ઈશ્વરના ઘરેથી માણસ-જાતનું પ્રમાણપત્ર લઈને આવ્યા હોવા છતાં આપણે આપણી માનવ-તરીકેની ઓળખ ભૂલી ગયા છીએ

Updated: Feb 1st, 2023


Google NewsGoogle News
ઈશ્વરના ઘરેથી માણસ-જાતનું પ્રમાણપત્ર લઈને આવ્યા હોવા છતાં આપણે આપણી માનવ-તરીકેની ઓળખ ભૂલી ગયા છીએ 1 - image


મ હારાજા ધૃતરાષ્ટ્રની રાજસભામાં જ્યારે દ્રૌપદીના સ્ત્રીત્વનું હનન થઈ રહ્યું હતું, ખુલ્લેઆમ અધર્મ થઈ રહ્યો હતો ત્યારે પિતામહ ભીષ્મ, કુળગુરૂ કૃપાચાર્ય, ગુરૂ દ્રોણાચાર્ય અને મહાત્મા વિદુરજી જેવા ધર્મનો મર્મ જાણનારા જ્ઞાાનીજનો હાજર હતા. વળી એ સૌ શક્તિશાળી હતા. જો ધારત તો કળથી કે બળથી આંખ સામે થતો અધર્મ રોકી શક્યા હોત. પણ એ દરેકની પાંપણો પર કોઈક સ્વાર્થ કે અંગત કારણનો ભાર હતો જે એમની નજરને ઝૂકાવી રાખતો હતો. એવા અણીના સમયે ધૃતરાષ્ટ્રનો નાનો પુત્ર વિકર્ણ વિદ્રોહ કરવા ઊભો થયો. કુળવધુ દ્રોપદીની લાચાર અવસ્થા જોઈને એનું હૈયું વલોવાઈ ગયું. કોઈનીય શેહ-શરમ રાખ્યા વગર એણે ગર્જના કરી. હે ક્ષત્રિય વીરો ! એવું કયું કારણ છે કે તમારી નજર સામે આટલો મોટો અધર્મ થઈ રહ્યો છે છતાં તમે મૌન છો ? આપ સૌ વડીલ છો, અનુભવી છો, પ્રજાના રક્ષક છો, ધર્મના માર્ગે ચાલવાનું માર્ગદર્શન આપનાર ગુરૂના સ્થાને છો. તો પછી આવું અનૈતિક કેમ થવા દો છો ? આ ખોટું છે, શરમજનક છે, અન્યાય છે, અધર્મ છે, હું એનો વિરોધી છું. ''યત્ર ધર્મો હ્ય્ધર્મેણ સત્યં... (૫-૯૪-૪૯) જ્યાં હાજર રહેલાની નજર સામે અધર્મ વડે ધર્મનો, અસત્ય વડે સત્યનો નાશ થતો હોય એ સભામાં આપ સૌ હાજર ગણાતા હોવા છતાં મારી નજરે તમે સૌ મરી પરવારેલાં મડદાં સમાન છો.''

માણસની આંખ સામે ખોટું થતું હોય અને એનું રૂંવાડુંય ના ફરકતું હોય તો સમજવું કે એવું મનુષ્યત્વ ઠરી ગયું છે. ધર્મનો આદર કરવાનું કે એનો અર્થ સમજવાનું એ ચૂકી ગયો છે. ખરેખર, આપણે જ્યારે નરી આંખે અધર્મ થતો જોઈએ છીએ ત્યારે મન પીડાય છે, ખુન્નસ ચઢે છે, અધર્મીને એની જાત બતાવી દેવાની તાલાવેલી જાગે છે જાણ પછી... પછી આપણી જાત-બચાવની સ્વાર્થવૃતિ ભીતરની નૈતિકતાને વઢીને ચૂમ કરાવી દે છે. આપણી બુધ્ધિ ખૂબ જ ચાલાકીથી ધર્મનો આધાર લઈને જાતને છેતરવાનો ઢોંગ શરૂ કરે છે. જાતે જ સવાલો પૂછે છે અને જાતે જ બચાવના મતલબી જવાબો શોધીને મનમાં સમાધાન કરી લે છે. ''જે થાય તે થવા દે ! તેં તો અધર્મ નથી કર્યોને ! જે અન્યાય થઈ રહ્યો છે એમાં તારો કશો વાંક નથી. એ તો ભોગવનારનું નસીબ ! એણે કરેલા ખરાબ ખર્મોનું ફળ છે, ભોગવવા દે-તુ વચ્ચેના પડીશ.'' કેટલી સહેલાઈથી આપણે કર્મોના ગણિતનું અર્થઘટન કાઢીને મનને ખૂણામાં ધકેલી દઈએ છીએ. સાચો મર્મ જાણતા હોવા છતાં છટકી જવા દંભ કરીએ છીએ, પણ જેનું જીવન ધર્મમય છે એ નજર સામે થતા કોઈપણ અધર્મને સાંખી લેતા નથી. રામાયણમાં જટાયું એનું ઉદાહરણ છે.

