'અમૃતસંજીવની' મંત્ર .
- સત્યના પ્રભાવથી ભગવાન શિવ સ્વયં ભક્તને મૃત્યુના સૂક્ષ્મ બંધનથી મૂક્ત કરી દે છે. કેમ કે એ જ બંધન અને મોક્ષ આપનારા છે
ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક આધ્યાત્મિકક્ષેત્રે સાધક માટે શાસ્ત્રોમાં કેટલાક મંત્રો નિશ્ચિત કરવામાં આવ્યા છે. જેવા કે - ઁ ત્ર્યમ્બકં યજા મહે સુગન્ધિં પુષ્ટવર્ધનમ્ ઉર્વારૃકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીયમાં મૃતાત્ ... ઁ નમઃ શિવાય.. ઁ ભૂર્ભવઃ સ્વઃ તત્સત્યતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિધિયોયોનઃ પ્રચોદયાત્ ... શ્રીરામ જય રામ જય જય રામ...હરે રામ હરે રામ રામ રામ હરે હરે... હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે..શ્રીકૃષ્ણ શરણં મમ ... ઁ નમો ભગવતે વાસુ દેવાય.. શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ વગેરે...
આમાં ઁ ત્ર્યંમ્બકે યજામહે.. આ મહામંત્રની બે વિશિષ્ટતાઓ છે. પહેલી વિશિષ્ટતા એ છે કે મહામંત્રના જાપ મરણાસન્ન મનુષ્યને કષ્ટયુક્ત વેદનાયુક્ત શરીરથી છૂટકારો આપે છે અને બીજી વિશિષ્ટતામાં દુરસ્ત વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો
લાવે છે.
'શિવપુરાણ'ના આધારે શિવના આ મહા મૃત્યુંજય મંત્ર ઉપર ચિંતન - મનન કરીએ.
પ્રથમ ચરણ 'ત્ર્યંમ્બકં યજામહે' - અમે ભગવાન ત્ર્યંબકનું યજન (આરાધન) કરીએ છીએ ત્ર્યંમ્બકનો અર્થ છે - ત્રણે લોકના પિતા પ્રભાવશાળી શિવ. તે ભગવાન સૂર્ય, સોમ અને અગ્નિ ત્રણે મંડળોના પિતા છે. સત્ય, રજ અને તમ ત્રણે ગુણોના મહેશ્વર છે. આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વ આ ત્રણે તત્વોના અહવનીય, ગાર્હ પત્યે અને દક્ષિણાગ્નિ એ ત્રણે અગ્નિઓના સર્વત્ર ઉપલબ્ધ થનાર પૃથ્વી, જળ અને તેજ આ ત્રણે મૂર્ત ભૂતોના ત્રિધાભૂત સર્વત્ર બ્રહ્મા, વિષ્ણું અને શિવ ત્રણે દેવતાઓના મહાન ઇશ્વર મહાદેવ જ છે.
મંત્રનું દ્વિતીય ચરણ 'સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્' જેવી રીતે ફૂલોમાં ઉત્તમ સુગંધ હોય છે એવી જ રીતે તે ભગવાન શિવ સંપૂર્ણ ભૂતોમાં ત્રણે ગુણોમાં સમસ્ત કૃત્યોમાં, ઇન્દ્રિયોમાં, અનાન્ય દેવોમાં અને ગણોમાં એમના પ્રકાશક સારભૂત આત્મારૃપે વ્યાપ્ત છે. એટલે સુગંધયુક્ત અને સંપૂર્ણ દેવતાઓના ઇશ્વર છે. હવે 'પુષ્ટિવર્ધનમ્' નો અર્થ છે કે એ અંતર્યામી પુરુષ શિવથી પ્રકૃતિનું પોષણ થાય છે - મહત્વથી લઇને વિશેષપર્યત સંપૂર્ણ વિકલ્પોની પુષ્ટિ થાય છે. તથા બ્રહ્માનું, વિષ્ણુનું, મુનિઓનું અને ઇન્દ્રિયો સહિત દેવતાઓનું પણ પોષણ થાય છે, એટલે જ એ જ 'પુષ્ટિવર્ધન' છે. મંત્રના ત્રીજા અને ચોથા ચરણ -'ઉર્વારૃકમિ વ બન્ધુનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત' માં કહેવાય છે. 'હે પ્રભો! જેવી રીતે તડબૂચ પાકી જાય છે કે તરંત લતાબંધનથી છુટ્ટી જાય છે. એવી જ રીતે હું મૃત્યુરૃપ બંધનથી મૂક્ત થઇ જાઉં. અમૃતપદ મોક્ષથી પૃથક ન થાઉ. એ રૃદ્રદેવ અમૃત સ્વરૃપ છે, જે પૂર્ણ કર્મથી, તપસ્યાથી, સ્વાધ્યાયથી, યોગથી અથવા ધ્યાનથી એમની આરાધના કરે છે. એને નૂતન જીવન પ્રાપ્ત થાય છે. આ સત્યના પ્રભાવથી ભગવાન શિવ સ્વયં જ પોતાના ભક્તને મૃત્યુના સૂક્ષ્મ બંધનથી મૂક્ત કરી દે છે. કેમ કે એ ભગવાન જ બંધન અને મોક્ષ આપનારા છે. ઠીક એવી જ રીતે 'ઉર્વારૃક' અર્થાત્ કાકડીનો વેલો પોતાના ફળને જાતે જ લતાના બંધનમાં બાંધી રાખે છે અને પાકી જાય ત્યારે સ્વયં જ એને બંધનથી મૂક્ત કરી દે છે. આ અમૃતસંજીવની મંત્ર છે, જે સર્વાત્તમ છે. પ્રેમપૂર્વક નિયમથી ભગવાન શિવનું સ્મરણ કરતા કરતાં આ મંત્રનો જાપ કરવો અતિહિતાવહ છે આથી ક્યાંય પણ ભય રહેતો નથી કે થતો નથી. મનુષ્ય જીવાત્મા નિર્ભય બને છે.
ઁ નમઃ શિવાય
- હરસુખલાલ સી. વ્યાસ