ચાતુર્માસ : સંતવાણીમાં તરબોળ થવાની મોસમ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
ચાતુર્માસ : સંતવાણીમાં તરબોળ થવાની મોસમ 1 - image


- પ્રભાતના પુષ્પો - ગુણવંત બરવાળિયા

સિકંદર ભારતવર્ષમાં લડાઈ-યુદ્ધ કરી તેના પ્રદેશો જીતવા માટે 

સજ્જ થઈ રહ્યો હતો અને કૂચ માટેની અંતિમ તૈયારી કરી અને તેનાં ગુરુનાં દર્શન કરવા ગયો. ગુરુને કહ્યું 'હું ભારતવર્ષ જીતવા જઈ રહ્યો છું. ત્યાંથી જ્યારે હું પાછો આવું ત્યારે આપના માટે કઈ કઈ પ્રસિદ્ધ ચીજો લઈ આવું ?' ગુરુજીએ કહ્યું કે, 'ભારતમાં સંતો કાંઈક વિશિષ્ટ હોય છે. તેઓ કંઈક અલગ પ્રકારની સાધના કરતા હોય છે. જો તું લાવી શકે તો મારા માટે ભારતમાંથી એક સંતને લેતો આવજે.' સિકંદરે ગુરુજીને પ્રણામ કરીને કહ્યું કે, 'આપની ઈચ્છા પ્રમાણે હું ભારતમાંથી આપના માટે જરૂર એક સંત લઈ આવીશ.' સિકંદરે ભારત તરફ સેના સાથે કૂચ કરી અને ભારતના કેટલાક પ્રદેશોમાં યુદ્ધ કરીને વિજય મેળવ્યો. કેટલાક સમય પછી તે એક પ્રદેશની છાવણીમાં આરામ કરી રહ્યો હતો ત્યારે તેને પોતાનું વતન સાંભર્યું. તેને યાદ આવ્યું કે, ગુરુજીએ ભારતમાંથી એક સંતપુરુષ લાવવાની વાત કરી હતી. એણે પોતાના વિશ્વાસુ સૈનિકોને કહ્યું, 'જુઓ આસપાસના વિસ્તારમાં કોઈ સંતપુરુષ છે ? તપાસ કરીને મને જણાવો.'

અહીંથી નજીકમાં જ એક ધર્મસ્થળમાં એક સંત બિરાજમાન છે. તેને જોતાં જ એવું લાગે છે કે કોઈ દિવ્યપુરુષ છે. સિકંદરના સૈનિકે સિકંદરને જાણ કરી. સિકંદરે કહ્યું કે, 'જાવ, એ સંતને મારી પાસે લઈ આવો.' કેટલાક સૈનિકો સાથે વિશ્વસનીય માણસો ધર્મસ્થાનમાં ગયા અને સંતપુરુષને કહે છે કે, 'અમારા રાજા તમને બોલાવે છે, તો તમે અમારી સાથે ચાલો.' સંતે કહ્યું કે, 'સંતના કોઈ રાજા હોઈ શકે નહીં. આ ધર્મસ્થાનક બધા માટે ખુલ્લું છું. તમારા રાજાને અહીં આવવું હોય તો આવી શકે છે.' સૈનિકોએ કહ્યું,'આ તો અમારા રાજાનો હુકમ છે.' સંત કહે, 'અમારા પર કોઈ રાજા-મહારાજા કે સમ્રાટોના હુકમ ચાલતા નથી.' સૈનિકોએ કહ્યું કે, 'જો તમે હુકમનો અનાદર કરશો તો રાજા તમને અવશ્ય સજા કરશે.' સૈનિકોએ જતાં જતાં કહ્યું કે, 'ભલે. સજા ભોગવવા તૈયાર રહેજો.'

સૈનિકોએ જઈને સમસ્ત વૃત્તાંત સિકંદરને કહ્યા. સિકંદરે કહ્યું કે, 'સુવર્ણમઢી પાલખી લઈ અને તમે જઈને એમ કહો કે, તમે આમાં બેસીને પધારો.' સંતે કહ્યું કે, 'મને રાજાનું કશું કામ નથી. જો રાજાને મારું કામ હોય તો એ અહીંયા આવે.' સૈનિકોએ પાછા જઈને રાજાને વાત કરી. સિકંદર બોલ્યો કે, આ સંત ખરેખર જિદ્દી લાગે છે, 'એમને અહીં લાવવા શું ઉપાય કરું ?'

