'ભવસાગર સબ સુખ ગયો હે, ફિકર નહીં મોહે તરનન કી. મોહે લાગી લટક ગુરૂ ચરણન કી.'
- કોઈ સારો ચિત્રકાર થાય છે, કોઈ સારો કલાકાર થાય છે. પણ જેના ઉપર સદ્ગુરુની કૃપા હોય એ સાચો માણસ થાય છે. આ બધા ક્ષેત્રોમાં સાચો મનુષ્યત્ત્વ આપવાવાળા જો કોઈ હોય તો તે ગુરૂ છે
આ પણી સનાતની પરંપરામાં ગુરૂ વંદના અને ગુરૂ પુજાનું અનન્ય મહત્ત્વ છે. સમાજમાં જોઈએ તો વિવિધ-વિવિધ ક્ષેત્રોના તજજ્ઞાો સમાજને મળે છે. કોઈ સારો ડોકટર થાય છે, કોઈ સારો વકિલ થાય છે, કોઈ સારો ચિત્રકાર થાય છે, કોઈ સારો કલાકાર થાય છે. પણ જેના ઉપર સદ્ગુરુની કૃપા હોય એ સાચો માણસ થાય છે. આ બધા ક્ષેત્રોમાં સાચો મનુષ્યત્ત્વ આપવાવાળા જો કોઈ હોય તો તે ગુરૂ છે. જ્ઞાન આપે એ ગુરૂ નહીં પરંતુ ગુરૂ હોય એ જ જ્ઞાન આપી શકે.
શિષ્યના મોહરૂપી અંધકારનો નાશ ગુરૂ કરે છે. મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતાં. તે છતાં પણ ગુરૂ મહિમાનું વર્ણન કરતાં એમણે એક પદ લખ્યું કે, 'ભવસાગર સબ સુખ ગયો હે, ફિકર નહીં મોહે તરનન કી. મોહે લાગી લટક ગુરૂ ચરણન કી.' અધિકારી શિષ્યને અધિકારી ગુરૂ ત્યારે જ મળે કે એની અંદર શિષ્યત્ત્વ જાગેલું હોવું જોઈએ. અર્જુનની અંદર શિષ્યત્ત્વ પૂર્ણ પણે પ્રગટયું હતું માટે ગીતાજીનું સર્જન થયું. ભગવાન શ્રી રામજીમાં પૂર્ણ શિષ્યત્ત્વ પ્રગટેલું હતું માટે યોગ વશિષ્ઠ રામાયણનું સર્જન થયું. નરેન્દ્રનાથની અંદર પૂર્ણ શિષ્યત્ત્વ હતું માટે નરેન્દ્રનાથમાંથી સ્વામિ વિવેકાનંદ બન્યા. અહીં મહાભારતનો એક પ્રસંગ મને સ્મરણ થાય છે કે, જ્યારે કૌરવો અને પાંડવો ગુરૂ દ્રોણાચાર્યજીના આશ્રમમાં અભ્યાસ કરવા માટે આવ્યા. અભ્યાસનો પ્રથમ દિવસ હતો. દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાનો પરિચય આપ્યો. પણ જ્યારે અર્જુનનો વારો આવ્યો ત્યારે અર્જુને પરિચય આપતાં કહ્યું કે, 'હું ગુરૂ દ્રોણાચાર્યનો શિષ્ય અર્જુન.' આ વિષયથી એક વસ્તુ સમજાય કે શિષ્યનું શિષ્યત્ત્વ જો પૂર્ણ પણે પ્રગટેલું હોય તો માર્ગદર્શન આપવાવાળા ગુરૂ ક્યાંકને ક્યાંક મળી જ જાય.
