Get The App

ભગવાન શ્રીરામજીનું અયોધ્યામાં આગમન

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
ભગવાન શ્રીરામજીનું અયોધ્યામાં આગમન 1 - image


- ભગવાન શ્રીરામજીના જે ગુણો છે એ ગુણો જો આપણા હૃદયમાં આવે તો જ સાચું રામરાજય. હૃદય એ અયોધ્યા છે અને હૃદયરૂપી અયોધ્યામાં ભગવાન શ્રીરામજી બેસે તો જીવન સાર્થક છે

રા માયણ એ આદર્શ જીવન તેમજ ભક્ત તત્ત્વને પ્રગટ કરતો ગ્રંથ છે. રામાયણના સાત કાંડ છે. જેમાં ખુબજ મહત્ત્વનો કાંડ એ ઉત્તરકાંડ છે. ઉત્તરકાંડ એટલે જીવની ઉત્તરા સહજા અવસ્થા. ભગવાન શ્રીરામજી રાવણનો વધ કરી અયોધ્યામાં આવ્યા ત્યારે અયોધ્યાના પ્રજાજનોની  સ્થિતિ શું હતી એનું નિરૂપણ કર્યું છે.

દૈવી સંપદાએ જ્યારે આસુરી સંપદા ઉપર વિજ્ય મેળવ્યો ત્યારે અયોધ્યાના પ્રજાજનોને આનંદ થયો. કારણ કે સ્વયં આનંદના ધામ ભગવાન શ્રીરામજીનું આગમન અયોધ્યામાં થયું. પુષ્પક વિમાન જ્યારે ભગવાનું અયોધ્યામાં ઉતર્યું ત્યારે સૌથી પ્રથમ ભગવાન શ્રી રામજીએ સરયુ મૈયાને પ્રણામ કર્યાં. જન્મ ભૂમીને વંદન કર્યાં. ભગવાન શ્રીરામજીએ લક્ષ્મણજીને કહ્યું કે, 'હે લક્ષ્મણ ! મને સોનાની લંકા નથી ગમતી પણ મને તો મારી જનની અને જન્મભૂમી એ સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ લાગે છે.' અયોધ્યાના પ્રજાજનોને ભગવાને ભાવ-વિભોર જોયાં ત્યારે ભગવાને શું કર્યું તેનું વર્ણન તુલસીદાસજી મહારાજે રામાયણના ઉત્તરકાંડમાં કર્યું છે. 

'પ્રેમાતુર સબ લોગ નિહારી, કૌતુક કિન કૃપાલુ ખરારી; અમિતરૂપ પ્રગટેઉ તેહી કાલા, જથાજોગ સબ મિલહી કૃપાલા.' અયોધ્યાના પ્રજાજનોનો પ્રેમ જોઈ ભગવાન શ્રીરામજીએ અનેક સ્વરૂપ પ્રગટ કર્યાં. નાના બાળકથી લઈ વડિલો સુધી બધાયને આદર આપ્યો. જો આપણે રામ રાજ્ય લાવવું હશે તો નાનામાં નાના વ્યક્તિનું આપણે સન્માન કરવું પડશે. ભગવાન રામજી એ શિખવે છે. એ સન્માન કેવી રીતે કરીશું તો કોઈ કવિએ સુંદર પંક્તિ લખી છે - 'કટુતા કો મનસે ત્યાગ દો મીંઠે વચન કહો; વાણીકા સ્વર સુધાર લો બસ હો ગયા ભજન'. આટલું કરીશું તો રામરાજ્ય ચોક્કસ આવશે.

