આનંદ ઉત્સવ : દિવાળી સાથીયા પુરાવો દ્વારે દિવડા પ્રગટાવો
આ મ જોવા જઈએ તો આનંદની દરેક પળ ઉત્સવ જ બની જાય છે. ઉત્સવમાં જેમ આનંદ હોય છે, તેમ જીવનમાં પણ આનંદ હોવો જોઈએ. આનંદ વગર ઉત્સવનો ચાર્મ મારયો જાય છે અને આનંદ વગર જીવનનો મર્મ કશો રહેતો નથી. મોટાભાગે લોકોના જીવનમાં બધું જ હોય છે પણ, આનંદ નથી હોતો. આનંદ માણસની તન-મનની તંદુરસ્તીનું ઔષધ છે.
દિવાળીના પર્વો ખરેખર તો આનંદની ઉજવણી છે. પૂરા થતા વર્ષનો આનંદ અને નવીન વર્ષની વધામણીનો આનંદ. ગોખે તો દીવડા થાય જ છે પણ સાથોસાથ બત્રીસ કોઠે પણ દિવડા ઝગમગે. આપણી ભીતર પણ પ્રકાશ થાય છે. દિવાળીના તહેવારોમાં નવીનતાનો આનંદ હોય છે. બધું નવું નવું જ જોવા મળે. કપડાં નવાં, કલર નવો, રાચરચિલું નવું, માણસ પણ બહારથી નવોનક્કોર દેખાતો માલુમ પડે છે. ખરેખર તો માણસે અંદરથી નવીનતા લાવવી પડે. અને આ માટે જાતના પરિક્ષક-નિરિક્ષક જાતે બનવું પડે તો જ આપણા જીવનમાં દિવાળી જેવી ચેતના અને ઉજાસ ભવિષ્યમાં પથરાય. પછી આનંદનું સરનામું માણસને જડી જાય.
- અંજના રાવલ