Get The App

પ્રાચિન ભજનોમાં શાસ્ત્રીય ગુઢાર્થ .

Updated: Mar 13th, 2024


Google News
Google News
પ્રાચિન ભજનોમાં શાસ્ત્રીય ગુઢાર્થ                                           . 1 - image


- 'ભજન કરવું એ જુદી વાત છે પણ ભજનને હૃદમાં ઉતારવું એ અલગ વસ્તુ છે.' આ સંતોની પ્રાચિન વાણી અત્યારે એટલે અમર છે કારણ કે એમણે ભજનને હૃદયમાં ઉતાર્યું છે 

આ પણે ત્યાં વૈદિક સંસ્કૃતિ એ પ્રાચિન સંસ્કૃતિ છે. વેદ એ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. વેદના સારરૂપ પુરાણો થયાં. પણ વેદો અને પુરાણોની ભાષા સર્વ સામાન્ય વ્ય ક્તઓ સમજી શકે એના માટે પ્રાચિન ભજનોની રચના થઈ. જેને આપણે ત્યાં સંત વાણી એવું પણ નામ બહુ આદરથી લેવાય છે. સંતોની વાણી એટલે સંત વાણી. એમાં પછી રવિ ભાણ સાહેબની પરંપરા હોય કે દાસી જીવણ હોય કે પછી મીરાંબાઈ હોય. દરેક સંતો-ભક્તોએ શાસ્ત્રીય ગુઢાર્થ ભજનોમાં વ્યક્ત કર્યાં છે. એના કેટલાંક શાસ્ત્રીય ઉદાહરણો પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું છું. 

શ્રીમદ્ ભાગવતજીના અગિયારમાં સ્કંધમાં બીજા અધ્યાયમાં પરમ ભાગવત પુરુષોના લક્ષણ કવિ અને હરિ નામના યોગેશ્વરે નિમિ રાજાને વર્ણવ્યાં છે. જેનો શ્લોક આ મુજબ છે - 'સર્વ ભુતેષુ યદ પશ્યેત ભગવત ભાવ આત્મનમ્, ભુતાનિ ભગવત આત્મનઃ એશ ભગવતોત્તમ.' આ શ્લોકનો ભાવાર્થ નરસિંહ મહેતાએ પોતાના પદમાં વર્ણવ્યો છે - 'સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે.' આ ભજન સીધુ જ ભાગવતજીના એકાદશ સ્કંધના બીજા અધ્યાયને સ્પર્શ કરે છે. બીજી પણ એક નરસિંહ મહેતાની રચના છે - 'અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુવે છે વિચારી; દેવા રે વાળો નથી દુબળો ભગવાન નથી રે ભિખારી.' ગીતાજીના નવમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, 'અનન્યાઉંશ ચિન્તયન્તુ મામ્ યે જના પરિઉપાસતે, તેષા નિત્યાભી યુક્તાનામ્ યોગક્ષેમ વહામ્યહમ્.' આ શ્લોકનો ભાવાર્થ આ ભજનમાં થાય છે. જેના શબ્દો પૂર્વે મેં વર્ણવ્યાં.

જીવ અનન્ય ભાવથી ભગવાનને શરણે આવે તો ભગવાન એના સંપૂર્ણ ભરણ-પોષણની જવાબદારી સંભાળે છે. એવી જ રીતે રવિભાણ સાહેબનું એક ભજન - 'મૂળ રે વિનાનું કાયા ઝાડવું એને પડતા ન લાગે વાર.' આ ભજન વેદ, ઉપનિષદ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાયને સીધુ સ્પર્શ કરે છે. જે આત્મ તત્ત્વનું વર્ણન ઉપનિષદમાં છે - 'ધ્વયા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષં પરિશશ્વ જાતે.' તો જે ભાવ મંડોક ઉપનિષદમાં છે એ જ ભાવ ભાણ સાહેબના પણ ભજનમાં છે.

આ શરીર એક વૃક્ષ છે. આ શરીર રૂપી વૃક્ષમાં બે પક્ષીઓ બેઠાં છે. એક જીવાત્મા અને એક પરમાત્મા. આવો ભાવ ઉપનિષદમાં છે અને એ જ ભાવ પ્રાચિન વાણીમાં છે. મૂળ રે વિનાનું કાયા ઝાડવું એને પડતા ન લાગે વાર. તો આ જે શરીરરૂપી વૃક્ષ છે એને ક્યું જળ સિંચવાની વાત કરી ? તો તેને 'સત્યરેરૂપી જળ સિંચજો.' જ્યારે જળ સિંચાય ત્યારે વૃક્ષને ફળ આવે અને માટે જ આ પ્રાચિન વાણીમાં લખ્યું કે, એને શીલ ને સંતોષ બે ફળ હોય છે.

રામચરિત માનસમાં ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે, 'બીનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનુ સુલભ ન સોઈ.' તો સત્સંગ કરવાથી જીવનમાં વિવેક આવે છે. જે ભાવ રામચરિત માનસમાં છે એ જ ભાવ ગંગા સતિની અમરવાણીમાં છે. 'વચન વિવેકી જે હોય નર ને નારી પાનબાઈ; બ્રહ્માદિક લાગે તેને પાય.'

આમ, આપણે ત્યાં શ્રીમદ્ ભાગવતજીની, દેવી ભાગવતજીની કથા થાય છે.  - આ બધા પુરાણો ઉપર તો સત્સંગ થાય જ છે અને સત્સંગ થવો જ જોઈએ. પણ, આપણાં પ્રાચિન ભજનોમાં એટલો બધો ગુઢાર્થ પડયો છે કે 'ભજન સપ્તાહ થઈ શકે.' અર્થાત 'ભજન ઉપર કથા થઈ શકે.' પ્રાચિનકાળમાં જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે આપણે ત્યાં માણ ભટ્ટીય પરંપરા હતી. માણ ભટ્ટ એ માણ લઈ જે પુરાણોના ગુઢાર્થો છે એ આખ્યાનના રૂપમાં પ્રસ્તુત કરતાં. જેમ કે, પ્રેમાનંદજીએ ઓખાહરણ લખ્યું છે, શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર ભક્ત કવિ વલ્લભે આનંદનો ગરબો લખ્યો છે. તો આ જે પ્રાચિન વાણી છે એ જ ખરા અર્થમાં અમરવાણી છે.

માટે, 'ભજન કરવું એ જુદી વાત છે પણ ભજનને હૃદમાં ઉતારવું એ અલગ વસ્તુ છે.' આ સંતોની પ્રાચિન વાણી અત્યારે એટલે અમર છે કારણ કે એમણે ભજનને હૃદયમાં ઉતાર્યું છે અને જે જે પદો રચાયાં એ નિરાભિમાનીતા અને નિરપેક્ષતાથી રચાયાં. એ આનંદની અનુભૂતિ આપણે પણ કરીએ એ જ અભ્યર્થના...                                                                             

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :