અમેરિકાનું અતુલનીય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામ
- પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સંકલ્પે અને પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં સાકાર થયેલું આ અક્ષરધામ મહામંદિર એક હજાર વર્ષ ટકી રહે એ રીતે તેનું નિર્માણ થયું છે.
બી. એ.પી.એસ.નું નવલું અને નજરાણું એટલે રોબીન્સવીલ, ન્યૂજર્સી, યુ.એસ.એ. ખાતે રચાયેલું સ્વામિનારાયણ અક્ષરધામ. આ મહામંદિર અમેરિકાની સ્કાયલાઈનમાં એક નવી આઈકોનિક અજાયબી બનીને સનાતન હિન્દુ ધર્મની ગૌરવધજા ફરકાવી રહ્યું છે.
કંબોડીયાનું અંગકોરવાટ વિશ્વનું સૌથી મોટું મંદિર છે. આ બીજા નંબરનું સૌથી મોટું મંદિર છે. મોડર્ન યુગમાં બનેલું મંદિર ગણીએ તો આ સૌથી મોટું છે. અહીં કલા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ છે. આ કલાત્મક મહામંદિર સનાતન હિન્દુ ધર્મ અને સ્વામિનારાયણીય અસ્મિતાનો જયનાદ કરી રહ્યું છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સંકલ્પે અને પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં સાકાર થયેલું આ અક્ષરધામ મહામંદિર એક હજાર વર્ષ ટકી રહે એ રીતે તેનું નિર્માણ થયું છે. ૧૮૩ એકર ભુમિમાં ફેલાયેલું, ૧૯૧ ફુટ - આશરે ૨૦ માળની ઊંચાઈ ધરાવતું અને વીસ લાખ ઘનફૂટ પથ્થરથી સર્જાયેલું અક્ષરધામ હજારો વર્ષોની પ્રેરણાદાયી ભારતીય હિન્દુ સંસ્કૃતિનો જયજયકાર કરે છે.
અમેરિકાની ધરતી પર મહોંરી ઉઠેલા આ અક્ષરધામની વિશેષતા જોઈએ તો એમાં નવ શિખર, નવ મહામંડપમ્ અને નવ સામરણ છે. અહીં ભગવાન શ્રી શિવ-પાર્વતી-કાર્તિકેયજી-ગણેશજી, તિરૂપતિ બાલાજી, પદમાવતી, ભગવાન શ્રીરામ-સીતાજી-લક્ષ્મણજી-હનુમાનજી-શ્રીકૃષ્ણ-રાધાજી, ભગવાન સ્વામિનારાયણ તથા એમની ગુરૂપરંપરા ઉપરાંત દસ હજાર મૂર્તિ અને શિલ્પો, ભવ્ય ગુંબજ, ૧૫૧ ભારતીય વાદ્ય સંગીત સાધનો તેમજ ૧૦૮ જેટલા પરંપરાગત ભારતીય નૃત્ય સ્વરૂપોને નયનરમ્ય શિલ્પ દ્વારા રજૂ કરાયા છે.
અક્ષરધામ પરિસરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના તપોમય કિશોરસ્વરૂપ શ્રી નીલકંઠવર્ણી મહારાજની ૪૯ ફુટ ઊંચી મૂર્તિ દર્શનીય બની રહે છે. નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિની પાસે મનમોહક ફુવારાથી સુશોભિત બ્રહ્મકુંડમાં ભારતની ૩૦૦ થી વધુ પવિત્ર નદીઓ તેમજ અમેરિકાના ૫૦ રાજ્યોમાંથી લાવવામાં આવેલા જળ ખળખળ વહે છે. મંદિર નજીક મંડપમાં ભવ્ય પ્રાર્થના હોલ છે. જ્યાં એક સાથે ૧૦૦૦ થી પણ વધુ ભક્તો બેસીને ભગવાનની ભક્તિ કરી શકે છે. અક્ષરધામ સંકુલમાં પરંપરાગત હવેલી શૈલીના વેલકમ સેન્ટરનો કલાકોતરણીનો વૈભવ બેનમુન છે. જ્યાં ૨૭૦૦ દીપકોનો ઝળહળાટ ચિત્તાકર્ષક બની રહે છે. અહીં શાયોના કાફેમાં મુલાકાતીઓને શુધ્ધ સાત્વિક - સ્વાદિષ્ટ ભોજન પણ મળી રહે છે.
પૂ.સંતો અને અમેરિકાના સમર્પિત સાડાબાર હજાર મહિલા-પુરૂષ સ્વયંસેવકોના શ્રમદાનથી જિગ્સો પઝલની જેમ આ મંદિરનું સર્જન થયું છે. આ અલૌકિક અક્ષરધામ-શ્રધ્ધાધામમાં ૧૮ વર્ષના યુવાનથી લઈને ૬૦ વર્ષથી વધુની ઊંમરના દરેકે યોગદાન આપ્યુ છે. જેમાં વિદ્યાર્થી, કંપનીના સી.ઈ.ઓ., ડોક્ટર, એન્જીનીયર અને આર્કિટેક પણ સામેલ છે. સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવાભાવનાએ મુલાકાતીઓમાં અનેરી મહેંક પ્રસરાવી છે.
આ લેખ લખનારે અમેરિકા જઈ પ્રત્યક્ષ સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી છે પછી અનુભવ-અનુભૂતિના આધારે કલમના માધ્યમથી અક્ષરધામની વિશેષતા-ઉત્કૃષ્ટતા લખી છે. અક્ષરધામનાં કોઠારી સંત પૂજ્ય નીલકંઠસેવાદાસ સ્વામીના સહયોગથી મીડીયા વિભાગના સંયોજક શ્રી લેનિનભાઈ જોષીએ અમારી સાથે રહી અક્ષરધામ સંકુલની સુંદર માહિતી આપી હતી.
- કિશોર ગજ્જર