આમીશ : સાત્વિક જીવનશૈલી અને વિશિષ્ટ ધર્મ પાળતી અનોખી પ્રજા
- પ્રભાતના પુષ્પો- ગુણવંત બરવાળિયા
- આમીશ લોકો બાળકોને શિક્ષણ આપવામાં માને છે, પરંતુ માત્ર આઠ ધોરણ સુધી શિક્ષણ સરકારી શાળામાં નહીં પણ પોતે સ્થાપેલી શાળા આપે છે. સાદગી એ આમીશ લોકોના જીવનનું મહત્ત્વપૂર્ણ અંગ છે.
૧૫ મી સદીના ઉત્તરાર્ધ પાસે આસપાસ યુરોપમાં ધાર્મિક પરિવર્તનનું વાતાવરણ ઉગ્ર અને ઝનૂની બની ચૂક્યું હતું. વિશ્વના કેટલાંક રાજ્યો તેમાંય ખાસ તો ફ્રાન્સ, સ્વિત્ઝલેન્ડ, હોલેન્ડ, જર્મની, રશિયા અને યુરોપ જેવા દેશોમાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ વધી રહ્યું હતું. ધર્મગુરુઓ એ સમયના રાજા કરતાં પણ વધુ શક્તિશાળી બની ગયા હતા. આવા સમયે ખ્રિસ્તી ધર્મના નાના સમુદાયોની વિચાધારા, સ્થાપિત ધર્મગુરુઓને અનુરૂપ ન હોવાથી આમીશ લોકો તેના નાના સમુદાય પર દાયકાઓ સુધી તેના પર હિંસક હુમલા ને અત્યાચારો થતા રહ્યા.
પેન્સિલવેનિયામાં એ સમયે વિલિયમપેન નામનો સુધારાવાદી પરોપકારી વગ ધરાવતો પ્રભાવી માણસ હતો. લેન્કેસ્ટર જેવા પ્રદેશમાં આમીશ પ્રજાને મફતમાં જમની મળી અને ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા મળતાં સત્તરમી સદીમાં તેમણે અમેરિકામાં સ્થળાંતર કર્યું. અમેરિકાના પેન્સિલવેનિયા અને કેનેડાના મોન્ટેરિયામાં તેઓ છૂટાછવાયા વસે છે. તેમની વસતી ત્રણ લાખની છે.
અદ્યતન ટેક્નોલોજીવાળા ધનાઢય દેશમાં તેઓ ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરતા નથી. ખેતીકામ માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. ઘોડાનો ઉપયોગ ખેતીમાં થાય છે. એકવીસમી સદીમાં આવું નૈસર્ગિક જીવન જીવતી આ પ્રજા વિશિષ્ટ રીતે ધર્મનું પાલન કરે છે. ધર્મમાં આડંબર, બાહ્ય દેખાવ કે કર્મકાંડને બદલે ભાઈચારો ને એકબીજાને પ્રેમથી મદદ કરવમાની ભાવાને પ્રાધાન્ય આપે છે. સરકારી યોજનાની મદદ લેતા નથી તેથી ટેક્ષ ભરવામાં મુક્તિ મળે છે. બેંકલોન લઈને ખરીદી કરતા નથી. ક્રેડિટકાર્ડ ઉપયોગ કરતા નથી. આ પ્રજાને માથે કોઈ દેવું હોતું નથી. અહીં ધુમ્રપાન અને મદ્યપાનનો નિષેધ છે. સોળ વર્ષની ઉંમરે છોકરા-છોકરીને 'ડેટીંગ' માટેની મંજુરી મળે છે. ૨૦ વર્ષે લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે. છૂટાછેડા પર પ્રતિબંધ છે. પત્ની ગુજરી જાય તો પુનઃલગ્ન લઈ શકે. લગનની વિધિ સાદી, વીંટી પહેરાવી ફૂલનો ગુચ્છો આપી લગ્ન થાય. કેટરીંગ, ફોટોગ્રાફી, ભભકો - ડેકોરેશન વગેરે ખર્ચાળ વસ્તુને મહત્વ આપવામાં આવતું નથી. અપરાધીને ક્ષમા કરવી, ક્ષમાપનાને ધર્મનું એક અગત્યનું અંગ ગણે છે.
