જીવમાત્રની ભક્તિ તે ભગવાનની ભક્તિ છે
મા રૂફ. બગદાદના પ્રસિદ્ધ મહાત્મા. આમ તેઓ મુસ્લિમ પરંપરાના અનુયાયી હતા, પણ અત્યંત આત્માપ્રેમી. લોકો વચ્ચે રહેવું તેઓને ઓછું ગમે. એકાંતમાં ખુદાની બંદગી સારી થઇ શકે, તેથી તેઓ બગદાદ છોડી દૂર જંગલમાં ઝૂંપડી બનાવીને રહેતા હતા, અને આખો દિવસ ખુદાની બંદગી કરતાં.
જંગલમાં આવાગમન કરતો કોઇ મુસાફર આવે તો તેને ઉપદેશ આપે, ખુદાના રાહ પર ચાલવાના લાભ બતાવે. એક દિવસ કોઇ અજાણ્યો ફકીર મારૂફની ઝૂંપડી પર આવ્યો. આવતા સાથે જ તેણે નમાજ પઢવાનું શરૂ કર્યું. જો કે તેને એ ખ્યાલ ન હતો કે કાબાની મસ્જિદ કઇ દિશામાં છે ? તેણે કાબાની ઊંધી દિશામાં પોતાનું મુખ રાખીને નમાજ પઢી. મારૂફને તો ખ્યાલ પણ ન હતો. જો કે નમાજ પૂર્ણ થયા પછી ફકીરને ખ્યાલ આવ્યો, પણ હવે શું ? તેને પશ્ચાત્તાપ થયો. તેણે સહજ મારૂફને કહ્યું કે આપે મને બતાવવું જોઇએ ને !
મારૂફે નમ્રતાથી કહ્યું કે હું ના બતાવી શકું.
'કેમ ? આશ્ચર્ય સાથે ફકીરે પૂછયું તો મારૂફ બોલ્યા: 'હું તો ખુદાનો બંદો છું. મને ખુદા સિવાય બીજું કંઇ દેખાતું જ નથી. તો બીજાની ભૂલો તો ક્યાંથી દેખાય ? બીજાના દોષો જોવામાં સમય બગાડવાના બદલે હું વધુને વધુ ખુદાની બંદગી ના કરૂં ?' મારૂફના જવાબથી ફકીરને પણ આશ્ચર્ય થયું.
જો કે પછી મારૂફે અભ્યાગત અતિથિ ફકીરની ભોજન વિગેરે કરાવાની એવી તો ભક્તિ કરી કે તે ફકીર ઓર આશ્ચર્યમાં પડયાં. આટલી બધી ભક્તિ કરવાની ફકીરે ના કહી છતાં તેઓ ભક્તિ કરતા જ રહ્યા. આટલી ભક્તિ કરવાનું કારણ શું ? તો મારૂફે પ્રેમથી કહ્યું: 'જીવનમાત્રમાં ખુદાનો અંશ છે, તો તમારામાં પણ ખુદાનો અંશ હોય કે નહીં? બસ તમારી ભક્તિ કરૂં. એ આખરે તો ખુદાની જ ભક્તિ છે ને ! નમાજ કરવી એ જેમ ખુદાની ભક્તિ છે, તે જીવમાત્રની ભક્તિ કરવી - તમારી ભક્તિ કરવી, એ પણ ખુદાની જ ભક્તિ છે.' મારૂફનો જવાબ સાંભળી ફકીર વિસ્મયચકિત થઇ ગયા.
- રાજ સંઘવી