'ઉપકારના ઉઝરડા ના પડવા જોઈએ'
(ભાગ-૨)
માતા-પિતા નવજાત બાળકને ઉછેરીને મોટું કરે, દિલોજાન દોસ્ત પરસ્પર સંક્ટ સમયે પડખે ઉભો રહે, પતિ-પત્ની એકબીજા માટે જીવ આપવા તૈયાર થાય કે જ્ઞાાની ગુરૂ શિષ્યને સંતાનની માફક વિદ્યા પ્રદાન કરે.. આવા સંબંધો અહેતુક, લેણદેણ વગરના, ફળની આશા વગરના, નિ:સ્વાર્થી ગણાય છે. એમાં આભાર ઉપકાર કે અહેસાનની રતીભાર ગણત્રી હોતી નથી.
પણ...સંતાન પગભર થયા બાદ મા-બાપ તેની જિંદગીમાં કારણ વગરની દખલ કરી સારા-માઠા પ્રસંગે તને ખબર છે તારા ઉછેર પાછળ કેટલાં વર્ષો કુરબાન કર્યા ? પૈસા અને પત્ની આવી એટલે બધું ભૂલી ગયો ।।? જેવી વાતો યાદ અપાવે, મિત્ર અણી વખતે કરેલી મદદની તારીખ અને સમય સુધ્ધાં કહી બતાવે, પતિ-પત્ની એકબીજા માટે અંગત કેટલા સમયનો ભોગ આપ્યો. તેનો હિસાબ રજૂ કરો કે ગુરૂ શિષ્ય પાસે ગજા ઉપરાંતની દક્ષિણા લઈ તેને ઓશિયાળો બનાવે ત્યારે સંતાનને એવા મા-બાપને ત્યાં જન્મ લીધાનું મિત્રને મિત્રતા ટકાવી રાખવાનું, પતિ-પત્નીને જીવનમાં ખોટું પાત્ર પસંદ કર્યાનું કે શિષ્યને સ્વાર્થી ગુરૂ પાસે શિક્ષા લીધાનું- દુ:ખ જ દુ:ખ મહેસુસ થાય છે. દિલ દુભાય છે ઉપકારવશ થયેલી વ્યક્તિ મનોમન ઘણીવાર પોતાના સ્વાભિમાનને લાગણી નીચે કચરે છે. સ્વાભિમાની વ્યક્તિથી વારંવાર ઉપકારપણાની યાદ પણ નથી જીરવાતી.
હમણા નેવું વર્ષે પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું. જો કે દાદીમાની ગાયકી તેમને વારસામાં મળી હતી છતાં અવિનાશ વ્યાસને તે ગુરૂ માનતા. તેમનો પડયો બોલ ઝીલતા. અઢળક માન આપતા. અવિનાશ વ્યાસે એક સ્મરણગ્રંથમાં તેમના માનસપુત્ર વિષે લેખિત પ્રશંસા કરી છે. ' એનો કંઠ ખુદ એક સરગમ છે. એની ગાયકી પુનમની રાતની શીતળતા છે.' ગુરૂ શિષ્યનો સંબંધ લાગણીથી ભરપૂર હતો. છતાં પુરૂષોત્તમદાસને એક વાત ખૂંચતી. અવિનાશભાઈ ઘણીવાર કહેતા- ' આ પસલાને મેં પુરૂષોત્તમ બનાવ્યો.' એકવાર બે કલાકારોની હાજરીમાં તેમણે આ વાત દોહરાવી. પુરૂષોતમદાસને ઓછું આવી ગયું. તે તરત ઉભા થઈને રસોડામાં ગયા. અને રસોઈયાનો હાથ પકડી બધાની વચ્ચે લાવી નમ્રતાથી અવિનાશભાઈને કહ્યું- 'લો ગુરૂજી. જેવી રીતે પસલાને બનાવ્યો એવી રીતે હવે આ રસોઈયાને પણ પુરૂષોત્તમ ઉપાધ્યાય બનાવો !
જેની અંદર કલા પ્રત્યેની જાગૃતિ હોય તેને જ મઠારી શકાય. એલફેલ માણસને કલાકાર ના બનાવી શકાય. ખાણમાંથી નીકળતા કાચા પથ્થરને પહેલ પાડી નવો ઓપ આપી શકાય. એને ચકચકતો હીરો બનાવી શકાય. પણ દરિયા કિનારે મળતા પથ્થર કે કાંકરાને ઘસી ઘસીને પણ હીરો ના બનાવી શકાય. આત્મગૌરવ અને અસ્મિતાનું રક્ષણ કરનાર વ્યક્તિ ગમે તેવી લાલચ કે અહેસાન તળે દબાતી નથી. તેને કોઈનો ભય હોતો નથી. સ્વમાનને સહેજ ધસરકો પડતાં જ તેનું મન ચિત્કારી ઊઠે છે. ઉપકાર એ ખિસ્સામાં રાખી ગમે ત્યાં, ગમે ત્યારે વપરાય એવો ચલણી સિક્કો નથી. એ હૃદયની દાબડીમાં કાળજીપૂર્વક સાચવી રખાયેલું ગુપ્તધન છે. જે અંતદર્શાને અમીર બનાવી દે છે. ફૂલ જેવા મનની પાંદડીઓ પર ડાધ ના પડી જાય એની કાળજી રાખી અહેસાનના ઝાકળબિંદુએ ઘડીવાર રોકાઈને સરી જવાનું હોય છે.
