Get The App

જ્યાં સુધી દોષ છે, ત્યાં સુધી દુઃખ રહેવાનું .

Updated: Mar 26th, 2025


Google News
Google News
જ્યાં સુધી દોષ છે, ત્યાં સુધી દુઃખ રહેવાનું                             . 1 - image


- ભરતજી હરણીના બચ્ચામાં થયેલી આસક્તિના દોષથી યોગસાધના કરવામાંથી ભ્રષ્ટ થઈ ગયા હતા. હરણીના બચ્ચા પ્રત્યેનો મોહ આસક્તિ પ્રભુભક્તિમાં બાધક બની હતી. જોકે તેમને પૂર્વજન્મની સ્મૃતિ હતી તેથી તે ભાનમાં આવ્યા

શ્રીમદ્ભાગવતના પાંચમા સ્કંધમાં ભરતજીનું ચરિત્ર આવે છે. મહારાજા ભરત ભગવદ ભક્ત હતા. તેમને શ્રીવાસુદેવની ઉત્કટ ભક્તિ પ્રાપ્ત થઈ હતી. એટલે તેમણે યોગ્ય સમયે પોતાની સંપત્તિ પુત્રોને વહેંચી દીધી અને રાજમહેલ છોડીને ગંડકી નદી કિનારે પુલહ મુનિના આશ્રમે આવી ભગવાનની આરાધના કરવા લાગ્યા. હવે જીવનનો એક જ ઉદ્દેશ હતો. નિયમપૂર્વક ભગવતપૂજા કરી પ્રભુ સ્મરણ કરવું. એક દિવસ ઓમકાર જાપ કરતા હતા ત્યારે એક તરસી ગર્ભવતી હરણી નદી કિનારે આવી. હજુ  તો પાણી પીવા જતી હતી ત્યાં જ દૂરથી સિંહની ત્રાડ સંભળાઈ. તે ગભરાઈ ગઈ. જીવ બચાવવા, નદી પાર કરવા છલાંગ લગાવી. તે દરમ્યાન તેનો ગર્ભ નદીના પ્રવાહમાં પડી ગયો. તે નદી પાર જતી રહી. ભરતજીએ જોયું. હરણીનું નવજાત બચ્ચુ નદીના પ્રવાહમાં તણાઈ રહ્યું હતું. તેમને દયા આવી. નદીમાં ઉતરી બચ્ચાને લઈ આશ્રમમાં આવ્યા. બચ્ચાની આંખોમાં આભારની લાગણી જોઈ. ભરતજી તેનું પાલનપોષણ કરવા લાગ્યા. દિવસે દિવસે તેમની મમતા વધતી ગઈ. તેમની પ્રભુ આરાધના મંદ પડવા લાગી. બચ્ચામાં એટલો મોહ વધી ગયો કે તે નિત્યપૂજાની સામગ્રી લાવવાનું પણ ભૂલવા લાગ્યા. પત્ર, પુષ્પ, તુલસીદલ, જળ, ફળ લાવવાનું ચુકવા લાગ્યા. તેમનો સમય બચ્ચાને ખભે બેસાડી લાડ લડાવવામાં વીતવા લાગ્યો. ભગવાનની આરાધના સદંતર બંધ થવા લાગી. મન હરણીના બચ્ચાનો જ વિચાર કરતું. કેમ દેખાતું નથી ? કેમ આજે તેણે ખાધું નથી ? આવી તીવ્ર આસક્તિને લીધે જ્યારે તેમનું શરીર છૂટી ગયું ત્યારે અંતકાળની ભાવના મુજબ તેમને મૃગશરીર પ્રાપ્ત થયું. પરમાત્માની આરાધના કરવા મહારાજા ભરતે રાજમહેલ રાજકારભાર, પુત્રો, પત્ની અને જીવનમાં મળેલો વૈભવ છોડયો હતો. એ જ ભરતજી હરણીના બચ્ચામાં થયેલી આસક્તિના દોષથી યોગસાધના કરવામાંથી ભ્રષ્ટ થઈ ગયા હતા. હરણીના બચ્ચા પ્રત્યેનો મોહ આસક્તિ પ્રભુભક્તિમાં બાધક બની હતી. જોકે તેમને પૂર્વજન્મની સ્મૃતિ હતી. તેથી તે ભાનમાં આવ્યા. મૃગ શરીરને પાણીમાં ડૂબાડી વિસર્જિત કરી દીધું. ત્યારપછી તેમનો બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો. હવે તે સ્વાભાવજન્ય દોષોથી સાવધાન થઈ ગયા. બ્રાહ્મણ પિતાના મૃત્યુ બાદ તેમના ભાઈઓ ખેતરમાં મજુરી કરાવતા. વૈતરું કરાવતા ગમે તેવું વધ્યું ઘટયું ખાવાનું આપતા. તે ખાઈ લેતા. ફરિયાદ ના કરતા. હવે તેમનું ધ્યાન પ્રભુ સ્મરણમાં રહેતું. પીડા કે દુઃખ સહી લેતા. જે સ્વભાવ દોષથી દુઃખ આવ્યું હતું તે દોષ ફરી ના થઈ જાય તેનું ધ્યાન રાખતા. એક દિવસ એક ડાકૂ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેમને પકડીને બલિ ચઢાવવા ભદ્રકાળી માતાના મંદિરે લઈ ગયો. પણ તલવાર ઉઠાવતાં જ ભદ્રકાળી માતા પ્રગટ થયાં. તેમને બચાવ્યા. આશીર્વાદ આપ્યા. ત્યારબાદ વાસુદેવની ભક્તિ કરી જીવન જીવતાં જીવતાં તેમણે પરમગતિ પ્રાપ્ત કરી.

