લોકકથાઓએ નરસિંહની કૃષ્ણભક્તિને અમર બનાવી દીધી. બળતા હાથે ને ઝળહળતા હૈયે નરસિંહ મહેતાએ શિવની સાક્ષીએ વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા નીરખી. નરસિંહ મહેતાએ મિલન અને વિરહના ભાવોને પદોમાં બખૂબી આલેખ્યા. તેમના દરેક જીવનપ્રસંગમાં 'નરસૈયાના સ્વામી'ના દર્શન થયા વગર રહેતા નથી. આ એવા કૃષ્ણભક્ત કવિ છે જેમણે ગગનમાં ભગવાનને નીરખી લીધા. નરસિંહ મહેતાથી ગુજરાતમાં કીર્તનની પરંપરા શરૂ થઈ. તેમણે રચેલા અનેક કીર્તનો આજેય ભાવથી ગવાય છે.
સૂરદાસ : 'પ્રજ્ઞાવાન' કવિએ બંધ આંખે કૃષ્ણલીલાના દર્શન કરાવ્યા
સૂરદાસના જન્મના સ્થળ અને સમય અંગે ઘણાં મતભેદો છે. કોઈ કહે છે ઉત્તર પ્રદેશના મથુરા આસપાસ ૧૩મી સદીમાં તેમનો જન્મ થયો હતો. વ્યાપક મત એવો છે કે ૧૪૭૮માં હરિયાણાના સીહી ગામમાં તેમનો જન્મ થયો હતો. એવુંય મનાય છે કે પુષ્ટિમાર્ગના શરૂઆતના આઠ મુખ્ય અનુયાયીઓમાંના એક હતા. ઘણાં વિદ્વાનો તેમની બાળલીલાઓને અને પુષ્ટિમાર્ગના બાળકૃષ્ણને પણ કનેક્ટ કરે છે. બીજી બધી બાબતોમાં ભલે મતમતાંતરો હોય, પરંતુ તેમની કૃષ્ણભક્તિ વિશે લેશમાત્ર મતમતાંતર નથી. સૂરદાસે બંધ આંખે કૃષ્ણના દર્શન કરીને જે શબ્દોનો શણગાર કર્યો તેણે અનોખી દુનિયા સર્જી. 'મે નહીં માખન ખાયો' જેવી અમર રચનાઓ આજેય આપણી સમક્ષ બાળકૃષ્ણનું માખણથી લિપ્ત મુખનું દૃશ્ય ખડું કરી દે છે. શ્રીમદ્ ભાગવતના શ્રીકૃષ્ણના સૂરદાસે નવા સ્વરૂપો જોયા અને એ તમામ સ્વરૂપોનો પદોના માધ્યમથી સેંકડો ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યો. તેમણે જે ભાવથી કૃષ્ણની ભક્તિ કરી એ જોઈને દુનિયાએ તેમને યોગ્ય રીતે જ વાત્સલ્ય રસના મહાકવિ કહ્યા. સૂરસાગર, સૂરસારાવલી, સાહિત્ય લહેરી, બ્યાહલો, નળ-દમયન્તી જેવા પાંચ ગ્રંથો સૂરદાસના નામે બોલે છે.
