પ્લેફુલ અને સોલફુલ લાઈફના લેસન આપતો ઈટરનલ ઈન્ફલ્યુઅન્સર

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
પ્લેફુલ અને સોલફુલ લાઈફના લેસન આપતો ઈટરનલ ઈન્ફલ્યુઅન્સર 1 - image


- રવિ ઈલા ભટ્ટ

- કૃષ્ણ માત્ર ભગવાન કે ઈશ્વર નહીં પણ એક એવો અવતાર અથવા તો સુપરહ્યુમન પાવર ધરાવતો વ્યક્તિ જે આજે પણ આધુનિક યુગમાં એટલો જ સાપેક્ષ અને અસરકારક છે 

જન્માષ્ટમી આવે એટલે દેશ અને દુનિયાભરના કૃષ્ણપ્રેમીઓ ઘેલા થઈ જાય છે. ચારેકોર નંદ ઘેર આનંદ ભયોના નાદ ગાજે છે. એક એવા ઈશ્વરની પ્રાર્થના અને આરાધના કરવામાં સૌ રમમાણ થઈ જાય છે જે આપણને મિત્ર તરીકે, સખા તરીકે, ભાઈ તરીકે, પ્રિયજન તરીકે અને કદાચ સ્વામી તરીકે પણ સ્વીકારવો ગમી જાય છે. આપણી સનાતન સંસ્કૃતિનો એક એવો ઈશ્વર જેને તમે તુકારે બોલાવો તે પણ એટલી જ ભક્તિ અને લાગણી નિતરતા સંબોધન સ્ફુરે કે પછી અનુભવાય. કોઈના માટે નાનકડો નટખટ લાલો તો કોઈના માટે લાલજી તો કોઈના માટે કનૈયો તો કોઈના માખણચોર તો ક્યારેક કોઈના માટે ગોવાળીયો તો ક્યારેક ગોવર્ધનધરી તો ક્યારેક રાસ રચાવતો મદનગોપાલ તો ક્યારેક મથુરાનો રાજા તો ક્યારેક દ્વારકાધિશ તો ક્યારેક યુદ્ધેશ્વરકૃષ્ણ તો ક્યારેક યોગેશ્વર કૃષ્ણ તરીકે આપણને ગમતો આ ઈશ્વર છે. તેને લાડ લડાવવા પણ આપણને ગમે છે તો ક્યારેક તેની સાથે વાતો કરવી કે ક્યારેક તેની આગળ રડી લેવું પણ આપણને ગમે છે. તેની પાસે આપણે રિસાઈ જવાનું પણ પસંદ કરીએ છીએ અને આ ઈશ્વર દરેક યુગમાં, દરેક સ્તરે પોતાના શરણે આવેલાને સાચવતો આવતો છે. 

આજે અહીંયા એક અલગ જ કૃષ્ણની વાત કરવી છે. મેઘધનુષી વ્યક્તિત્વના માલિક એવા આ માધવના એવા સ્વરૂપની વાત કરવી છે જે યુવાનોને ગમે છે. આજના આધુનિક સમયમાં યુવાનોને ઈન્ફ્લ્યુઅન્સર ખૂબ જ પસંદ પડે છે. તેમની કામગીરી, તેમની વાતો, તેમની કરતબો બધું જ યુવા પેઢીને કંઈક કરવા માટે પ્રોત્સાહન, જોમ અને ઉત્સાહ પૂરા પાડે છે. આ માધવ, મુરારી, નટવર પણ એવો જ કંઈક અનોખો ઈશ્વર છે. આજના ઈલેક્ટ્રોનિક યુગમાં પણ સાપેક્ષ થનારો ઈશ્વર છે. કૃષ્ણએ હંમેશા વિઝન, રિઝન, ઈનોવેશન અને સોલ્યુશનની થિયરી ઉપર કામ કર્યું છે અને સદાય તે રીતે જીવન જીવતા શિખવ્યું છે. 

