આદિ શંકરાચાર્યરચિત ભજ ગોવિંદમ્ સ્તોત્ર
સૃ ષ્ટિના ઉષ: કાળથી મનુષ્ય પરાત્પર સત્તા પ્રત્યે વિસ્મિત બની પોતાના ભાવવિગલિત હૃદયોદ્ગારોને વાણી દ્વારા વ્યક્ત કરતો રહ્યો છે. પરમ તત્વ કે દૈવી તત્ત્વો પ્રત્યેના આવા ભક્તિભાવસભર ઉદ્ગારો સ્તોત્ર. સર્જનનું પ્રધાન સોપાન છે. સંસારમાં અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓમાંથી પસાર થતાં માનવીએ કંટકોથી છવાયેલો પોતાનો જીવનમાર્ગ સરળ અને સુગમ બને તે માટે અદૃષ્ટ શક્તિનો સહારો યાચ્યો છે. સ્તોત્ર-સાહિત્યના ઈતિહાસમાં આદિ શંકરાચાર્યનું નામ સુવર્ણાક્ષરે લખાય તેવું છે. અદ્વૈતવાદનું પ્રતિપાદક 'ભજ ગોવિંદમ્' સ્તોત્ર શંકરાચાર્યનું અત્યન્ત પ્રસિદ્ધ અને અતિ મનોહર લઘુસ્તોત્ર છે. આ સ્તોત્રનાં અન્ય બે નામો 'અર્પટપતંજરિકા' તથા 'મોહમુદ્દગર સ્તોત્ર' છે. આ સ્તોત્રનો પાઠ કરતાં ની સાથે જ વાચક કે ભક્તનું હૃદયં 'સર્ઘ:પરનિવૃતયે' એકાએક બ્રહ્માનન્દ સહોદર, પરમાનંદની અનુભૂતિ કરે છે. તેની લયબદ્ધતા તથા ગેયતા ભાવકના ચિત્ત ઉપર અમીટ છાપ ઊભી કરે છે.
કહેવાય છે. કે કાશીની - વારાણસીની ગલીઓમા સંન્યાસી શંકર પોતાના શિષ્યવૃન્દ સાથે પરિભ્રમણ કરતા હતા. પરંપરા અનુસાર 'કાશી' એટલે વિદ્યાનું ધામ, વિદ્યાદાત્રી માતા સરસ્વતીનો નિવાસ. પાઠશાળાઓ, પંડિતો, ગુરુજનો અને છાત્રોથી સમૃદ્ધ નગરી. ગુરુજનો ત્યાંના વિદ્યાર્થીવૃન્દને સંસ્કૃત વ્યાકરણ, ન્યાય-મીમાંસા, દર્શનગ્રન્થો વગેરેનું અધ્યાપન કરાવે. તે સમયે પુસ્તકો છાપવા માટેનાં કોઈ સાધનો નહીં. અને લખાણ માટેની બહુ સુવિધા નહીં આથી 'અધીત' (અધ્યયન કરેલું જ્ઞાાન) કંઠાગ્ર કરવું પડે - ગોખવું પડે. ગોખેલું યાદ રાખવા માટે રોજ પારાયણ-રટણ કરવું પડે. જેમ કે ધાતુપાઠ યાદ રાખવો હોય તો અર્થાત कृ ધાતુ 'કરવું' એ અર્થમાં છે. એમ વાંરવાર રટણ કરવું પડે. આ રટણ છ વર્ષનો બાળક પણ કરે અને સાઈઠ વર્ષનો વૃદ્ધ વ્યક્તિ પણ કરે. કારણ કે त्रिपाक्षिकी विधां'પુનરાવર્તન ન કરો તો ત્રણ પક્ષમાં - પખવાડિયામાં એટલે કે ૪પ દિવસમાં બધું ભુલાઈ જાય.
કાશીમાં વિહર કરતી વખતે શંકરે કોઈક વૃદ્ધને વ્યાકરણનાં રૂપો ગોખતાં જોયાં. શંકરને દયા આવી અને ગોખણપટ્ટી કરવા વૃદ્ધને કહ્યું -
भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते ।
संप्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति कुकृ
અર્થાત્ હે મૂઢમતિ (મૂર્ખ) ! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. જ્યારે મોત નજીક આવ્યું હોય ત્યારે તારી આ લ્લધઢદ્વરૂજ્શ્ર દ્વઝદૃખ્ત'એવી ગોખણપટ્ટી તારું રક્ષણ કરી શકશે નહિ.