ગુરૂ એ શિષ્યના ભયને હરે છે. શિષ્યને સાચું માર્ગદર્શન આપે છે. અહીં મને એક પ્રસંગ એ સ્મરણ થાય છે કે, ગુરૂ દ્રોણાચાર્યજી ગંગાજીમાં સ્નાન કરતાં હતાં. એ સમયે મગરે ગુરૂ દ્રોણાચાર્યજીના પગ પકડયાં. અર્જુને ગુરૂ દ્રોણાચાર્યજીનું રક્ષણ કર્યું. તે સમયે ગુરૂ દ્રોણાચાર્યજીને અર્જુનને કહ્યું કે, 'ક્યારેક એવો સમય આવે કે તારે મારી સાથે યુદ્ધ કરવું પડે તો તું ક્યારેય પણ પાછીપાની કરતો નહીં.' એટલે આપણે ત્યાં પંક્તિ છે કે, 'ગુરૂ શિષ્યા પરાજ્ય.' કદાચ ગુરૂનો પરાજ્ય થાય અને શિષ્યનો વિજય થાય તો એ વિજ્ય શિષ્યનો નથી પણ ગુરૂનો છે. માટે આપણે ત્યાં પંક્તિ છે કે, 'ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિનકો લાગું પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય.' ગુરૂ એ શિષ્યને ભગવાનના દર્શન કરાવે છે પણ શિષ્યની અંદર જો સાચું શિષ્યત્ત્વ હોય તો શિષ્ય પણ ગુરૂને ભગવાનના દર્શન કરાવે છે. એનું પ્રમાણ રામાયણમાં છે.
સુતિક્ષ્ણજી એ અગત્સ્ય ઋષિના શિષ્ય હતાં. પણ એમની ગુરૂ નિષ્ઠા એવી હતી કે ભગવાન રામજીને પણ અગત્સ્ય ઋષિના આશ્રમમાં લઈ આવ્યા. શબરી શ્રદ્ધા પ્રબળ હતી, ગુરૂના વચનો ઉપર વિશ્વાસ હતો. શબરીને મતંગ ઋષિએ કહ્યું હતું કે, 'તારી ઝુંપડીએ રામ આવશે.' એ વચનના વિશ્વાસે શબરીનું શરીર વૃદ્ધ બન્યું પણ એની શ્રદ્ધા ક્યારેય વૃદ્ધ ન બની. એની કુટિયામાં રામ આવ્યા. ગુરૂના વચન ઉપર વિશ્વાસ રાખવો એ જ સાચી ગુરૂ ભક્તિ છે. ગુરૂએ જે મંત્ર આપ્યો હોય એ મંત્ર ઉપર શ્રદ્ધા રાખવી. ઘણી જગ્યાએ એવું જોવા મળે કે, કેટલાંક વ્યક્તિઓ મહિને-મહિને અલગ-અલગ ઉપાસનાને અપનાવતા હોય છે. ત્યારે એવા વ્યક્તિઓ માટે ગંગાસતિએ પોતાના પદમાં લખ્યું કે, 'શિલવંત સાધુને વારે-વારે નમીએ પાનબાઈ જેના બદલે નહિં વર્તમાન.' અને શિષ્ય પણ કેવો હોવો જોઈએ એની વાત કરતાં ગંગાસતિ કહે છે કે, 'વચન વિવેકી જે હોય નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે એન પાય.'
શિષ્યના માટે ગુરૂના વચનો એ જ એની પ્રસાદી છે. શિષ્યના મનમાં સાત્ત્વિક વિચારોનું સર્જન કરવાવાળા ગુરૂ બ્રહ્મા છે. સાત્વિક વિચારો ટકી રહે એની સંભાળ લેવા માટે ગુરૂ વિષ્ણુ છે. વિકૃતિઓનો નાશ કરવા માટે ગુરૂ શિવ છે. એક અર્થ કરીએ તો એવો પણ થઈ શકે કે ગુરૂ એ જ બ્રહ્મા છે, ગુરૂ એ જ ભગવાન વિષ્ણુ છે અને ગુરૂ એ જ શિવ છે. માટે જ તો આપણે ગુરૂની વંદના કરતાં કહીએ છીએ કે તસ્મ્યૈ શ્રી ગુરવે નમ: ગુરૂની કૃપા એ ભગવાનની કૃપા છે. એ કૃપાને મહેસુસ કરતા કરતા આપણે આપણા જીવનને આધ્યાત્મક ક્ષેત્રે આગળ લઈ જઈએ એ જ અભ્યર્થના સાથે... અસ્તુ !
- પ્રજ્ઞાચક્ષુ ડો.કૃણાલ જોષી