હરિના હજાર નામમાંથી શ્રીકૃષ્ણનું એક નામ છે 'રણછોડ'
ધ ર્મ કે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા ધાર્મિક ગ્રંથોના કથા પ્રસંગો પર જો ચિંતન મનન કરવામાં ન આવે અને મેળવેલા જ્ઞાાનને તર્ક તથ્ય અને પ્રમાણથી કસવામાં ન આવે તો એના ઋષિ સર્જકે જે મૂળ ઉદ્દેશ્યથી સર્જન કરેલું સત્ય છે, એ સત્ય હાથમાં આવતુ નથી. કારણ કે આવું જ્ઞાાન કર્ણોપકર્ણ વિસ્તરતું હોવાથી એમા શ્રવણ કરનાર વ્યક્તિનું અજ્ઞાાન, અધુરુ જ્ઞાાન, ગેરસમજ કે વ્યક્તિની અંગત માન્યતાઓનો પક્ષપાતએ જ્ઞાાનમાં ઉમેરાઇ જવાની સંભાવનારહેતી હોય છે. ઉદા. તરીકે ગીતાજીના અઢારમાં અધ્યાયના શ્લોક ૬૬માં કહ્યું છે.
સર્વધર્માન્પરિત્યજય મામેકં શરણં વ્રજ....
કેટલાક શ્રોતાઓ આ શ્લોકમાં 'ધર્મ'નો અર્થ 'ધાર્મિક' કે 'સંપ્રદાય'ના અર્થમાં કરે છે, જ્યારે અહિ 'ધર્મ'નો અર્થ 'ફરજ', 'કર્તવ્ય' કે 'ડયુટી' એવો થાય છે. બીજા ઉદા.માં જોઇએ તો આપણે ત્યાં એક ખૂબ જ પ્રસિદ્ધ કીર્તન છે. 'હરિ તારા નામ છે હજાર, કીયા નામે લખવી કંકોતરી'..મુજબ હરિના હજાર નામમાંથી શ્રીકૃષ્ણનું એક નામ છે. 'રણછોડ'
'રણ' શબ્દનો અર્થ છે, 'યુદ્ધનું મેદાન' અને 'છોડ' એટલે 'છોડવું', 'ત્યજવું' કે 'ત્યાગ કરવો' એટલે કે 'યુદ્ધનું મેદાન છોડી જવું' આવો અર્થ થાય. આવો શબ્દ પ્રયોગ તો બીકણ, કાયર, ડરપોક કે ના હિંમત વ્યક્તિ માટે વપરાય છે. આપણે શ્રીકૃણના જીવન વન વિશે થોડું વિચારીશું - ચિંતન મનન કરીશું તો જણાય છે કે કંસ જેવા મહાપરાક્રમી અને ક્રુર રાજાનો શ્રીકૃષ્ણે વધ કર્યો, ગોવર્ધન પર્વત ઊંચક્યો, ભયાનક ઝેરી કાલી નાગને વશ કર્યો એટલું જ નહિ મહાભારતનું મહાભયંકર યુદ્ધ એકલે હાથે પાંડવોને જીતાડયું. ઉપરાંત જે શ્રીકૃષ્ણ કૌરવોની સભામાં નિર્ભયતાથી જઇ પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવી દુર્યોધન જેવા દુષ્ટને ભયભીત કરી શકે અને જેણે શકટાસૂર, વત્સાસૂર, ધેનુકાસૂર, પ્રલંબાસૂર, અધાસૂર, તૃણાવર્ત જેવા મહામાયાવી રાક્ષસોને હણી, પૂતના ચાણૂર અને મુષ્ટિક મલ્લ તથા કુવલયા પીડ હાથીનો વધ કરવા જેવા અતિ અદ્ભૂત પરાક્રમ કરનાર શ્રીકૃષ્ણ, જરાસંઘ જેવા રાજાથી ડરીને રણનું મેદાન - મથુરા છોડી દ્વારકા સ્થળાંતર કરી કાયરતા બતાવે એ ત્રણે લોકમાં કોઇ કાળે ગળે ઉતરે એવી વાત નથી !
સમાધાન તો એવું આપવામાં આવે છે કે મથુરાવાસી લોકોનું સંરક્ષણ કરવા શ્રીકૃષ્ણે મથુરાનો ત્યાગ કર્યો. પરંતુ આ તર્ક પણ અધુરો છે. કારણ કે સત્તર સત્તર વખત જરાસંઘ સાથે થયેલા યુદ્ધ વખતે આ તર્કનો વિચાર થયો નથી.