આ પછી વૃદ્ધ વ્યક્તિના માધ્યમ દ્વારા સમગ્ર માનવજાતે ધનપ્રાપ્તિની લાલસાનો ત્યાગ કરીને પોતાનાં કર્મોથી, સ્વપુરૂષાર્થ વડે ધનોપાર્જન કરવાનું સૂચન કર્યું છે. જીવનની ક્ષણભંગુરતા તરફ નિર્દેશ કરતાં જીવનને કમલિનીના પાન ઉપર રહેલા જળ સાથે સરખાવ્યું છે. મનુષ્ય જીવનના વિવિધ તબક્કાઓ વિશે જણાવતાં કહ્યું છે કે માણસ બાલ્યાવસ્થામાં હોય ત્યારે તેનું મન વિવિધ રમતગમતોમાં લાગેલું હોય છે, યુવાવસ્થામાં યુવતીમાં આસક્ત રહે છે અને વૃદ્ધાવસ્થામાં હોય ત્યારે ચિંતાઓમાં ડૂબેલા રહે છે. કોઈપણ માણસ પરબ્રહ્મમાં લીન હોતો નથી. જટાવાળો મસ્તક મુંડાવેલો, વાળને ખેંચી કાઢનારો તથા ભગવાં વસ્ત્રોથી વિવિધ વેષ ધારણ કરનારો માણસ જોતો હોવા છતાં જોતો નથી. કારણ કે આજીવિકા માટે તેણે અનેક જાતના વેષ ધારણ કર્યા છે. મનુષ્ય જીવનની એક આગવી વાસ્તવિકતા દર્શાવતાં શંકરાચાર્ય કહે છે કે અંગો ગળી જાય, માથે સફેદ વાળ આવી જાય, મુખ દાંત વિનાનું બનતા વૃદ્ધ બનેલ વ્યક્તિ લાકડીના સહારે ચાલતો હોય, છતાં મનુષ્ય પોતાના મનમાં રહેલા આશાના પિંડનો ત્યાગ કરતો નથી. મનુષ્ય પોતાના સમગ્ર ગંગાસાગર તરફ ગમન કરે છે, વિવિધ વ્રતોનું પાલન તથા પુણ્ય-દાન કરે છે, પરંતુ જ્ઞાાનપ્રાપ્તિ માટે તત્પરતા દર્શાવતો નથી અને આવો વ્યક્તિ સો જન્મ ધારણ કરે તો પણ મોક્ષ મેળવતો નથી.
જીવનમાં વૈરાગ્યનું મહત્વ દર્શાવતાં શંકરાચાર્ય કહે છે કે વૃક્ષની નીચે નિવાસ કરવો, જમીન ઉપર પથારી કરવી, મૃગચર્મનું વસ્ત્ર પહેરવું અને સઘળાં ભોગોનો ત્યાગ કરી વૈરાગ્ય અપનાવવાથી મનુષ્ય સુખ પ્રાપ્ત કરી શકે છે. જેણે ભગવદ્ ગીતાનું થોડું ઘણું પણ અધ્યયન કર્યું હોય, ગંગાજળના એકાદ બિંદુનું પાન કર્યું હોય અને જીવનમાં માત્ર એક વખત પણ ભગવાન શ્રીકૃષ્ણની સારી રીતે પૂજા કરી હોય, તેની યમદેવ વડે ચર્ચા પણ થઈ શકી નથી. વ્યક્તિએ કામ, ક્રોધ, લોભ અને મોહરૂપી શત્રુઓનો ત્યાગ કરીને હંમેશાં આત્મજ્ઞાાની બનવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જીવનને સાર્થક બનાવવા માટે 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' અને 'શ્રીવિષ્ણુસહસ્રનામ' ના શ્લોકનો પાઠ કરવો જોઈએ. સજ્જનના સંગમાં ચિત્તને દોરવું જોઈએ. જીવનને આધ્યાત્મિક દિશામાં લઈ જવા માટે મનુષ્યે પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે બાબતો અંગે સજાગ રહેવું જોઈએ. વ્યક્તિએ સાચા ગુરુના શરણે જઈ, ઈન્દ્રિયો સાથે મનનું નિયમન કરી પોતાના હૃદયમાં બિરાજેલા પરમતત્ત્વ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો જોઈએ. આમ, આદિ શંકરાચાર્યનું આ સ્તોત્ર ઉત્તમ સ્તોત્ર છે.
- ડો. યોગિની એચ. વ્યાસ