કૃષ્ણની ભક્તિ કરવી કે તેનું અનુસરણ કરવું તે બધું જ એક બાજું છે પણ એક વ્યક્તિ તરીકે કેવું જીવન જીવવું તેનો બોધ આપણને કૃષ્ણ ઉપરથી મળે છે. કૃષ્ણને સમજવો હોય તો તેના બે પાસાને ખાસ સમજવા પડે તેમ છે, એક કૃષ્ણ થવું અને એક કૃષ્ણ હોવું. આજના જમાનાની સૌથી મોટી જરૂરિયાત જો હોય તો સેલ્ફ રિયલાઈઝેશન છે. આજથી હજારો વર્ષો પહેલાં એક શ્યામવદની વ્યક્તિએ આ કરી લીધેલું હતું. કૃષ્ણને પોતાને ખબર હતી કે, કૃષ્ણ થવું અને કૃષ્ણ હોવું મારે કેટલો તફાવત રાખવાનો છે, ક્યારે રાખવાનો છે અને ક્યાં સુધી રાખવાનો છે. પ્લેફુલ અને સોલફુલ જીવન જીવવાની જડિબુટ્ટી આપીને જનારો એ જણ એટલે કૃષ્ણ. સૌથી પહેલાં તો કૃષ્ણ હોવાના પાસાને સમજવું પડે. વ્યક્તિ જ્યારે સમાજમાં પોતાનું અસ્તિત્વ સાબિત કરવા મથે છે ત્યારે તેણે પોતાની જાતને તપાસવી જોઈએ. વ્યક્તિએ સમજવું જોઈએ કે હું કોણ છું. આ સિવાય મારે શું કરવાનું છે તેની પણ ચોક્કસ અને સ્પષ્ટ સમજ હોવી જોઈએ. 

સતત આપતા રહેવું છતાં મેળવવાની મહેચ્છાથી મુક્ત રહેવું

મથુરાની કાળી કોટડીમાં અંધારી મેઘલી કાળી રાતે જન્મેલો એક બાળક એટલે કૃષ્ણ. કાળી કોટડી, કાળી રાતમાં એક શ્યામવર્ણી બાળક જન્મ લઈને કાળી કામળીમાં લપેટાઈને પિતાના માથે કરંડિયામાં રહીને યમુનાના કાળા જળની વચ્ચેથી કાળા નાગની છાયામાં ગોકુળમાં પ્રવેશ કરે ત્યારે સચરાચરમાં જે તેજ અને પ્રકાશપુંજ ફેલાય તે છે કૃષ્ણ. કૃષ્ણએ જન્મતાવેંત એક જ વાત ઉપર ફોકસ કરેલું હતું કે, મારે સંબંધોમાં માત્ર આપવું જ છે, ક્યારેય કોઈ યાચના કરવી નથી અને ક્યારેય કોઈ અપેક્ષા રાખવી નથી. કૃષ્ણ હોવું એટલે સતત લોકોને ખુશ રાખવા, તેમની ઈચ્છા પૂરી કરવી, તેમને મદદ કરવી, તેમને આનંદ કરાવવો, તેમને એડિક્ટેડ રાખવા અને સૌથી મોટી વાત તેમને પીડાથી મુક્ત કરવા. આનંદની અનરાધર લ્હાણી કરવી એટલે કૃષ્ણનું હોવાપણું. એક એવો વ્યવહારડાહ્યો માણસ જેને ખબર છે કે, સંબંધોમાં અપેક્ષા રાખીશ તો દુ:ખી થઈશ. તેને ખબર હતી કે, મને કોઈ પુછશે નહીં પણ હંુ કોઈને પુછીશ તો તે કાયમ મારી સાથે રહેશે. સતત ઘસાઈને ઉજળા થવાની વૃત્તિ એટલે કૃષ્ણનું હોવાપણું. ગોકુળની ગોપાલકપ્રજા હોય કે પછી વ્રજની નારીઓ અને ગોપીઓ, વૃંદાવનમાં રાસ રચાવતી રાધા, મિત્ર સુદામા, ગુરુ સાંદિપની, પાંડવો, દ્રોપદી અને પાંડવોના વંશજો.. આ તમામ લોકોને કૃષ્ણએ કાયમ બધું જ આપ્યું છે. આ તમામ લોકો જોડે માનવિય સંબંધોથી જોડાઈને તેમને તૃપ્ત કર્યા છે. 