મીરાંબાઈ : કૃષ્ણપ્રેમના પદો ગાઈને રાધાની હરોળનું સ્થાન મેળવ્યું
મેવાડમાં ૧૪૯૮ કે ૧૫૦૦માં મીરાંબાઈનો જન્મ થયો હતો. તેમણે માત્ર ૪૭-૪૮ વર્ષની ઉંમરે કૃષ્ણધામ દ્વારકામાં અંતિમ શ્વાસ લીધો. આટલા ટૂંકાગાળામાં કૃષ્ણભક્તોમાં અવિચળ સ્થાન મેળવી લીધું. ભક્તિકાળના આ સર્જકે કૃષ્ણપ્રેમનું એવું નોખું પ્રકરણ આલેખ્યું કે તે પછીના કવિઓએ પ્રેમમાં તેમને રાધાની લગોલગ મૂકી દીધાં. મીરાંબાઈના નામે ૧૬મી સદીમાં ક્રાંતિ થઈ. જ્યારે મહિલાઓને ઘરની બહાર પગ મૂકવાની પરવાનગી ન હતી ત્યારે મીરાંએ રાજસ્થાનના મેવાડથી છેક 'દૂર નગરી' દ્વારકા સુધીનો કપરો-કાંટાળો ભક્તિ માર્ગ પસંદ કર્યો. રાજવી સુખ-સાહ્યબી છોડીને મીરાંબાઈએ ભટકીને ભજન કર્યું એ તેમની બળુકી કૃષ્ણભક્તિનું ઉદાહરણ છે. ભારતીય ભક્તિ પરંપરામાં લાખો-કરોડો શ્રદ્ધાળુઓની પ્રાર્થના મીરાંના વિરહી પદો વગર ભક્તિ અધૂરી છે. કૃષ્ણના એકથી એક ચડિયાતા પદો રચીને મીરાંબાઈએ લોકમાનસમાં કૃષ્ણભક્તિનું અદ્વિતીય સ્થાન બનાવ્યું. 'મીરાંબાઈ કી પદાવલી' ગ્રંથમાં તેમના પદોનો સમાવેેશ થયો છે. મીરાએ કૃષ્ણ પ્રત્યે એટલો પ્રેમ બતાવ્યો કે તેમના પદોમાં આવતું નામાચરણ 'મીરા કે પ્રભુ ગિરધર નાગર' માત્ર નામાચરણ ન રહેતાં એક કહેવત બની ગઈ. ચિત્તોડગઢનું મીરાં મંદિર મીરાંબાઈના પદોની સાક્ષી પૂરતું આજેય ઊભું છે.
રસખાન-રહીમ : મુસ્લિમ કવિઓને માધવની માયા લાગી
મુસ્લિમ સુફી કવિ સૈયદ ઈબ્રાહિમ ખાને રસખાનના ઉપનામથી કૃષ્ણભક્તિના અનેક પદો લખ્યા. રસખાનના પદોમાં કૃષ્ણની બાળલીલાના અદ્ભુત વર્ણનો મળે છે. પુષ્ટિમાર્ગના વિઠ્ઠલાચાર્યના અનુયાયી બન્યા બાદ તેમણે કલમ કૃષ્ણને સમર્પિત કરી દીધી હતી. આ કવિ કૃષ્ણભક્તિમાં એટલા રસતરબોળ રહ્યા કે પાછલા વર્ષો વૃંદાવનમાં જ રહ્યા હતા. બીજા એવા જ મુસ્લિમ કવિ રહીમ કે જેમણે કૃષ્ણભક્તિના પદો લખ્યા. અબ્દુલ રહીમ ખાન-એ-ખાના જન્મથી મુસ્લિમ હતા ને અકબરના દરબારના એક રત્ન હતા. આ રહીમે હિંદુ મહાકાવ્યો - રામાયણ-મહાભારતના પ્રસંગો ઉપર ઘણું સર્જન કર્યું છે. રહીમ કલમ અને કટાર એમ બંને પાસેથી કામ લઈ શકતા હતા. યુદ્ધમેદાનમાં પણ એટલા જ કુશળ રહીમની સંસ્કૃત પર પકડ હતી અને જ્યોતિષ અંગે પણ તેમણે ગ્રંથ લખ્યો હતો.
જાણે એમના શબ્દો વગર આપણી પ્રાર્થના અધૂરી
ભક્તિકાળના કૃષ્ણભક્ત કવિઓની આ યાદી પૂરી થઈ શકે તેમ નથી. કોને બાદ કરો અને કોનો સમાવેશ કરો - તે અવઢવ હંમેશા સામે આવીને ઉભી રહેવાની જ, પણ તેમ છતાં જયદેવ, સૂરદાસ, મીરા, રહીમ, નરસિંહ મહેતાને પહેલી હરોળમાં મૂકવા પડે. કવિ દયારામ, શ્યામળ ભટ્ટ, તાજ મુગલાની, આલમ, નઝીર અકબરાબાદી, ઉઝીર બેગ જેવા સર્જકોએ પણ કૃષ્ણપ્રેમ વ્યક્ત કરીને લોકમાનસમાં કૃષ્ણની એક અનોખી આભા બનાવી છે. ભક્તિકાળના આ કવિઓના શબ્દોથી પિતાંબરધારી શ્રીકૃષ્ણ આપણને વધુ પોતીકા લાગે છે. આટલી સદી પછી પણ કૃષ્ણ પ્રત્યે આપણને જે પ્રેમભાવ વ્યક્ત કરવો છે એ આ પદોની મદદ વગર શક્ય નથી. એમના શબ્દો વગર આજેય જાણે આપણી કૃષ્ણભક્તિ અધૂરી રહી જાય છે.