Get The App

ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ : ભીષ્મ સ્તુતિ

Updated: Nov 30th, 2022


Google NewsGoogle News
ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ : ભીષ્મ સ્તુતિ 1 - image


- ભીષ્મ  પિતામહ  કહે છે કે તમારા સ્વરુપ જેવું ત્રિભુવનમાં કોઇ સ્વરુપ નથી. આ ભુવન સુંદર છે, તમામ વર્ણ છે, પિતાંબરો ધારણ કરેલા છે

મૃત્યુને જેવી રીતે ભીષ્મ પિતામહે મંગલ બનાવ્યું એવી રીતે આપણે સમગ્ર જીવન અને મૃત્યુની અંતિમ ક્ષણોને મંગળમય બનાવીએ

શ્રી મદ્ ભાગવતના પ્રથમ સ્કંધમાં ત્રણ સ્તુતિઓ મુખ્ય છે. જેમાં ઉત્તરાજીની, કુંતાજીની અને  પ્રથમ સ્કંધના નવમાં અધ્યાયમાં ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની સ્તુતિ. ભીષ્મ પિતામહે સંક્લ્પ કર્યો કે ઉત્તરાયણના પરમ પવિત્ર દિવસે હું મારા દેહનો ત્યાગ કરીશ. એમને વિદાય આપવા માટે અનેક ઋષિઓ આવ્યા. મૃૃત્યુ સમયે ભીષ્મ પિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને રાજધર્મ - સ્ત્રીધર્મ એવા અનેક ધર્મોનું નિરુપણ કર્યું. ભીષ્મ પિતામહે ૧૧ શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી, પાંચ જ્ઞાાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને ૧૧મું મન એ દ્વારીકાધીશના ચરણોમાં સમર્પિત કર્યું.

ભીષ્મ સ્તુતિનો પ્રારંભ  'ઇતિ' શબ્દથી થાય છે. આમ કોઇપણ  સ્તુતિ કે સ્ત્રોત જુઓ તો તેેનો આરંભ 'અથ' શબ્દથી છે અને સમાપ્તિમાં 'ઇતિ' આવે. પણ ભીષ્મ સ્તુતિની વિશિષ્ટતા છે કે તે 'ઇતિ' શબ્દથી આરંભ થાય છે. એમનો ભાવ એ છે કે, 'હે ! દ્વારીકાધીશ, મારા જીવનનું અંતિમ પુષ્પ હું તમને સમર્પિત કરું છું એનો તમે સ્વીકાર કરો. ત્યારબાદ કોઇ પુષ્પ સમર્પિત કરવાનો મને મોકો નહીં મળે માટે ભીષ્મ સ્તુતિનો છંદ એ 'પુષ્પિતાગ્રા' છંદ છે, જેમા પ્રથમ શ્લોકમાં ભીષ્મ પિતામહ કહે છે;

इति मतिरुपकल्पिता वितृष्णा भगवति सात्वतंपुगवे विभूमि ।

स्वसुखमगपते क्कचिद्विहर्तु, प्रकृतिमुपेयर्षि य भवप्रवाहः।।

આ  પ્રથમ  શ્લોકમાં  ભીષ્મ  પિતામહે  મતિ,ગતિ અને રતી આ ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે. સ્તુતિ કરતાં ભીષ્મ પિતામહ કહે છે કે, મારી મતિ રુપી કુંવારી કન્યાને તમે સ્વીકારો. તે 'તૃષ્ણારહિત' છે  અને આપ કેવા છો, સાત્વતપુંગ્વ. યદુવંશમાં ભગવાન પ્રગટયા એટલે ભગવાન માટે શબ્દ વપરાયો સાત્વતપુંુંગ્વ.

બીજા શ્લોકમાં ભીષ્મ પિતામહ કહે છે કે, 

त्रिभुवनकमनं तमालवर्ण रविकरगौखराम्बरं दधाने ।

वपुरलककुलावृताननाब्जं विजयसखे रर्तिरस्तु मेडनवधा ।।

ભીષ્મ  પિતામહ  કહે છે કે તમારા સ્વરુપ જેવું ત્રિભુવનમાં કોઇ સ્વરુપ નથી. આ ભુવન સુંદર છે, તમામ વર્ણ છે, પિતાંબરો ધારણ કરેલા છે. તેમનો કહેવાનો અર્થ એ છે કે વેદો જ આપના પિતાંબર છે, હે! પાર્થના સખા, મને  વારંવાર તમારા ચરણ કમલોમાં રતી થશે. પણ અહિં વિજય સખે અર્થાત્ અર્જુનના સખા. આ શ્લોકમાં ઠાકોરજીના સ્વરુપનુ વર્ણન ભીષ્મ પિતામહે કર્યુ છે. 

