'પારણાથી વધસ્તંભ''ક્રિસમય-નાતાલનો શુભ સંદેશ'
- વધસ્તંભ પર તેમણે અસહાય, માનવી ભાષામાં વર્ણવી ના શકાય તેવા દુઃખો મુંગા મોએ સહન કર્યા.પ્રભુ ઈસુએ આ સર્વ દુઃખો માનવજાતના ઉદ્વાર-તારણ માટે સહન કર્યા જેથી માનવજાતનો ઉદ્વાર શક્ય બન્યો
સં ત લુકના શુભસંદેશ અનુસાર કાઈસાર ઓગસ્તસ જે યહુદા પ્રાંતનો અધિકારી હતો. તેણે એવો હુકમ બહાર પાડયો કે સર્વના દેશના લોકના નામ નોંધાય. જેથી દરેક વ્યક્તિ-પુરુષ પોતાના નામ નોંધાવા પોત-પોતાના શહેર ગયા.
યુસફ ગાલીલના નાઝરેથ શહેરના દાઉદ નગર બેથલેહેમમાં પોતાનું તથા તેમની થનાર પત્ની મરિયમનું નામ નોંધાવા તેઓ બેથલેહેમ ગયા. કારણ કે તેઓ દાઉદ રાજાના વંશ તથા કૂળના હતા. તેઓ ત્યાં હતા એટલામાં મરિયમના પ્રસુતિના દિવસો-સમય પૂરો થયો અને મરિયમનો પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો. કારણ કે તેમના માટે ધર્મશાળામાં ક્યાંય જગ્યા નહોતી. આમ ઈસુ રાજાનો જન્મ ગભાણમાં થયો.
આ ઈસુ પૃથ્વી ઉપર ૩૩ વર્ષનું ટૂંકુ પરંતુ ખૂબ જ અસરકારક જીવન જીવ્યા. આ જીવન દરમ્યાન તેમણે ઘણા માનવ સેવાના કાર્યો કર્યા. દુઃખિત, જરૂરિયાતમંદોની સેવા એ એમનો જીવનમંત્ર હતો. તેઓ દયા-કરૂણાના સાગર હતા. તેમની પાસે આવનાર દરેકના દુઃખ દર્દ તેઓ દૂર કરતા.
તેમણે લોકોને ન્યાય, નીતિ, સદાચાર, પ્રેમ, દયા, માફીનું શિક્ષણ આપ્યું. લોકો તેમને માન આપતા, તેમની પાસે આવતા. અકલ્પનીય દુઃખોને તેમણે મુંગા મોએ સહન કર્યા. છતાં તેઓ દુઃખ દેનારને માફ કરે છે. તેમના ઉદ્વાર-તારણ માટે પ્રાર્થના કરે છે.
''હે પિતા તેઓને માફ કરો, કારણ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.'' આ શબ્દો દુનિયાના ફલક ઉપર નોંધવામાં આવ્યા છે.
વધસ્તંભ પર તેમણે અસહાય, માનવી ભાષામાં વર્ણવી ના શકાય તેવા દુઃખો મુંગા મોએ સહન કર્યા.
પ્રભુ ઈસુએ આ સર્વ દુઃખો માનવજાતના ઉદ્વાર-તારણ માટે સહન કર્યા જેથી માનવજાતનો ઉદ્વાર શક્ય બન્યો.
જેથી તેમણે વધસ્તંભ ઉપરથી મોટેથી બૂમ પાડી, ''સંપૂર્ણ થયું.'' (માનવજાતનો તારણ-ઉદ્વાર શક્ય બન્યો) કહીને તેમણે પ્રાણ છોડયો. જેથી માનવજાતના પાપોની માફી ઉદ્વારના માટે હવે બીજા કોઈ બલિદાન કે અર્પણની જરૂર રહેતી નથી. તેમણે પાપ-મૃત્યુનાં બંધન તોડયા. પાપ અને મૃત્યુ પર વિજય મેળવ્યો. જીવન-મૃત્યુના સ્વામી અને પ્રભુ તરીકે સાબિત થયા.
આજે પણ યરૂશાલેમમાં તેમની કબર ખુલ્લી છે. અને યરૂશલેમ જનાર આ ખુલ્લી કબરના દર્શન કરી જીવનમાં ધન્યતા અનુભવે છે.
મહાન પ્રેમાળ ઈશ્વરપિતાની માનવજાતના ઉદ્વાર-તારણ માટેની એક સનાતન યોજના છે. પ્રેમથી તેમની પાસે આવવા અને વિશ્વાસ સહિત આ બાબતનો સ્વીકાર કરનાર વ્યક્તિ પાપની માફી, ઉદ્વાર, તારણ પ્રાપ્ત કરી શકે છે. સાથે વિશ્વાસસહિત આ બાબતનો સ્વીકાર કરનાર જીવનમાં સાચી શાંતિ આનંદ પ્રાપ્ત કરી શકે છે.
- પાસ્ટર સદગુણ ક્રિસ્ટી