સિદ્ધપુરનું બિન્દુસરોવર પૌરાણિક માતૃગયા તીર્થધામ
સિ દ્ધપુરમાં આવેલું પૌરાણિક બિંન્દુસરોવર સમગ્ર ભારતભરમાંથી લોકો અહીં માતૃશ્રાદ્ધ માટે આવે છે. તેમાંય કાર્તિક, ચૈત્ર અને ભાદ્રમાસમાં બિંન્દુસરોવરમાં માતૃશ્રાદ્ધ કરવાથી પિતૃના આત્માને મોક્ષ મળે છે. જેનો મહિમા પુરાણોમાં વર્ણવેલો છે. તે મુજબ માતૃગયા તીર્થમાં શ્રાદ્ધ કરવાથી વંશવૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સિદ્ધપુર પ્રાચીન માતૃગયા તીર્થધામ બિંન્દુસરોવરનો જીણોદ્ધાર પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસના પ્રયત્ન થકી કરોડો રૂપિયાના ખર્ચે યાત્રાધામ પ્રવાસની એક નવી ઓળખ ઊભી કરી છે. આજે સરસ મજાનો બગીચો અને ઈતિહાસની ઝાંખી કરાવતા મ્યુઝીયમ થકી નવું રૂપ અપાયું છે જેથી યાત્રીઓનો પ્રવાહ વધ્યો છે. કાંત્યાયન મુનિએ લખ્યું છે કે માતૃગયા તીર્થ બિંન્દુસરોવરમાં માતાનું શ્રાદ્ધ કરવાથી માતાનો મોક્ષ થાય છે.
એક માન્યતા મુજબ હજારો વર્ષ પહેલાં જગતોત્પતિ કરનાર મહર્ષિકર્દમ અને માતા દેવદુતિએ નવ-નવ પુત્રીઓ બાદ પુત્રની ઝંખના માટે સરસ્વતી નદી તટે કઠોર તપશ્ચર્યા કરી હતી જેને લીધે આ ક્ષેત્રનો "સિદ્ધક્ષેત્ર" તરીકે પણ પુરાણોમાં ઉલ્લેખ છે. કર્દમઋષિ અને દેવદુતિની કઠોર તપશ્ચર્યા જોઈને ભગવાન નારાયણે પ્રસન્ન થઈ વરદાનમાં માતા દેવદુતિના કુખે જન્મ લીધો જે ભગવાન નારાયણનો પાંચમો અવતાર "કપિલાવતાર" કહેવાયો. કપિલ ભગવાને નાની ઉંમરમાં માતા દેવદુતિને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપી માતાનો ઉદ્ધાર કર્યો. ભગવાન કપિલના ઉપદેશથી કૃતાર્થ થયેલી માતા દેવદુતિની આંખોમાં હર્ષના અશ્રું ઊભરાયાં. જે નીચે ટપકતાં ત્યાં સરોવર બન્યું. જે હર્ષબિંન્દુસરોવર કહેવાયું. જેને હાલમાં બિંન્દુસરોવર તરીકે ઓળખાય છે.
માતા દેવદુતિની સાથે ભગવાન કપિલે "અલ્પા" નામની દાસીનો પણ ઉદ્ધાર કર્યો. જેથી બિંન્દુસરોવરની બાજુમાં અલ્પાસરોવર બન્યું. જે જગ્યાએ ભગવાન કપિલે માતાને સાંખ્યમાત્રનો ઉપદેશ આપેલો તે સ્થળ "જ્ઞાાન વાટિકા" તરીકે પ્રસિદ્ધ થયું ત્યારબાદ આ સ્થળે ભગવાન પરશુરામે માતૃહત્યાના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન કરેલું ત્યારથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે જગતભરમાં પ્રખ્યાત થયું. ભારતવર્ષના ચાર મુખ્ય સરોવરો પૈકીના બિંન્દુસરોવર (સિદ્ધપુર) એ હિન્દુ ધર્મના પવિત્ર તીર્થોમાંનું એક છે. શ્રાદ્ધ એ વૈદોક્ત વિધિ છે. સામાન્ય રીતે પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થાય છે અને મોક્ષ પામે છે. શ્રાદ્ધની વિધિ અને પિતૃ તેના સ્વજનોના શરીરમાં ઉપસ્થિત થઈ સ્વજનોને આશિર્વચન પાઠવતા હોવાના કિસ્સા પણ ઘણીવાર જોવા મળે છે.
શાસ્ત્રોના જણાવ્યાનુર શ્રાદ્ધની વિધિ દરમ્યાન મુંડન એક સંસ્કાર છે. જે કરાવવું આવશ્યક છે. સિદ્ધપુર બિંન્દુસરોવર ખાતે અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક તેમજ ફિલ્મી હસ્તીઓએ માતૃ-શ્રાદ્ધવિધિ કરાવેલ છે. અહીં શ્રાદ્ધવિધિ કરાવતા બ્રાહ્મણો પાસે બાપદાદાઓના કુળનો સમગ્ર ઈતિહાસ આપતી પોથીઓ હોય છે. જેમાં શ્રાદ્ધવિધિ માટે આવનાર જજમાનની કુળના ગોર મહારાજ દ્વારા શ્રાદ્ધવિધિ કરવામાં આવે છે. ટૂંકમાં માતૃશ્રાદ્ધ વિધિ એટલે અર્પણ તર્પણ અને સમર્પણ.
- પરેશ મોઢ