ધૈર્ય, સહનશક્તિ અને શાંતિ કૃષ્ણનો અનોખો ગુણ

માત્ર ૧૬ વર્ષની મુગ્ધાવસ્થામાં પોેતાના મામાનો વધ કરીને ધર્મની સ્થાપનાના શ્રીગણેશ કરવાનું કામ કરવાની સભાનતા ધરાવે એ છે કૃષ્ણ. કિશોવસ્થામાં જ મથુરાના રાજા બનવાની મહેચ્છાઓ છોડીને જ્ઞાાનની શોધમાં જવાનો નિર્ણય કરનાર વ્યક્તિ એટલે કૃષ્ણ. ગુરુ સાંદિપનીના આશ્રમમાં કોઈ રાજા કે રાજકુમાર નહીં સામાન્ય બાળકની જેમ શિક્ષણ લે અને મિત્રોની સાથે ગોષ્ઠી કરે અને આનંદ કરે તે કૃષ્ણ. પોતાની ક્ષમતા વિશે સભાનતા અને તેના ઉપયોગ વિશેની સજાગતા અને સજ્જતાને જાણ તે છે કૃષ્ણ. વર્તમાન સમયની જ વાત કરીએ તો કોઈ આજે આપણને ગાળ આપે તો આપણે તરત જ તેને મારવા દોડીએ છીએ. તેને માફ કરવાની વૃત્તિ કે ક્ષમતા અથવા તો સાહસ આપણામાં નથી. તો માત્ર વિચાર કરો કે જે સુપરપાવર તરીકે જન્મેલો કૃષ્ણ પહેલી ગાળ સાંભળીને જ માથું ધડથી અલગ કરવાની ક્ષમતા ધરાવતો હતો છતાં તેણે બીજી ૯૯ ગાળો સાંભળવાની સહનશક્તિ દાખવી. બાકી પહેલાં જ ઝાટકે શિશુપાલનો વધ થઈ જ ગયો હોત. કૃષ્ણની પાસેથી શિખવા જેવું છે ધૈર્ય અને શાંતિ. 

વ્હાલ જવાબદારી  છે જ્યારે સાહસ રમત છે

બીજો મહત્ત્વનો ગુણ છે પોતાના ક્ષમતાને જાણીને તે પ્રમાણે જવાબદારીપૂર્વક વર્તન કરવું. આપણે શું કરી શકીએ છીએ તેનું પ્રદર્શન કરવાની કે નિદર્શન કરવાની જરૂર નથી. સમય આવ્યે તેનો સદુપયોગ કરવાની જરૂર છે. વ્યક્તિએ પોતાની જવાબદારીઓને સમજવાની સૌથી વધારે જરૂર છે. જવાબદારીને સમજવી એટલે શું. પોેતાની અંદર રહેલી ક્ષમતાનો ક્યારે અને કેવો ઉપયોગ કરવો તેને જવાબદારી કહેવાય. ગોકુળના પાદરમાં બેસીને કે વૃંદાવનમાં બેસીને વાંસળી વગાડીને ગાય, ગોપી, ગોકુળવાસીઓ, ગોવાળો અને સચરાચરને મંત્રમુગ્ધ કરી શકે તે કૃષ્ણ. જેની પાસે સુદર્શન ચક્ર છે, જે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઉચકી શકે છે તે વ્યક્તિ જ્યારે હાથમાં વાંસળી પડે છે ત્યારે બંને હાથનો સભાનતા સાથે ઉપયોગ કરીને સંવેદનાના સૂર રેલાવે છે. તેને પોતાની જવાબદારી ખબર છે કે, સ્નેહ અને સંબંધ રાખવા હશે તો વાંસળી બે હાથે પકડીને જવાબદારી નિભાવવી પડશે બાકી સાહસ કરવા તો ટચલી આંગળીના ખેલ જેવા છે. 

સંબંધમાં જતું કરવું અથવા તો સંબંધ જતો કરવો

આજના યુવાનોને કૃષ્ણ એ પણ સમાજવે છે કે, સંયમ જાળવવો અને પોતાના ભૂમિકાને યોગ્ય રીતે સમજવી. સંબંધ જાળવવો હોય તો જતું કરવું અને જોઈતું હોય તો સંબંધને જતો કરવો. તેના કારણે જ તે મહાભારતની વચ્ચે ગીતા કહી શકે છે અને વૃંદાવનમાં ગોપીઓની સાથે રાસ પણ રમી શકે છે. કૃષ્ણ એટલે એક ઉત્તમ મિત્ર. દ્વારિકાનો નાથ હોવા છતાં દરિદ્ર સુદામાને જોઈને દોડતો મહેલની બહાર આવે. સરાજાહેર તેનું સ્વાગત કરીને તેને પોતાના સિંહાસન ઉપર બેસાડે. લાગણી એવી કે તેની જ કાખમાંથી તાંદુલ કાઢીને ખાવા લાગે અને ખાતા ખાતા કુબેરને શરમાવે તેવો વૈભવ પોતાના સુદામાને આપી દે તે કૃષ્ણ છે.  દ્રોપદીએ ઈજાગ્રસ્ત આંગળી ઉપર સાડીનો છેડો બાંધીને મદદ કરી હતી અને તે જ દ્રોપદીના જોજનોદૂરથી ચીર પૂરીને લાજ રાખે તે છે કૃષ્ણ. તેની પાસે સભાનતા હતા કે ક્યારે ચીર ચોરવા છે અને ક્યારે ચીર પુરવા છે. પાંચ નિર્વાસિત રાજકુમારોને સાથ આપીને હસ્તિનાપુર જીતી અપાવે તે છે કૃષ્ણ. સુદર્શન જેવું હથિયાર હોવા છતાં, સમગ્ર દુનિયાનો નાશ કરવાની ક્ષમતા ધરાવતો હોવા છતાં જે વ્યક્તિ સારથી બનવાનું નક્કી કરે તે છે કૃષ્ણ. સૌથી મજાની વાત તો એ છે કે, મૃત્યુના મુખમાં જન્મ અને મૃત્યના મુખ ઉપર નૃત્ય કરી શકે તે છે કૃષ્ણ.  જીવનના બંને અંતિમો વચ્ચે જીવાતી જિંદગી એટલે કૃષ્ણ. 

ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમને શરમાવે તેવો શ્યામસુંદર

સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ દુનિયાભરના યુવાનોને શિખવી જાય તેવો ઈશ્વર એટલે કૃષ્ણ. ભારતીય પુરુષોની સુંદરતાની વાત આવે ત્યારે તેના માટે ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. આ તમામ ક્વોલિટી સાથે જન્મેલો એક નર એટલે કૃષ્ણ. ટોલ, ડાર્ક અને હેન્ડસમ જેવા શબ્દોનો જન્મ પણ નહોતો થયો તેની પહેલાં જન્મેલો એક સુંદર અને આકર્ષક ગણાતો શ્યામસુંદર એટલે કૃષ્ણ. તેની ચાલવાની છટા, બોલવાની સ્ટાઈલ, પોતાની વાત રજૂ કરવાની છટા, કપડાં પહેરવાની આગવી સ્ટાઈલ બધું જ કૃષ્ણ પાસે હતું. માથે મુગટ પહેરીને ફરતા લોકોની વચ્ચે વનવગડામાંથી મોરપીંછ ઉપાડીને પોતાના મુગટમાં લગાવીને અલગ જ સ્ટાઈલ સ્ટેમેન્ટ અને ફેશન સેન્સ ઊભી કરનાર યુવાન એટલે કૃષ્ણ. તેની દંતકથા જે હોય તે પણ મોરપીંછને પોતાના સ્ટાઈલનો એક ભાગ બનાવ્યા બાદ હવે માધવ વગર મોરપીંછ અને મોરપીંછ વગર મેઘધનુષી માધવ અધૂરા લાગે તેમ છે. 

કૃષ્ણ હોવું એટલે હસતા મોઢે પીડા સહન કરવી

હવે વાત કરીએ કૃષ્ણના હોવાપણાની. કૃષ્ણ હોવું એટલે પીડાનો સ્વીકાર કરવો. પીડાને સહન કરવી, હસતા મોઢે સહન કરવી. કૃષ્ણ હોવાનો સૌથી પહેલો આયામ છે મૃત્યુનો સ્વીકાર. મૃત્યુના મુખ વચ્ચે જન્મ અને મૃત્યુના મુખ ઉપર નૃત્ય કરવાની જેનામાં ક્ષમતા, સભાનતા અને સહજતા છે તે કૃષ્ણ છે. જાતસ્ય હી ધુ્રવો મૃત્યુ... એમ કહીને મૃત્યનો સહજ સ્વીકાર કૃષ્ણ જ કરી શકે. રાજવી કુટુંબનું સંતાન છતાં જેલમાં જન્મ થયો. હીરના ચીર પહેરવાની શક્યતાઓ વચ્ચે ફાટેલી કાળી કામળી ઓઢીને કરંડિયામાં બેસીને ગોકુળ સુધી પલાયન કરવું પડયું. રાજવી કુટુંબનું બાળક છતાં ગોવાળીયાઓની વચ્ચે ધૂળમાં ઉછરવાનું આવ્યું. ક્યારેય કોઈને કહી ન શકે કે પોતે ઈશ્વર છે. અત્યંત સંઘર્ષ સાથેનું બાળપણ, સતત પોતાનો જીવ બચાવવાનો અને ગોકુળવાસીઓને સુરક્ષિત રાખવાના. વાંસળી વગાડીને રોમેન્ટિક ચોકલેટી હીરોની જેમ ફરવાનું અને ક્યારેક ઈન્દ્રની સામે બાથ ભીડીને ગોવર્ધન ઉચકી લેવાનો. આ બધું કરવા દરમિયાન રાધા સાથે પ્રેમ થઈ જાય. ગોકુળવાસીઓની માયા લાગી જાય અને ત્યારે ખબર પડે કે, મી. કૃષ્ણ યુ આર એન એડપ્ટેડ ચાઈલ્ડ. નંદ અને યશોદાનો તું સાચો પુત્ર નથી. આ પીડા કેવી હશે. ગોકુળ છોડીને મથુરા જવાની પીડા, રાધા અને વૃંદાવનને છોડવાની પીડા, વ્હાલ અને વાંસળીને કાયમ જાકારો આપવાની પીડા. આ પીડા કેવી રીતે સહન થાય.. છતાં તેને સહન કરી જાય એ કૃષ્ણ. 