એ પછીના શ્લોકમાં ભીષ્મ પિતામહે  ભગવાનના શૌર્યનું વર્ણન કર્યું છે જે શ્લોક આ પ્રમાણે છે;

युधि तुरगरजोविधूम्रविषवक् कचलुलितश्रमवार्यलङकृतास्ये ।

मम निशितरशरैर्विभिधमान- त्वचि फ्लिसत्कवचेड कृष्ण आत्मा ।।

આ શ્લોકમાં ભીષ્મ પિતામહ કહે છે કે, કુરુક્ષેત્રના રણમેદાનમાં તમે અર્જુનના રથને લઇ આવ્યા. તમારી દ્રષ્ટિ જેના ઉપર પડી એ બધા મૃત્યુને પામ્યા. ભીષ્મ પિતામહ કહેવા માંગે છે કે અર્જુનતો નિમિત્ત માત્ર છે. કાલ સ્વરુપ આપે જ ધારણ કર્યું છે. સાધક ભક્તિના નવ પગથિયા ચઢી જાય ત્યારે પંચ જ્ઞાાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય બધુ ભગવાનને સમર્પિત થઇ જાય. 

એક શ્લોકમાં ભીષ્મ પિતામહે સમગ્ર ગીતાજીના પ્રસંગનું વર્ણન કર્યુ છે.

व्यवहितपृतनामुखं निरीक्ष्य, स्वजनवधाद्विमुखस्य दोषबुद्धया।।

कुमतिमहरदात्मविघया य-श्वरणरति परमस्य तस्य मेडस्तु ।।

કુરુક્ષેત્રના રણ મેદાનમાં સૈન્ય ગોઠવાઇ ગયું ત્યારે અર્જુને પોતાના સ્વજનોને જોયા એમને દુઃખ થયું કે જે વડીલોની પૂજા કરવાની હોય, એ વડીલોને મારે મારવાના. અર્જુનની કુમતિને, ગીતાજીના જ્ઞાાનથી જેમણે હરી, એવા હે! પાર્થના સખા, મને વારંવાર તમારા ચરણ  કમલોમાં રતી થજો. 

એક શ્લોકમાં ભીષ્મ પિતામહે ભગવાનના રાસનું અને ભગવાનના હાસ્યનું નિરુપણ કર્યું છે;

ललितगतिविलासवल्गुहास- प्रणयनिरीक्षणकल्पितोरुमाना ।

कृतमनकृतवत्य उन्मादान्धाः प्रकृतिमगन्किल स्य गोपवध्यः।।

તમારી ગતી તો લલિત ગતી છે અને તમારું હાસ્ય તો વલ્ગુહાસ્ય છે. વલ્ગુહાસ્ય એટલે બાળકના હાસ્યમાં નિર્દોષતા પ્રગટે, પ્રિયતમાના હાસ્યમાં પ્રેમ પ્રગટે, સંતના હાસ્યમાં કરુણા પ્રગટે અને શત્રુના હાસ્યમાં શત્રુતા પ્રગટે. આ બધાના હાસ્યનો સરવાળો કરીએે તો ભગવાનનું હાસ્ય થાય. પણ અહિં એક પ્રશ્ન થાય કે આ કુરુક્ષેત્રની ભૂમિ છે, અહિં રણમેદાન છે અને ભીષ્મ પિતામહે રાસનું  સ્મરણ શા માટે કર્યું ? તો એનું એક જ કારણ છે કે, 'સામે ગોપીજન વલ્લભ ઊભા હોય ત્યારે રણ પણ રાસ થઇ જાય અને ભૂમિ પણ વૃંદાવન થઇ જાય.' જેવી રીતે ભીષ્મ પિતામહે રતી-ગતિ અને મતી ત્રણેયને ભગવાનમાં જોડી એવી રીતે આપણે પણ ભગવાન તરફ ગતિ કરીએ તો ભગવાન તરફ રતી થાય અને ભગવાનમાં મતિ થાય તો ખરેખર આપણું જીવન ચરિતાર્થ કર્યુ ગણાય. જીવન એવું જીવીએ કે ભગવાન આપણાં જીવનને જોઇ નાચી ઉઠે. મૃત્યુને જેવી રીતે ભીષ્મ પિતામહે મંગલ બનાવ્યું એવી રીતે આપણે સમગ્ર જીવન અને મૃત્યુની અંતિમ ક્ષણોને મંગળમય બનાવીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ....

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


Google NewsGoogle News