Get The App

સત્સંકલ્પ દ્વારા ''સમર્થ વ્યક્તિત્વ''નું ઘડતર .

Updated: Feb 5th, 2025


Google News
Google News
સત્સંકલ્પ દ્વારા ''સમર્થ વ્યક્તિત્વ''નું ઘડતર                                  . 1 - image


સમસ્ત સૃષ્ટિનું સર્જન, પરમાકૃપાળુ પરમાત્માના સંકલ્પથી થયેલું છે. પરમાત્માએ, શ્રેષ્ઠ ચિંતન અને શ્રેષ્ઠ ભાવોના પ્રભાવથી, શ્રેષ્ઠતમ કાર્યો પ્રગટ કરવાની શક્તિ માનવમાં મૂકી છે.

આપણે વિચાર, ચિંતન, મનન, વિવેક દ્વારા સત્સંકલ્પ કરી આપણું સમર્થ વ્યક્તિત્વ ઘડવાનું છે. સમર્થ વ્યક્તિત્વ ધરાવનાર માણસો જ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને ''ગરિમામય દિશા'' આપી શકે છે. સંકલ્પોને નિત્ય દૃઢ કરી, તે પ્રકારે દૃઢતાથી આચરણ કરવાનું છે જે જાગૃતપણે આવો પુરુષાર્થ આદરે છે, તે 'ધન્ય' બને છે અને વિશ્વને પણ ધન્ય બનાવે છે.

ઘેટાંની માફક બેં બેં કરી, બિચારાં...બાપડાં થઇ, મુડદાલ બની...જીવનજીવનારાં, આ જગતમાં ઓછાં નથી. પશુવત્ જીવન જીવી, વરદાનરૂપ 'માનવજીવનને' બરબાદ કરે છે. ચાલો, જવાદો એ વાત.

જાગૃત..બાહોશ...વિચારશીલ જનશક્તિએ તો, સત્સંકલ્પોથી તે પ્રમાણે ''આચરણનો'' આરંભ કરી, ''સુદૃઢ વ્યક્તિત્વ'' પ્રાપ્ત કરી, સમાજ, રાષ્ટ્ર, વિશ્વને ઉપયોગી થવાનું છે. સદ્ અર્થે ''સ્વનિયંત્રણ'' કરવાનું છે. અડગ નિશ્ચય અને સત્યમાર્ગનું ''અવલંબન'' એ, જગતને હચમચાવી નાખનાર શક્તિઓ છે. સુંદર ચારિત્ર્ય, સુંદર 'દેહ' કરતાં વધુ સારું છે. એ, ઉચ્ચત્તર આનંદ આપે છે. સમર્થ ચારિત્ર્યવાન વ્યક્તિત્વ, મનુષ્યની સર્વશ્રેષ્ઠ ''સંપત્તિ'' છે.

- સમર્થ વ્યક્તિત્વ ઘડતર કરનાર ''સત્સંકલ્પો'':-

- સર્વ વ્યાપી, સર્વશક્તિમાન, ઇશ્વર ઉપર, દ્રઢ શ્રદ્ધા રાખી...સમર્પિત થઇ, નીતિનિયમોને-આજ્ઞાઓને હું દ્રઢતાથી મારા જીવનમાં ઊતારીશ...ને જીવીશ. 

- શરીરને હું ભગવાનનું મંદિર માનીશ. નિયમિતતા, સુટેવોને ''સંયમ'' જાળવી, શરીરનું આરોગ્ય ન બગડે તે માટે સર્વપ્રકારે કાળજી રાખીશ. શરીર સર્વધર્મ સાધવાનું સાધન છે. એમ સમજી મારા શરીરનું રક્ષણ કરીશ.

- મારું માનસિક આરોગ્ય જાળવીશ. કુવિચારો, હતાશા, નિરાશા, દુર્ભાવો હટાવવા નિયમિત સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન, મનનનો નિયમિત લાભ લઇશ.

- હું મારી જાતને સમાજનું અભિન્ન અંગ ગણીશ. તે માટે નિષ્ઠાથી ફરજો બજાવીશ.

- બધાંનાં હિતમાં હું મારું હિત સમજીશ. એવી મારી પ્રત્યેક પ્રવૃત્તિ રહેશે.

- ઇંદ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ, વિચાર સંયમને સતત ''અગ્રતા'' આપીશ.

- રાષ્ટ્રનચા એક અદના નાગરિક તરીકે ''કર્તવ્યોનું'' નિષ્ઠાથી...દ્રઢતાથી પાલન કરીશ. હું સાચા અર્થમાં સમાજનિષ્ઠ, રાષ્ટ્રનિષ્ઠ, ધર્મનિષ્ઠ બનીશ.

- મારી ઉપસ્થિતિથી ચોમેર, મધુરતા, સજ્જનતા, નિર્મળતા, સદ્ભાવનિષ્ઠ, ઐક્ય, ને સંપ-ઐક્યનું વાતાવરણ બનાવીશ.

- નીતિમાન બનીશ. નિષ્ફળતાથી હું ડરીશ નહિ. સત્સંકલ્પને દ્રઢ કરીશ.

- મને મારી જાત માટે, જેવા સારાં વ્યવહાર વર્તન પસંદ હોય છે એ મને શાંતિસુખ આપનારાં હોય છે એવાં જ વાણી, વર્તન, વ્યવહાર અન્ય સાથે રાખીશ.

- પુરુષ કે સ્ત્રી પ્રત્યે પવિત્રભાવ અને પવિત્રદૃષ્ટિવાળો હું બનીશ.

- મારી શારીરિક શક્તિ, ધનશક્તિ અને અન્ય સદ્શક્તિઓ, કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે વાપરીશ.

- જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સાંપ્રદાયિકતા કે અન્ય કારણે, પરસ્પર કોઇ ભેદભાવ રાખીશ નહિ.

- મારો ભાગ્યવિધાતા હું પોતે જ બનીશ.

- અનિષ્ટોનો, અનીતિઓનો સામનો કરવા, સજ્જનોને સંગઠિત કરી સમાજ..રાષ્ટ્ર-વિશ્વની ''નવસર્જનની ગતિવિધિઓને'' હું સફળ બનાવીશ.

- લાભુભાઈ ર. પંડયા

Tags :
Dharmlok-magazine

Google News
Google News