ઉત્તરકાંડમાં તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે, ભગવાન શ્રીરામજીએ સ્નાન કરી દિવ્ય વસ્ત્ર અલંકારો પરિધાન કર્યાં. અયોધ્યાના પ્રજાજનો એક જ ઉદ્ગાર વ્યક્ત કરે છે કે, 'થશે રામજી રાજા રે, અમારી મહારાણી સિતા.' રાજ્યાભિષેકની સવારી રાજમાર્ગ ઉપર વિચરણ કરતી-કરતી રાજ દરબારમાં આવી. સિતા માતાજીએ દ્વાર ખોલ્યાં. સિંહાસનના ચૌદ પગથિયાં હતાં એવું વિદ્વાનોનું મંતવ્ય છે. એ ચૌદ પગથિયા ચઢી ભગવાન શ્રીરામજી સિંહાસન ઉપર બિરાજ્યા ત્યારે તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે કે, 'અબ મૂનિ નાથ વિલંબ ન કીજે, મહારાજ કર તિલક હી કીજે; પ્રથમ તિલક વશિષ્ઠ મૂનિ કિના, પુનિ કહું મૂનિવર આશિષ દિન્હા.' બ્રાહ્મણોએ વશિષ્ઠજીને કહ્યું કે, 'આપ વિલંબ ન કરો, રામજીના લલાટમાં રાજ તિલક કરો.' વશિષ્ઠજીએ તિલક કર્યું અને આશિર્વાદ આપ્યા. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. મહાદેવજી અયોધ્યામાં પધાર્યાં. એમણે ભગવાન શ્રીરામજીની સ્તુતિ કરી. ભગવાનની પાસે માંગ્યું કે મને તમારા ચરણોની સેવા અને અખંડ ભક્તિ આપજો. 

અયોધ્યાનું રામરાજ્ય કેવું હતું જેનું વર્ણન તુલસીદાસજી મહારાજ કરે છે કે, રામરાજ્ય બૈઠે ત્રૈલોકા, હર્ષિત ભયઉં ગયેઉં સબ શોકા. રામજીનું રાજ્ય તિલક થયું એ સમયે પ્રજાજનો હર્ષિત થયાં. બધાના શોક દૂર થયાં. એક બીજા ઉપર અરસ-પરસ પ્રેમનો ઉદ્ભવ થયો. રામરાજ્યમાં સમયસર વરસાદ વરસતો હતો. પિતાના પહેલાં પુત્રનું મૃત્યુ રામરાજ્યમાં થતું નહોતું. ગાયો દુધ આપતી હતી. વસ્તુના ભાવે વસ્તુ મળતી હતી, કોઈ કોઈને છેતરતું નહોતું. એ સમયમાં પ્રજાજનો માતૃ-પિતૃ પરાયણ હતાં. વડિલોનું સન્માન કરવાવાળા હતા.

છ મહિના સુધી નલ-નીલ, આદિ વાનરો અયોધ્યામાં રહ્યાં. પછી ભગવાને બધાને વિદાય આપી. એકલા હનુમાનજી મહારાજ અયોધ્યામાં રહ્યાં. પ્રજાજનોનું સુખ-દુ:ખ જાણવા માટે ભગવાન શ્રીરામજી પોતે પણ વેશ પરિવર્તન કરીને જતાં હતાં. રાજા કેવો હોવો જોઈએ એ જો સમજવું હોય તો ભગવાન શ્રીરામજીના જીવનમાંથી સમજી શકાય. 

ભગવાન શ્રીરામજી સુંદરકાંડમાં વિભિષણને કહે છે કે, 'નિર્મલ મનજન સોમુહી પાવા, મોહી કપટ છલ છિદ્ર નભાવા.' અર્થાત્ હે વિભિષણ ! નિર્મળ હૃદયનો વ્યક્તિ જ મને ગમે છે. મને છળ-કપટ ગમતું નથી. જ્યારે ભગવાન શ્રીરામજીનું રાજ્ય હતું ત્યારે પ્રજાજનોની અંદર પણ છળ-કપટ નહોતું. ભગવાન શ્રીરામજીના જે ગુણો છે એ ગુણો જો આપણા હૃદયમાં આવે તો જ સાચું રામરાજય. હૃદય એ અયોધ્યા છે અને હૃદયરૂપી અયોધ્યામાં ભગવાન શ્રીરામજી બેસે તો જીવન સાર્થક છે. માટે કોઈ ભજનમાં કહ્યું કે, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે હું તો બનું રે નિરાશા; રાત-દિવસ મને સૂઝે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ.' દરેક આત્મયજનોના ઘરે-ઘરે રામ પહોંચે એ જ અભ્યર્થના. ...અસ્તુ !.   


Google NewsGoogle News