શ્રીકૃષ્ણના 'રણછોડ' નામની સાર્થકતાને સમજાવતા વેદ વ્યાસજીએ પોતાના ગ્રંથ 'હરિવંશ મહાપુરાણ' માં આ નામનું સત્ય અને સચોટ સમાધાન કર્યું છે. આપણે આત્મસાત કરીએ.
રાજા પરીક્ષિતના પુત્ર જનમેજ્યે ઋષિ વેશમ પાયનને પ્રશ્ન પૂછયો હતો કે, 'શ્રીકૃષ્ણ જરાસંઘ સામે યુદ્ધ કર્યા વિના જ મથુરાનો ત્યાગ કરી દૂર કેમ ખસી ગયા?'
સવાલના સમાધાન રૂપે વૈશમ પાયને જનમેજ્યને જણાવ્યું હતું કે, જરાસંઘ, બૃહદ્રથનો પુત્ર અને મગધ દેશનો રાજા હતો. ભગવાન શ્રીકૃષ્ણે જરાસંઘના જમાઇ કંસનો વધ કર્યો આથી કંસવધનો બદલો લેવા એણે મથુરા પર આક્રમણ કર્યું. એક વખત નહિ પરંતુ સત્તર સત્તર વખત જરાસંઘ મથુરા પર ચડાઇ કરી. આમ છતાં તે કૃષ્ણ કે મથુરાને પરાજીત કરી શક્યો નહિ. મથુરાના યાદવોએ દરેક વખતે મહામ હેનતે પણ જરાસંઘને હરાવ્યો. છેલ્લે મથુરાને જીતવા તેણે યુક્તિપૂર્વક કાલયવનને પોતાના પક્ષમાં સામેલ કર્યો અને વીસ અક્ષૌહિણી સેના સાથે જરાસંઘ અઢારમી વખત મથુરા પર ચડી આવ્યો.
આ કાલયવન એટલે ગાર્યમુનીનો પુત્ર. ગાર્ગ્ય મુનીએ પુત્રની પ્રાપ્તિની ઇચ્છાથી શિવજીનું અતિશય દુષ્કર અને અત્યંત દારૂણ એવું ધોર તપ કર્યું. બાર વરસ સુધી કેવળ લોહચૂર્ણનો જ આહાર કરી રૂદ્રદેવનું આરાધન કર્યું. તપના પ્રભાવે શિવજીને સંતુષ્ટ અને પ્રસન્ન કરી તેણે શિવજી પાસે પુત્ર માગ્યો અને તે સાથે તેણે શંકર પાસે એમ પણ માગ્યું હતું કે, 'આપ મને જે પુત્ર આપો તે મથુરા વાસી કોઇ પણ મનુષ્યથી મારી શકાય નહિ એવો હોવો જોઈએ.' ગાર્ગ્ય મુનીએ આવા પુત્રનું વરદાન માગ્યું ત્યારે રૂદ્રદેવે 'ષ્ંઋક્રજીભળ્ - ભલે એમ થાઓ.' એમ કહી વરદાન આપ્યું હતું. ગાર્ગ્યઋષિનો આ પુત્ર એટલે કાલયવન.
બીજી તરફ મધુસૂદન - શ્રીકૃષ્ણે પણ ગાર્ગ્ય મુનીએ શિવજી પાસેથી મેળવેલું આ વરદાન નારદમુની પાસેથી જાણી લીધું હતું.
કાલયવન રૂદ્રદેવના વરદાનથી ઉત્પન્ન થયેલો હોઇ મથુરાવાસી કોઇનાથી પણ મારી શકાય તેવો નહોતો. શ્રીકૃષ્ણ મહાપરાક્રમી અને બળવાન હોવા છતાં તે પણ મથુરાના પ્રદેશમાં જ ઉત્પન્ન થયા હતા તેથી શિવજીના વરદાનને માન આપી એજ વરદાનને સત્ય સિદ્ધ કરવા શ્રીકૃષ્ણે મથુરાનો ત્યાગ કરી રણછોડનું બિરૂદ સ્વીકાદ્વારકામાં વસવાટ કરવાનો નિર્ણય કર્યો હતો.
- હરસુખલાલ સી. વ્યાસ