દોષ એટલે સ્વભાવમાં રહેલી નબળાઈ, દોષ એટલે ઈચ્છાપૂર્તિ માટે ભૂલ કરવી, દોષ એટલે કર્મમાં ખામી રહેવા દેવી, દોષ એટલે વાસનાપૂર્તિ માટે ગુનો કરવો, દોષ એટલે અધર્મ જાણતા હોવા છતાં પાપ કરવું. વાલ્મીકિ રામાયણમાં કહ્યું છે "વિનાશે બહવો દોષો" આપણા જીવનમાં દુઃખ લાવનાર આપણા જીવનનો વિનાશ કરનાર ઘણા દોષો છે. પાણીમાં ડૂબતા હરણીના બચ્ચાને બચાવવું, તેનું પોષણ કરવું એ માનવધર્મ છે. પણ બચ્ચુ મોટું થયા પછી તેનામાં મોહવશ વધુ પડતી આસક્તિ રાખવી એ સ્વભાવ દોષ છે. મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે જ્યારે બચ્ચુ મોટું થાય તેને સહાયની, મદદની, કાળજીની કે કોઈ પણ પ્રકારના સહકારની જરૂર ના રહે ત્યારે તેને સ્વતંત્ર કરી દેવું જોઈએ. પશુ હોય કે પક્ષી બચ્ચાં પગભર થાય એટલે તે સ્વતંત્ર જીવન જીવે છે. હરણીના બચ્ચાની મમતા એ ભરતજીને ત્રણ જન્મો લેવડાવ્યા. કોઈપણ જાતન સ્વભાવ જન્મદોષ હોય આપણા આત્મસ્વરૂપને ઢાંકી દે છે. ભગવદગીતામાં કૃષ્ણ કહે છે "યે હિ સંસ્પર્શની ભોગો દુઃખયોનમ એવ તૈ" ઈન્દ્રિયો અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો (દોષો) છે. તે દુઃખનું કારણ છે. જે દોષને જાણી જાય છે તે તરી જાય છે. તે દોષને નજરઅંદાઝ કરે છે તે ડૂબી જાય છે. કારણ કે "બંધુરાત્મેવ રિપુસત્મનઃ" આપણે જ આપણા મિત્ર છીએ, આપણે જ આપણા શત્રુ છીએ. દુઃખનું મૂળ કારણ આપણે ખુદ છીએ. આપણા જ દોષ છે.

શૂર્પણખા શ્રીરામના સૌંદર્યથી મોહિત થઈ કામાસક્ત ના થઈ હોત તો તેના નાક-કાન ના કપાત. તેણે ભાઈ રાવણને અપ્રતિમ સીતાના સૌંદર્યનું બારીકાઈથી વર્ણન ના કર્યું હોત તો રાવણે સીતાનું હરણ ના કર્યું હોત અને રાવણનું પતન ના થયું હોત. સંજય ધૃતરાષ્ટ્રના દૂત તરીકે પાંડવો પાસે જઈને રાત્રે પાછો ફર્યો ત્યારે થાકી ગયો હતો. તે સંદેશો આપ્યા વગર જતો રહ્યો અને ધૃતરાષ્ટ્રની ઊંઘ ઊડી ગઈ. તેણે વિદુરને બોલાવ્યો "વિદુર, મને સારી સારી વાતો કહે ! મારી ઊંઘ ઊડી ગઈ છે. "વિદુર સમજી ગયો." તેણે કહ્યું "રાજન્ જેનો પોતાના કરતાં વધુ બળવાન સાથે ઝઘડો થયો હોય, જેને પારકાના ધનનો લોભ જાગ્યો હોય, જે ચોર હોય, કામી હોય અથવા જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, તેને ઊંઘ નથી આવતી. "કશ્ચિદેતૈર્મહાદોષૈને.... ન પરિતપ્યસે (મહાભારત-ઉદ્યોગપર્વ) રાજન, મેં જણાવ્યા એવા કોઈ દોષો તો તમારા મનમાં નથી આવ્યાને ! કારણ કે આવા દોષો જેના મનમાં આવે તેની ઊંઘ ઉડી જાય છે. સ્વભાવજન્ય ઈન્દ્રિયજન્ય દોષ વગર દુઃખ આવતું નથી. દુઃખ માટે આપણામાં દોષ જાગવો જરૂરી છે. 

જો આંગળીએ ચીરો પડયો ના હોય તો લીંબુ કે મીઠું અડે તોય ચચરતું નથી. વાંધો આવતો નથી. પણ જો વાગ્યું હોય, ઘા પડયો હોય કે ચીરો પડયો હોય તો આછો સ્પર્શ પણ ચીસ પડાવી દે છે. દુઃખથી અંગઅંગ તડપી ઊઠે છે. આપણે જરૂર છે ભીતર પડેલા દોષોને ઓળખવાની, ઓળખીને સભાન થવાની. જે જીવ જાગૃત છે સભાન છે તેને કોઈ જાતના દોષો નડતા નથી.

- સુરેન્દ્ર શાહ

Tags :