Get The App

કચ્છનાં કુળદેવી મા આશાપુરાનું પ્રાગટય

Updated: Nov 26th, 2020


Google NewsGoogle News
કચ્છનાં કુળદેવી મા આશાપુરાનું પ્રાગટય 1 - image


જ ગદમ્બિકાનું એક સ્વરૂપનું જ નામ આશાપુરા છે. કચ્છનું એક સમયે ધીકતું, પુરાતીય અવશેષોથી સમૃદ્ધ લખપત તાલુકાના કચ્છનાં કુળદેવી આશાપુરાનું મંદિર 'માતાના મઢ'માં આવેલું છે. માતાને મઢમાં કચ્છના રાજવી પરિવારની કુળદેવી રન્નાદેવી એટલે કે આશાપુરા માતાજીનું સ્થાનક છે. જેનો સમાવેશ ગુજરાતની મહત્વની શક્તિપીઠોમાં થાય છે. માતાના મઢ આશાપુરા મંદિરનો પૌરાણિક ઈતિહાસ રોચક છે. મનેન્દ્રશ્રીની ૧૪૩ પેઢીમાં થયેલા દેવેન્દ્રને ચાર પુત્રો હતા. સંત, પત, ગજપત, નરપત અને ભૂપત. કચ્છના ઈતિહાસમાં એક એવી કથા છે. એક યુદ્ધમાં સ્વધર્મની રક્ષા કાજે આ ચારેય રાજવી ભાઈઓએ ઓસમનાં ડુંગરો પર આશરો લીધેલો. અહીં તેમના પર માતા હિંગળાજ માતાએ મહેર કરેલી અને આ ભાઈઓને ઉગારી લીધેલા. આમાંના ભાઈ નરપત એ સમયે હિંગળાજ માતાના પરમ ભક્ત બની ગયા. નરપતને સમપત નામે પુત્ર થયો. તેમના વંશજો સમા કહેવાયા.

રાજા ઉન્નડ પછી નગર સમૈની ગાદી પર આવેલા સમા બામજો પરાક્રમી હતા. તે હાલાર પાસેનાં ધૂમલીની લડાઈમાં વિજયી થઈને સિંંધ પરત ફરતાં તેઓ કચ્છમાં પસાર થયા અને હાલના માતાના મઢનાં સ્થાનકે રાતવાસો કર્યો. એ રાત્રે માતા હિંગળાજ તેમને સપનામાં આવીને કહ્યું. હવે તારી આશાપુરી થઈ છે. આજે પ્રાતઃકાળે આ સ્થળે તને માતૃકાની સ્વયં ભૂ મૂર્તિના દર્શન થશે. તેની અહિં પ્રતિષ્ઠા કરજે. સમા બામજાને સવારના જાગોરા ભીટ્ટ એટલે કે ત્યાંની ટેકરી પાસે મૂર્તિનાં દર્શન થયા. ત્યારથી કચ્છના રાજવી સાથે મૂર્તિની સ્થાપના કરી પૂજન કર્યું. આ પ્રમાણે આશાપુરી કરનારા માતા આશાપુરા નામે પ્રતિષ્ઠિત થયા.

કચ્છનાં મોડ વંશમાંના રાજવી ફૂલરાજના કારભારી અજો અને અણગોરને માતા આશાપુરા પર અપાર શ્રદ્ધા હતી. આથી તેમણે આ સ્થાને માતાજીનો મઢ ચણાવ્યો. ત્યારબાદ ધીમે-ધીમે આશાપુરા માતાનો મહિમા વધતા આ સ્થાને એક ગામ વિકસી ગયું. જે માતાના મઢને નામે ચોતરફ પ્રખ્યાત થયું. ત્યારબાદ કચ્છ રાજ્યમાં પ્રસ્થાપિત થયેલા જાડેજા રાજવીનાં વંશની સ્થાપના અને તેમના ઉત્તરોત્તર વિકાસમાં આશાપુરા માતાનાં આશીર્વાદ વરસતા રહ્યા. આવા આર્શીવાદની કૃપાથી હમીરજીના પુત્ર ખેંગારજીને કચ્છની ગાદી મળતા, આ આનંદના અવસરને ઉજવવા દર વર્ષે નવરાત્રિમાં માતાના મઢને ચામર ચઢાવવા સવારી થાય છે.

માતાનાં મઢ પાસે જાગોર ભીટ્ટમાં આશાપુરાનું મૂળ સ્થાનક અને ગુગલી માતાનુંં સ્થાનક છે. અહીં. આવેલા ચાચરાકુંડ અને ચાચર માતાના ચાચરા માતાને મહિમા પણ અનેક ઘણો છે. અહીં દૂર દૂર થી પોતાની કુળદેવીના શરણમાં પોતાના પુત્રની 'બાબરી વિધિ' કરાવવા લોકો જરૂર આવે છે.  કચ્છના રાજવી પરિવારનાં કુળદેવી અને કચ્છ પ્રજાનાં દેશ દેવી તરીકે 'આશાપુરા માતા'નું લોક હૃદયમાં ઉચું પવિત્ર સ્થાન છે.

- પરેશ અંતાણી


Google NewsGoogle News