માઈગ્રેશન, મિરેકલ અને મોટિવેશનનું મેનેજમેન્ટ

મથુરા જઈને મામાનો વધ કરવાનો, માતા-પીતાને જેલમાંથી છોડાવવાના. નાનાને મથુરાનું રાજ સોંપીને જ્ઞાાનની શોધમાં ભટકવાનું. સામાન્ય બાળકની જેમ અભ્યાસ કરવાનો. ત્યારબાદ મથુરાનું રાજ સંભાળવાનું. જરાસંધની સાથે દુશ્મની. તેનો વધ થાય નહીં તેથી મથુરાવાસીઓને બચાવવા મથુરા છોડીને દ્વારિકા આવવાનું. કાળયવન સાથે યુદ્ધ ન કરવું પડે તે માટે રણછોડ થવાનું. શિશુપાલ દ્વારિકા સળગાવી દે અને તેનું ફરી નિર્માણ કરવાનું. યાદવોને સારું જીવન જીવતા શિખવવાનું. પાંડવાનો અને પાંચાલીને હસ્તિનાપુર મેળવવા માટે તમામ સ્તરે પ્રયાસ કરવાના. પ્રયાસો નિષ્ફળ જાય ત્યારે અર્જુનના સારથી બનીને યુદ્ધ કરાવવાનું. નાસીપાસ થનારા અર્જુનને ગીતાનું જ્ઞાાન આપવાનું જેની ઉપર આજે પણ હજારો નોબલે પ્રાઈઝ કુરબાન કરી દેવાય તેમ છે. યુદ્ધ બાદ દ્રોપદીની ગાળો સાંભળવાની અને પોતાના જીવનના તમામ તપના બળથી પરિક્ષિતને જીવતો કરવાનો. પોતાના દ્વારિકામાં પરત ફરવાનું અને પ્રભાસપાટણ તરફ ચાલતી પકડવાની. અંતે જરાના તિરથી વિંધાઈને કાળચક્ર પૂરું કરવાવું. તમને કોઈ પૂછે નહીં, તમને કોઈ બોલાવે નહીં, તમારી જરૂરિયાત વિશે કોઈ વાત ન કરે. તેમ છતાં તમારે સદાય હસતા ચહેરે લોકોને ખુશ રાખવાના, ચમત્કારો કરવાના અને સચરાચરનો ઉદ્ધાર કરવાનો. આ બધું જ થવા છતાં જો કૃષ્ણના જીવન ઉપર નજર કરો તો એમ લાગે કે આ માણસ સતત સતરંગી જીવન જીવ્યો છે, ખૂબ જ પ્લેફૂલ જીવન જીવ્યો. 

કૃષ્ણ એટલે આજની ઈન્સ્ટાજનરેશન માટે ખરેખર સાચો ઈન્ફ્લ્યુઅન્સર છે. પ્લેફૂલ અને સોલફુલ જીવન જીવવાની જડિબુટ્ટી આપનારો સાચો ઈન્ફલ્યુઅન્સ છે. તેની પાસે ઈટરનલ પાવર છે જે એટેચમેન્ટ, એન્ચાન્ટમેન્ટ, એમ્પાવરમેન્ટ, એન્જોયમેન્ટ તથા એન્ટરટેઈન્મેન્ટની ફિલિંગ છે. આ બધાની વચ્ચે તે ડિટેચમેન્ટને પણ સારી રીતે જાણે છે અને તેનું આજીવન પાલન કરીને સતત માઈગ્રેશન કરતો રહ્યો છે. અંતે એટલું જ કહી શકાય કે, ભલે પોતાના હોઠ ઉપર ફાંસ વાગતી પણ વિશ્વને તો વાંસળીના સૂર જ સંભળાવવા જોઈએ. આવી માર્વેલસ જિંદગી જીવનારો માણસ એટલે મેઘધનુષી માધવ.   


Google NewsGoogle News