ક્રાઈસ્ટની ક્રિસમસ -નાતાલ નવલુ નામ
ઈશ્વર સ્વર્ગમાં રહે છે. ઈશ્વરે પોતે પોતાના માનવરૂપી બાળો કાજે રહેવા પૃથ્વી બનાવી છે. પરંતુ ઈશ્વરથી ઉપલગ થઈને વર્તમાન કાળનો કાળા માથાનો જે માનવી સફેદ સ્વચ્છ ચંદ્ર ઉપર વસવાટ કરવા ઈચ્છી રહ્યો છે, તે અજૂગતુ છે. એને બદલે બાઈબલ ખ્રિસ્તી ધર્મ પુસ્તકથી જાણવા મળે છે કે ત્રિએક ઈશ્વરમાંના ઈસુ ખ્રિસ્ત કે જે પ્રભુ, પૃથ્વી પર વસવાટ કરવા આવ્યા હતા. ઈસુ જે દિવસે જન્મ્યા હતા તેને નાતાલ કહે છે. ઈસુનો ખિતાબ ખ્રિસ્ત કે જે અંગ્રેજીમાં ક્રાઈસ્ટ ઉપરથી ક્રિસમસ. ભૂતકાળમાં ભક્તિશીલ વ્યક્તિઓ થકી પૃથ્વી પાવન થયેલી. એમ ઈસુ થકી પણ પૃથ્વી પાવન થએલી. પરંતુ આજની માનવ જાતિએ પૃથ્વીને તો પ્રદુષિત કરી જ છે. પરંતુ જો કાળા માથાનો માનવી ઓછા ડાઘવાળા ચંદ્ર ઉપર વસવાટ કરશે તો ચંદ્રને વધારે ડાઘવાળો કરશે કે જે ચંદ્ર ગરમ પારકો પ્રકાશ પોતા પર પડવા દઈને મનુષ્યને રાત્રીએ પ્રકાશ પૂરો પાડે છે.
ઈસુ જન્મ્યા ત્યારે માગીઓ પૂર્વના દેશોમાંથી બહુ લાંબી મુસાફરી દિવસ રાત કરીને યરૂશાલેમ પહોંચ્યા હતા, ત્યારે રાત્રે તેમને ચંદ્રનો પ્રકાશ મદદરૂપ થઈ પડયો હતો. પરંતુ અંધારીયાના પખવાડિયા દરમ્યાન માગીઓને એક અલૌકિક ઉગેલો તારો પણ બહુ મદદરૂપ થઈ પડયો હતો. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદીયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછયું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે, તે ક્યાં છે ? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે રાજાનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને રાજાની સાથે યરૂશાલેમ શહેર પણ ગભરાયું. પછી રાજાએ સર્વ મુખ્ય યાજકો એટલે યહૂદી ધર્મગુરૂઓને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પુછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ ? તેઓએ રાજાને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં કેમકે પ્રબોધકે એટલે આપણાં બાઈબલના પહેલા ભાગવાળો જૂનો કરાર તેમાંના ૩૩માં પુસ્કતના લેખક મીખાહ પ્રબોધકે અધ્યાય પાંચની બીજી કલમમાં ભવિષ્યરૂપ લખ્યું છે કે ''પણ હે બેથલેહેમ એફ્રાથાહ, જો કે તું એટલું નાનંઓ છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણત્રી નથી તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઈસ્રાએલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી હા, અનાદિકાળથી છે.'' ત્યારે હેરોદ રાજાએ તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિષે તેઓ પાસેથી ચોક્સાઈથી ખબર મેળવી અને રાજાએ તેઓને બેથલેહેમ મોકલતા કહ્યું કે તમે જઈને બાળક સંબંધી સારી પેઠે શોધ કરી અને જડયા પછી મને ખબર આપો એ માટે હું પણ આવીને તેનું ભજન કરૂ. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, અને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે દીઠો અને પગે પડીને બાળ ઈસુનુ ભજન કર્યું, પછી તેઓએ પોતાની જોણ્ણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું ઈસુને નજરાણું કર્યું. અને હેરોદ રાજા પાસે પાછા જવું નહિ એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી માગીઓ બીજા માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. અને માગીઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન દઈને કહ્યું કે ઊઠ, અને બાળ ઈસુને તથા તેની માને લઈને મિસર (હાલન ઈજિપ્ત) દેશમાં નાસી જા અને હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહે કેમકે બાળ ઈસુને મારી નાખવા માટે હેરોદ રાજા બાળઈસુની શોધ કરવાનો છે, ત્યારે યૂસફ ઊઠીને ઈસુ તથા તેની માને લઈને મિસરમાં ગયો અને હેરોદ રાજાના મરણ સુધી યૂસફ ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પુરૂ થાય કે મિસરમાંથી મેં મારા દિકરાને બોલાવ્યો! જ્યારે હેરોદને માલૂમ પડયું માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો.... અને હેરોદ રાજાના મરણ પછી જુઓ, પ્રભુના દૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઊઠ અને ઈસુ તથા તેની માને લઈને ઈસ્રાએલ દેશમાં જા કેમકે ઈસુનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા તેઓ મરી ગયા છે. ત્યારે તે ઊઠીને ઈસુ તથા તેની માને લઈને ઈસ્રાએલ દેશમાં આવ્યો. પણ આર્ખિલાઉસ તેના બાપ હેરોદને ઠેકાણે યહૂદીયામાં રાજ કરે છે, એ સાંભળીને યૂસફ ત્યાં જતા બીધો, તો પણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત ભણી વળ્યો અને ''ઈસુ નાઝારી કહેવાશે એવું પ્રબોધકોનું કહેલું પુરૂ થાય તે માટે યૂસફ નાસરેથ નામના નગરમાં જઈ રહ્યો.'' બાઈબલમાં માથ્થીની લખેલી સુવાર્તાના બીજા અધ્યાયમાં ઉપરની આધારભૂત નોંધ નોંધાએલી છે.
ઉપરોક્ત છે ઈસુ પ્રભુ ખ્રિસ્તનો પ્રભુમાંથી બનેલ માનવના જન્મનો દાખલો. આવી છે, ક્રાઈસ્ટની ક્રિસમસ-નાતાલની નવલી નોંધ. અંતમા એમ કે ''આપણાં સારુ છોકરો અવતર્યો છે. આપણને પુત્ર (પ્રભુ ઈસુ ખ્રિસ્ત) આપવામાં આવ્યા છે.'' યશાયા ૯:૬. ''કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો એ સારુ કે જે તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.'' યોહાનની સુવાર્તા ૩:૧૬. આફ્રિકા ખંડના નાતાલ નામના દેશ ઉપરથી ઈસુ ખ્રિસ્તના જન્મદિનનું નામ નાતાલ છે.
- મેજર લુકિયસ એમ. ક્રિશ્ચિયન