વિશ્વાસુ માણસો ગામના ત્રણ-ચાર ધાર્મિક અને શ્રેષ્ઠીવર્ય માણસોને લઈ આવ્યા. તેમને ઉપાય પૂછયો. તેમણે કહ્યું કે, 'આપ ખુદ જઈને તેમને નમ્રતાથી અહીં પધારવા માટે આમંત્રણ  આપો તો સંત જરૂર પધારશે.' સિકંદર તો હીરા, ચાંદી, સોનાથી મઢેલ ચાર ઘોડાવળી બગી લઈ અને સંત પાસે પહોંચ્યા અને વિનંતી કરી કે, 'આપ અમારે આંગણે પધારો.' સંત કહે, 'અમે કોઈ વાહનમાં બેસતા નથી. આપ મારી સાથે પગપાળા વિહાર કરી અને ચાલો તો હું આવું.' રાજા એ પ્રણામ કરીને કહ્યું કે, 'હું સાથે ચાલીશ,' સિકંદરે પોતાની છાવણીના દેદીપ્યમાન આવાસમાં સંતનું સ્વાગત કરીને કહ્યું કે, 'હું મારા વતને જઈ રહ્યો છું. મારા ગુરુએ ભારતમાંથી એક સંત સાથે લાવવાનું કહેલું, તો આપ મારી સાથે ચાલો.' સંત કહે, 'અમે આ દેશ છોડીને જઈ શકીએ નહીં. આપ આપના ગુરુજીને અહીં તેડાવો. અમારા ધર્મસ્થાનકમાં અમે સાથે સત્સંગ કરીશું.' સિકંદર કહે, 'જો આપ થોડા દિવસ માટે પણ આવો તો હું આપને અમૂલ્ય ભેટ આપીશ' અને તે ભેટમાં આપવા માટેનું પોતાનું ઐશ્વર્ય દર્શાવે છે. પ્રથમ તે પોતાના ધનકોષમાં લઈ જઈ અને કહે છે કે, 'આ તમામ રત્નો-હીરા-માણેક, સુવર્ણ અને રૂપિયા, હું આપન ચરણે ધરીશ.' સંતે કહે, 'આમાનું મારે કશું કામનું નથી. આતો તારી પરીગ્રહવૃત્તિનું પ્રતિનિધિત્વ કરે છે.' પછી પોતાનું શસ્ત્રગૃહ બતાવતાં કહે છે કે, 'આ વિશાળ શસ્ત્રભંડાર હું આપને અર્પણ કરીશ.' સંત કહે, 'મારે આ કશા ખપનું નથી. આતો તારી હિંસકવૃત્તિ અને ભયનું પ્રતિનિધિત્વ કરે છે. આગળ જતાં સિકંદર પોતાનું અંતઃપુર બતાવતાં કહે છે કે, 'આમાંની સેંકડો સુંદરીઓ હું આપને અર્પણ કરીશ.' સંત કહે, 'મારે આ ખપનું નથી. આ તો તારી વરવી વાસનાનું પ્રદર્શન કરે છે. સિકંદર કહે, 'હવે મને ભારતના નિસ્પૃહી સંતના સાચાં દર્શન થયાં. હવે હું મારા ગુરુજીને અહીંયા મોકલીશ.'

ચાતુર્માસમાં આવા સંતો આશ્રમો, સાધનાસ્થળો, મઠો, ધર્મસ્થાનકો અને મંદિરોમાં નિવાસ કરતા હોય છે. પોતાની દિવ્યવાણી પ્રવાહીત કરી અને લોકોને ધર્મ પમાડતા હોય છે. ચાતુર્માસમાં કોઈને કોઈ વ્રતો કરવાનાં હોય છે. તેથી ચાતુર્માસમાં વિરતીના નંદનવનમાં વિહાર કરવાનું હોય છે. જ્ઞાાનીઓએ કહ્યું છે કે, ''ચાતુર્માસ એ સંતવાણીમાં તરબોળ થવાની મોસમ છે.''



Google NewsGoogle News