1971ના યુધ્ધ પછી ભારતના સૈનિકો સાથે સરહદ પર આવીને બિરાજમાન થયેલા ભેડીયા બેટ હનુમાનજી મંદિર
- શ્રધ્ધા પૂરી થતાં શ્રધ્ધાળુઓ અહીં ઘંટ અર્પણ કરે છે.
૧૯ ૭૧ના યુધ્ધની અનેક વાતો બહાર આવી રહી છે. કેટલીક ધાર્મિક ચમત્કાર સમાન વાતો તો ભાગ્યેજ બહાર આવી છે. કચ્છ સરહદે ભારતનું સૈન્ય પાકિસ્તાનમાં ૬૦ કિલો મીટર સુધી અંદર ઘૂસી ગયું હતું. ભારતનું સૈન્ય પાકિસ્તાનમાં ઘૂસ્યું તે વિસ્તારોમાં ચારબેટ,હનુમાન તલાઇ, વિન્ગી, પનેલી,જાટલી જેવા વિસ્તારોની પાકિસ્તાનની ચોકીઓ પણ સામેલ હતી. ત્યારે પાકિસ્તાનના થારપરકર વિસ્તારમાં ડિપલો નામના સ્થળ પર આવેલા હનુમાન તલાઇ ગામમાં ભારતના સૈન્યે ટેમ્પરરી કામકાજ માટે તાત્કાલીક એક ચોકી ઉભી કરી દીધી હતી. જગ્યાનું નામ હનુમાન તલાઇ હતું. ત્યાં હનુમાનજીની મૂર્તિ બિરાજમાન હતી. ભારતના સૈનિક રોજ ત્યાં પૂજન આરતી કરતા હતા.
સિમલા કરાર હેઠળ યુદ્ધ પુરૃં થતા ભારતના સૈનિકો પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને એવો ભાસ થયો હતો કે હનુમાનજી તેમની સાથે ભારત લઇ જવા કહેતા હતા. દરેક સૈનિકને આવો ભાસ થયો હતો. બધા સમજી ગયા હતા કે હનુમાનજીને ભારત આવવું હોય એમ લાગે છે.
અંતે નક્કી કરાયું હતું કે હનામાનજીને પણ ઉંટ પર સાથે લઇ જઇએ. નક્કી થયા પ્રમાણે હનુમાનજીની મૂર્તિને પાયાની ઇંટો સાથે ઉંચકી લઇને પરત ભારતીય સરહદ પર લેતા આવ્યા હતા. રાત્રિ વિરામ કરવાનું સ્થળ ભેડીયા બેટ હતું. ત્યાં મૂર્તિ મુકીને બધાએ આરામ કર્યો હતો. સવારે જ્યારે પ્રસ્થાનની શરૂઆત કરાઇ ત્યારે મૂર્તિને લઇ જવા માટે ઉંચકવામાં આવી ત્યારે તે હનુમાનજીની પ્રતિમા જાણે ત્યાં જડાઇ ગઇ હોય એમ લાગ્યું હતું. બહુ પ્રયાસ કરવા છતાં પણ મૂર્તિ ખસી નહોતી. એર્ટે સૈનિકો સમજી ગયા હતાકે હનુમાનજીને અહીંજ રહેવું છે.
પછી તો સૈન્ય મૂર્તિને ત્યાં છોડીને જતું રહ્યું પરંતુ સ્થાનિક સૈનિકો હનુમાનજીની અહીં રહેવાની ઇચ્છાને માન આપીનેે ત્યાં એક નાનું મંદિર ઉભું કરી દીધું હતું. સૈનિકોને તેમાં શ્રધ્ધા વધતાં ત્યાં સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટે જીર્ણોધ્ધાર કરીને સુંદર મંદિર ઉભું કરી દીધું હતું.
હવે ત્યાં નિયમિત રીતે પૂજા પાઠ થાય છે. શ્રધ્ધાળુઓની મનોકામના પૂર્ણ થતાંજ તેની ખ્યાતિ વધવા લાગી હતી.
મંદિરમાં અનેક ઘંટ લટકેલા જોવા મળે છે તેની પાછળનું કારણ એ છે કે જે લોકોએ માનતા રાખી હોય તે પુરી થાય એેટલે મંદિરમાં ઘંટ અર્પણ કરે છે. ભેડિયાબેટ હનુમાનજીના મંદિર તરીકે ઓળખાતું આ મંદિર બહુ લોકપ્રિય બન્યું છે અને હજારો શ્રધ્ધાળુઓ દર્શને આવીને ધન્યતા અનુભવે છે.
યુધ્ધ દરમ્યાન સૈનિકોે જેમના સાથે રહીને સુરક્ષા અનુભવતા હતા તે હનુમાનજીએ ભારત આવવાની ઇચ્છા પ્રગટ કરી હતી અને આજે સરહદ પર બિરાજમાન છે.