Get The App

ભગવાન ઋષભદેવજીનું ચરિત્ર .

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ભગવાન ઋષભદેવજીનું ચરિત્ર                         . 1 - image


- ઋષભદેવજીને આઠમો અવતાર માનીએ છીએ અને જૈન સંપ્રદાયમાં ચોવીસ તિર્થંકરોમાં એ પ્રથમ તિર્થંકર આદિનાથ છે. દેવરાજ ઈન્દ્રએ પોતાની દિકરી જ્યંતિના વિવાહ ઋષભદેવજી સાથે કર્યાં.

શ્રીમદ્ ભાગવત એ ભગવાનનું વાંગ્મયી સ્વરૂપ છે. શ્રીમદ્ ભાગવતજીના બાર સ્કંધ છ. જેમાં શ્રીમદ્ ભાગવતજીના પંચમ સ્કંધમાં જ્ઞાાની પરમહંસ અને ભક્ત પરમહંસના ચરિત્રો આવેલાં છે. પંચમ સ્કંધના છવ્વીસ અધ્યાય છે. જેમાં ઋષભદેવજીનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. 

મનુ મહારાજના બે પુત્રો હતાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. જેમાં પ્રિયવ્રત રાજાના સૌથી મોટા પુત્ર આગ્નેદ્ર થયાં. આગ્નેદ્રના વંશમાં નાભિ રાજા થયાં. નાભિ રાજાએ પુત્રની ઈચ્છાથી યજ્ઞા કર્યો. તો નાભિ રાજાને ત્યાં મેરૂદેવી થી ભગવાન ઋષભદેવજી પ્રગટયાં. 

ચોવીસ અવતારોમાં આપણે ઋષભદેવજીને આઠમો અવતાર માનીએ છીએ અને જૈન સંપ્રદાયમાં ચોવીસ તિર્થંકરોમાં એ પ્રથમ તિર્થંકર આદિનાથ છે. દેવરાજ ઈન્દ્રએ પોતાની દિકરી જ્યંતિના વિવાહ ઋષભદેવજી સાથે કર્યાં. ઋષભદેવજીને ૧૦૦ પુત્રો થયાં. જેમાં ૯ યોગેશ્વરો થયાં. ૮૧ પરમહંસો થયાં. ઋષભદેવજી મહારાજે પોતાના પુત્રોને જ્ઞાાનોપદેશ કર્યો. અહીં એક વાત એ પણ સમજવા મળે છે કે, ધૃતરાષ્ટ્રને પણ ૧૦૦ પુત્રો હતાં અને ઋષભદેવજીને પણ ૧૦૦ પુત્રો હતાં. પણ ધૃતરાષ્ટ્રે ક્યારેય પોતાના પુત્રોને સાચું શિક્ષણ આપ્યું નહિં જ્યારે ઋષભદેવજી મહારાજે પોતાના પુત્રોને જ્ઞાાનોપદેશ કરતાં હંમેશાં કહ્યું કે, 'આ શરીર વિષયભોગ ભોગવવા માટે નથી મળ્યું. તપ માટે મળ્યું છે. ખાવું, પીવું, સુઈ જવું એ તો પશુઓ અને પક્ષીઓ પણ કરે છે. પરંતુ, મનુષ્ય જીવનની સાર્થકતા તપમાં છે.' 

ઋષભદેવજી મહારાજ પોતાના પુત્રોને કહે છે કે, 'મહાન પુરુષોની સેવા એ મુક્તિનો દરવાજો છે. કામ, ક્રોધ અને લોભ એ નર્કના દરવાજા છે. 

સંતોના લક્ષણોનું વર્ણન કરતાં ઋષભદેવજી મહારાજ પોતાના પુત્રોને કહે છે કે, સંતનું ચિત્ત સમાન છે. જેવી રીતે ગુલાબનું પુષ્પ એક હાથમાં પકડીએ એ પછી આપણે તેને તરત બીજા હાથમાં પકડીએ પણ ગુલાબનું પુષ્પ એવું ભેદભાવ નથી રાખતું કે આ હાથમાં સુગંધ આપવી કે આ બીજા હાથમાં સુગંધ ન આપવી. એનું કામ જ સુગંધ આપવાનું છે. એવી રીતે સંતો પણ ભક્તિની સુવાસ ફેલાવી જીવોને ભગવાન સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ભગવાન શાંત છે પણ ભગવાનના સંતો અને ભગવાનના ભક્તો પ્રશાંત છે.'

ઋષભદેવજી જ્ઞાાન આપતાં પોતાના પુત્રોને કહે છે કે, 'એ જ ગુરુ છે કે જે પોતાના શિષ્યોને જ્ઞાાન આપે છે. 

ઋષભદેવજી મહારાજ કહેવા માંગે છે કે ગુરુએ ક્યારેય શિષ્યના વખાણ કરવા નહિં, માતા-પિતાએ ક્યારેય પુત્રની પ્રશંસા કરવી નહિં. એ જ માતા-પિતા છે કે જે પુત્રની નબળાઈઓને બતાવી એને સંસ્કાર આપી સારા માર્ગે વાળે છે.' આવું જ્ઞાાન આપી ઋષભદેવજી મહારાજ પોતે વનમાં પધાર્યાં. અષ્ટ સિદ્ધિઓ ઋષભદેવજી મહારાજની સેવામાં આવી પણ ઋષભદેવજી મહારાજે સિદ્ધિઓનો પણ અસ્વિકાર કર્યો. ઋષભદેવજી મહારાજે એવું વિચાર્યું કે મારે લોક સંપર્કથી દૂર રહેવું છે. લોક સંપર્કથી દૂર રહેવા માટે ઋષભદેવજી મહારાજે એક લીલા કરી. કે જે જગ્યા ઉપર તેઓ બેસે ત્યાં જ મળ-મૂત્રનો ત્યાગ કરે. ઋષભદેવજી મહારાજની આવી ચેષ્ટાના કારણે લોક સંપર્ક દૂર થયો.

આજ સાચા પરમહંસ સંતોનું લક્ષણ છે. જે ઋષભદેવજી મહારાજના ચરિત્રમાંથી સમજવા મળે છે. સાચા સંતો એ બ્રહ્મ પ્રાપ્તિ માટે જ સાધના-ઉપાસના કરે છે. એમના માટે વિશ્વ એમનો પરિવાર છે પણ પરિવાર હોવા છતાં પણ એ લોક સંપર્કથી દૂર છે.

આજે મને મારા ગુરુ મહારાજનું સ્મરણ થાય  છે. બાલ્ય અવસ્થામાં મને શિવગિરિ ગુરુ મહારાજના દર્શન થયેલાં. જે પાલનપુરથી નજીક ઈકબાલ ગઢ અને એમાં કપાસિયા ગામમાં શિવગિરિ બાપુ બિરાજતાં હતાં. એમના દર્શન કરીએ એટલે આપણને ઋષભદેવજી મહારાજ યાદ આવે. ઋષભદેવજી મહારાજ એ લોક સંપર્કથી દૂર રહ્યાં અને શિવગિરિ બાપુ પણ લોક સંપર્કથી દૂર રહેતાં અને માટે જ સંત પુનિત મહારાજ એવું લખે છે કે, 'સંતોના શરણા અમીના ઝરણાં મડદાં બેઠાં કરશે.' આવું ચરિત્ર ઋષભદેવજી મહારાજનું હતું. એ ભગવાન ઋષભદેવજીને શત શત વંદન..!

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


Google NewsGoogle News