કૌટુંબિક જીવનમાં 'વહેલા સુઈ વહેલા ઊઠવું' એ નિયમમાં આમીશ લોકો માને છે. પ્રજા મહેનતુ હોવાથી સવારે સાડા પાંચ વાગે કામ શરૂ કરે છે. સવારે ૪.૪૫ વાગે ઊઠવું ને રાત્રે નવ વાગે સૂવું એવો સામાન્ય ક્રમ હોય છે. આમીશનું ખેતર સરેરાશ ૪૦... એકરનું હોય છે. એમાં એમનું ઘર હોય, આંખને ઠારે એવાં લીલાછમ હરિયાળાં ખેતરો હોય, પશુ હોય, ટ્રેક્ટર, ઘોડાગાડી ટાઈપની બગી હોય અને ઊંચા મિનારા જેવા સીલો જીૈર્ઙ્મ હોય, જેમાં અનાજના દાણા અને પશુઓ માટે ગોચર રાખવામાં આવે છે. એ લોકોના ફાર્મમાં ૪૦ જેટલી ગાયો હોય, તમાકું મકાઈ, શાકભાજી, ફળો વગેરેથી આવકનાં સાધનો તેઓ ઊભાં કરે છે. તેઓની વાર્ષિક આવક ૧,૨૫,૦૦૦ ડોલર જેટલી માનવામાં આવે છે. બાળકો સાથે આમીશ પરિવારનો ખાવા-પીવાનો, પહેરવેશ તથા અન્ય ઘરખર્ચ અંદાજે માસિક ૬ થી ૮ હજાર ડોલરનો છે. તેમની સાદી જીવનશૈલીને આ આભારી છે. અમેરિકન લોકોની સરખામણીમાં આમીશ લોકોમાં હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ ઓછું છે. એ કારણે આમીશ લોકોનું આયુષ્ય પણ સરેરાશ અમેરિકન કરતાં વધારે જોવા મળે છે. મોહક પ્રલોભનોને કારણે તેઓ બહારની દુનિયા સાથે સંપર્કમાં રહેવાનું ટાળે છે. તેઓ સંતતીનિયમમાં માનતા ન હોવાને કારણે સમગ્ર પરિવારમાં ૧૦ થી ૫૦ બાળકો હોય એ સહજ છે. એમને માટે સમાજ અને પરિવાર સૌથી મહત્વનાં છે. પરિવારમાં પુરુષ ખેતીનું કામ કરે છે અને સ્ત્રી ઘરકામ સંભાળે છે. ઘરમાં જર્મન અને અંગ્રેજી ભાષાનો વપરાશ હોય છે. સ્ત્રી બ્લૂ રંગનો ડ્રેસ પહેરે છે, બ્લૂ રંગના કપડાથી માથું ઢાંકેલું હોય છે. પુરુષ કાળા રંગનું પાટલૂન, મરૂન રંગનંુ ખમીશ અને માથે હેટ એ પુરુષોનો મુખ્ય પોષાક છે.
આમીશ લોકો બાળકોને શિક્ષણ આપવામાં માને છે, પરંતુ માત્ર આઠ ધોરણ સુધી શિક્ષણ સરકારી શાળામાં નહીં પણ પોતે સ્થાપેલી શાળા આપે છે. સાદગી એ આમીશ લોકોના જીવનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. અંતિમસંસ્કારવિધિ પણ અત્યંત સાદાઈથી કરવામાં આવે છે, જેને ત્યાં મૃત્યુ થયું હોય એને ત્યાં આ વિધિ કરવામાં આવે છે. લાકડાની શબવાહિની સાદી અને જાતે બનાવેલી હોય છે. શબને દફનાવવાની અંતિમ વિધિ મૃત્યુના ત્રણ દિવસ પછી કરવામાં આવે છે. આ નાના સમૂહની પ્રજા ધર્મના નિયમોની વિશિષ્ટતા સાથે સાત્વિક જીવનશૈલીથી જીવન વ્યતિત કરી રહી છે.