રાવણ સીતાજીને રથમાં બેસાડી ઝડપથી લંકા તરફ લઈ જઈ રહ્યો હતો. સીતાજીનું દુ:ખદ રૂદન જટાયુના કાને પડયું. જટાયુ વૃધ્ધ હતા. તે જાણતા હતા કે રાવણ શક્તિશાળી છે, ક્રુર છે, બ્રહ્માજીના વરદાન પ્રભાવથી અજેય છે. તે એ પણ જાણતા હતા કે રાવણને મારવો એમના જેવા વૃધ્ધ માટે તદ્દન અશક્ય છે. છતાં એમણે સીતાજીને રાવણના પંજામાંથી છોડાવવા કમર કસી. બન્ને વચ્ચે યુધ્ધ થયું. જટાયુની બન્ને પાંખો કપાઈ ગઈ ત્યાં સુધીએ રાવણ સામે લડતા રહ્યા. મનમાં એક જ ભાવ હતો જે થવું હોય તે થાય મારી હાજરીમાં અધર્મ નહિ થવા દઉં ! જટાયુ મરતાં મરતાં પણ ભગવાન શ્રી રામ માટે ધર્મ-કાર્ય કરતા ગયા. અને રામની હાજરીમાં પરમધામને પામ્યા.

ઈશ્વરના ઘરેથી માણસ-જાતનું પ્રમાણપત્ર લઈને આવ્યા હોવા છતાં આપણે આપણી માનવ-તરીકેની ઓળખ ભૂલી ગયા છીએ ઘણીવાર આપણે જીવાતી જિંદગીની કેટલીક અસરકારક કારૂણિક ક્ષણોમાં 'માણસ' તરીકે ગેરહાજર હોઈએ છીએ. આંખમાંથી સંવેદના, હ્ય્દયમાંથી કરૂણા, મોંમાંથી શબ્દોની મિઠાસ કે ટેરવામાંથી સ્પર્શનું વ્હાલ ગાયબ થઈ ગયું છે, ધર્મને ધારણ કરવાની શક્તિ જેટલી આપણા વિચારોમાં હોય છે એટલી આપણા કાર્યમાં નથી હોતી. સ્વાર્થવૃત્તિને લીધે આપણે એટલા કાયર થઈ ગયા છીએ કે અધર્મ થતો જોઈને અંદર ભડકી ઊઠતી સંવેદનાને પણ ભયના માર્યા દબાવી દઈએ છીએ અને જાણે-અજાણ્યે અધર્મ થવા દઈએ છીએ.

અન્યાયને જોયા કરવો અને ચૂપચાપ બેસી રહેવું એ સહનશીલતા નથી. ઉલ્ટુ આપણે કેટલા સહનશીલ છીએ એવું જાતને સમજાવી જડ જેવા બની જઈએ છીએ. અધર્મના વિરોધમાં આંગળી ઊંચી કરી માનુષી ચેતના ટકાવી રાખવા જેટલી શક્તિ પણ બતાવતા નથી. આપણી કરૂણા પણ આંસુ વગરની કોરેકોરી થઈ ગઈ છે.

ગાંધીજી, આંબેડકર, રાજા રામમોહન રાય, મધર ટેરેસા કે અહલ્યાબાઈ જેવા ઉચ્ચ વ્યક્તિત્વો દેખાતા અધર્મ પ્રત્યે ખટકતી વાત ભૂલી ના જવાય એટલે મનના છેડે ગાંઠ વાળી રાખતા અને  સમયસર પરિસ્થિતિ બદલાય નહિ ત્યાં સુધી ઝપતા નહિ. અબ્રાહમ લિંકન વર્ષોથી ગુલામોના જીવનની ઉજ્જડ દશા જોઈને મનોમન પીડાતા રહ્યા. ગુલામોને કાયમ માટે મુક્ત કરવાની પ્રવૃત્તિ કરતા રહ્યા. છેવટે ૧-૧-૧૮૬૩ના દિવસે એક જાહેરનામાના દસ્તાવેજ પર સહી કરતાં એમની આંખો ભીની થઈ ગઈ. તેમણે કલમ ખડિયામાં બોળીને હવામાં ઊંચી કરી ગંભીર અવાજે કહ્યું. ''મને ખબર છે કે હું જે દસ્તાવેજ પર સહી કરી રહ્યો છું એ સાચું (ધર્મનું કામ) કરી રહ્યો છું. ગુલામો તરીકે રાખવામાં આવેલા અધર્મ સહન કરતા સઘળાં માણસો આજથી મુક્ત છે - આઝાદ છે હવે કોઈ કોઈનો ગુલામ નથી.''

જો અધર્મ ના હોત તો માંહ્યલામાં પ્રગટેલા દીપકનો પણ મહિમા ના હોત. જરૂર છે અન્યાય કે અધર્મને દૂર કરવાની. મનથી હિંમત કેળવવાની હિંમત રાખી બીજાને હિંમત આપવાની. એકલી આંગળી કદાચ કશું ના કરી શકે પણ જો અંગૂઠા સાથે ચાર આંગળીઓ ભેગી થઈ જાય તો એ મુઠ્ઠીમાં પોલાદી તાકાત આવી જાય છે. કોઈને અધર્મની યાતનામાંથી બચાવવાનું સુખ આંગળી મૂકી બતાવી શકાતું નથી. એ સુખ માણસની અનુકંપા સાથે જીવાયેલો સમય હોય છે - જિંદગીનો શ્રેષ્ઠ સમય.

- સુરેન્દ્ર શાહ

Dharmlok

Google NewsGoogle News