એક શેઠે આનંદઘનજીને ઉપાશ્રયના વિશાળખંડમાં ઉતારો આપ્યો હતો. મહારાજશ્રી ત્યાં સમયસર વ્યાખ્યાન આપતા. એક દિવસ વખત વીતી ગયો છતાં શેઠ આવ્યા નહિ. આનંદ ઘનજીએ પ્રવચન શરૂ કરી દીધું. છેવટે મોડા મોડા શેઠ આવ્યા. આવતાવેંત ચાલ વ્યાખ્યાને બધાની વચ્ચે તેમણે મહારાજશ્રીને કહ્યું,' તમે પ્રવચન શરૂ કરી દીધું ? મારા આવવાની રાહ પણ ના જોઈ ? થોડુંક વહેલું મોડું થઈ જાય એમાં શું ખાટું મોળું થઇ જવાનું હતું !?' શેઠનો મિજાજ જોઈ આનંદઘનજી તેમના મનની સ્થિતિ પામી ગયા. ગામના શેઠ હોય એટલે મગજમાં મોટાઈ ઠાંસોઠાંસ ભરી હોય અને બધાની વચ્ચે મોટાઈના બતાવે તો શેઠાઈ શા કામની ! આનંદ-ધનજીએ કહ્યું- ' શેઠજી, સાચા શ્રાવકે ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા સમયસર પહોંચવું જોઈએ. હું કોઈની રાહ જોવામાં પ્રવચન મોડું શરૂ કરતો નથી. ' મહારાજ સાહેબને લાગ્યું કે શેઠને ખોટું લાગ્યું છે. છતાં તે શાંતિથી બોલ્યા. ' શેઠજી, તમે એમ માનતા હો કે હું તમારે ઘેર જમું છું. તમારા વહોરાવેલાં કપડાં પહેરૃં છું. તેથી ઉપકારવશ થઈ મારે તમારી રાહ જોવી જોઈએ, તો એ તમારી ભૂલ છે. હું મોહ-માયા-સંસાર છોડીને આવ્યો છું. આ લો, તમારા વસ્ત્રો પાછાં.' એટલું કહી આનંદઘનજીએ લંગોટી સિવાયના તમામ વસ્ત્રો ઉતારી દીધાં અને લંગોટીભેર રહી પોતાનું વ્યાખ્યાન પતાવી ત્યાંથી વિદાય થઈ ગયા.
એવું ભાગ્યે જ બને કે માણસને માણસની જરૂર ના પડે આત્મનિર્ભર બનતાં પહેલાં પણ નાના નાના ઉપકારના પગથિયાં ચઢવાં પડે છે. જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે મુશ્કેલી વખતે ના છૂટકે બીજાની મદદ કે ઉપકાર લેવો પડે તો ધર્મ. શાસ્ત્ર તેની છૂટ આપે છે. છાંદોગ્ય- ઉપનિષદમાં ઉપકાર અને આપદ ધર્મ વિષે એક કથા આપે છે. એકવાર કુરૂદેશમાં દુકાળ પડયો. લોકો પોતાના ઘર-બાર છોડીને ભાગવા લાગ્યા. ઉપસ્તિ નામનો બ્રાહ્મણ તેની પત્ની આટિકીને લઈને ભૂખ્યા પેટે આમતેમ ભટક્તો હતો. ત્યાં તેણે એક મહાવતને ઉકાળેલા અડદ ખાતો જોયો. ઉપસ્તિએ તેમાંથી થોડા અડદ માંગ્યા. મહાવતે આપ્યા. પતિ-પત્નીએ ભૂખ શાંત કરી. મહાવત પાસે માટલીમાં થોડું પાણી હતું. તેણે પવાલાથી પીધું અને એ જ પવાલામાં પાણી ભરી ઉપસ્તિને પીવા આપ્યું. તેણે ઇન્કાર કર્યો. મહાવતને આશ્ચર્ય થયું. ઉપસ્તિએ કહ્યું,' ભાઈ, ભલે તારા અડદ એંઠા હતા પણ જો હું ના ખાત તો મારો જીવ જાત. પ્રાણ બચાવવા આપદ્ ધર્મ મુજબ મારે અડદ ખાવા પડયા. પણ પાણી તો ગમે ત્યાંથી મળી જશે. એના માટે સ્વાર્થી બની મારે તારો ઉપકારના લેવો જોઈએ. એ સ્વેચ્છાચાર ગણાય.'
માણસે ત્યારે જ મદદ લેવી જોઈએ જ્યારે તે લાચાર હોય. અને તેની જ મદદની આશા રાખવી જોઈએ જે વિવેકી-સંસ્કારી હોય. ઉપકાર સુગંધ જેવો હોવો જોઈએ. એ ભલે દેખાય નહિ પણ શ્વાસે શ્વાસે અનુભવાય. સાચા ઉપકારની સુગંધને ફેલાઈ જવાની ઉતાવળ નથી હોતી.
- સુરેન્દ્ર શાહ