જન્મ ઉત્સવ છે, મૃત્યુ મહોત્સવ છે : શ્રીમદ્ ભગવદગીતા

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
જન્મ ઉત્સવ છે, મૃત્યુ મહોત્સવ છે : શ્રીમદ્ ભગવદગીતા 1 - image


ભા રતીય વૈદિક આર્ય સંસ્કૃતિ આપણી જીવન શૈલી છે. ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, અર્થર્વવેદ અને શામવેદ તેની સાથે અનેક ઉપવેદો પુરાણો અને સંહિતાઓની રચના આપણા ઋષિ મુનિઓએ કરી છે. હિમાલયની હિમાદ્રિ પર્વત શૃંખલાઓ, પવિત્ર નદીઓ અને ગુફાઓમાં બેસીને સાધના કરતાં જે જ્ઞાન લાધ્યું તે આપણી સમક્ષ મૂકીને માનવજાતની બહુ જ મોટી સેવા કરી છે.

મહાન તપસ્વી વેદ વ્યાસે તેમાંથી પ્રેરણા લઈને મહાભારત ગ્રંથની રચના કરી છે. તેમાં એક લાખ શ્લોકો છે અનેક સંહિતાઓ છે. જે આપણા જીવનમાં ઘટતી ઘટનાઓ અને તે સમયે આપણે શું કરવું ? શું ન કરવું ? ની સમજ આપી છે.હજારો પાત્રો અને હજારો ઘટનાઓ આપણા આંતરમનની વૃત્તિઓનું દર્શન કરાવે છે. તેથી જ કહેવાય છે. જે મહાભારતમાં છે તે આપણા મનના ભાવ તરંગોમાં છે અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી.

આવા નીતિ અને ધર્મને ઉજાગર કરતા ગ્રંથની મધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતના યુધ્ધનું વર્ણન કર્યું છે. તે વખતે યુધ્ધ કરવા કમર કસી રહેલો અર્જુન, સૈન્યમાં ઉપસ્થિત સગાં, વ્હાલાં, સ્નેહીઓ અને દ્રોણ જેવા ગુરુ અને દાદા ભિષ્મ જેવા મહાપુરુષો સામે લડવાનું તેમને મારીને રાજ્ય પ્રાપ્ત કરવાનું અધમ કૃત્ય કરવાની ના પાડે છે.

ભગવાન શ્રીકૃષ્ણ તે વખતે અર્જુનના મનનું સમાધાન કરવા ૭૦૦ શ્લોકો -૧૮ અધ્યાયમાં વિભાજીત કરીને જે જ્ઞાન આપે છે. તે આપણને પણ જીવન જીવવાની કલા શીખવે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમાં 'અધ્યાય (પુરૂષોત્તમ યોગ)માં ભગવાન કહે છે:

નિર્માન મોહા જિત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. દ્વંન્દ્વૈ વિમુક્તા સુખ દુઃખ સજ્ઞૌ: ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ તત.

જેમના મનમાંથી માન, મોહ નષ્ટ પામ્યાં છે. જેમણે કામ, ક્રોધ, લોભ, મોહરૂપી આસક્તિ દોષોને જીત્યા છે. જે પરમપિતા પરમાત્માના ચિંતનમાં લીન રહે છે. જેમની સર્વે કામનાઓ. ઇચ્છાઓ નાશપામી છે. જેઓ રાગ દ્વેષ, સુખ-દુઃખ અને જન્મ-મરણ જેવા દ્વન્દ્વોથી મુક્ત છે. એવા જ્ઞાનીજનો મારા અવિનાશી પદને પામે છે.

આ દેહમાં રહેલો જીવાત્મા મારો જ અંશ છે તે મારી જેમ જ અવિનાશી અને અજન્મા છે. જેમ જૂનાં-જીર્ણ થઈ ગયેલાં વસ્ત્રોને ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરીએ છીએ તેમ એ જીવાત્મા પોતાના આ જીર્ણ થઈ જતા દેહને છોડીને નવું કલેવર ધારણ કરવા અનંતની યાત્રાએ નિકળી પડે છે. તેને જ આપણે મૃત્યુ કહીએ છીએ. તેથી મૃત્યુ વખતે શોક કરવાની જરૂર નથી કે જન્મ વખતે હરખી જવાની જરૂર નથી.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


Google NewsGoogle News