જમાલપુરમાં કમાલ "બાપજી મહારાજ"ના નામે માલામાલ
- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
- અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં "બાપજી મહારાજ"ના હુલામણા નામે જૈન જગતના પ્રસિદ્ધ જૈનાચાર્ય વિજય સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજાની સમાધિભૂમિ છે. પચાસ વર્ષથી વધુ પ્રાચીન આ સમાધિ ભૂમિ અતિશય ચમત્કારી છે.
'આમ સવારના પહોરમાં ક્યાં ચાલ્યા ?'
'મોર્િંનગ વોક નથી કરતા તો ક્યાં જઈ રહ્યા છો ?'
'અરે, આમ ઊઘાડા પગે ચાલો છો, તો કયા સ્થાને જાઓ છો ?'
'આ સાધુ-સાધ્વીજીની સાથે ક્યાં દર્શન કરવા પધારો છો ?'
'આજે આટલા બધા સાથે જાઓ છો, ક્યાં ?'
'એ ય છોકરા, આજે સ્કૂલના બદલે ક્યાં જવાનો પ્લાન છે ?'
'આટલા વહેલા ? હજી તો ઘણું અંધારું છું ? ક્યાં ચાલ્યા ?'
'અરે, અત્યારે તો રાત પડી, આમ ક્યાં જાય છે ?'
'આ આટલા બધાં માણસો ક્યાં જઈ રહ્યા છે ? હમણાં કોઈ વિશેષ દિવસ પણ નથી.'
આવા અનેકાનેક પ્રશ્નો અનેક વ્યક્તિઓના મોંએ અનેક જીવોને સાંભળવા મળે છે અને આ બધાં જ પ્રશ્નોનો જવાબ પ્રાય: એક જ હોય છે.
આ જવાબ છે - 'બાપજી મહારાજના દર્શન કરવા.'
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં "બાપજી મહારાજ"ના હુલામણા નામે જૈન જગતના પ્રસિદ્ધ જૈનાચાર્ય વિજય સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજાની સમાધિભૂમિ છે. પચાસ વર્ષથી વધુ પ્રાચીન આ સમાધિ ભૂમિ અતિશય ચમત્કારી છે.
અહીં દર ગુરૂવારે ભાવિક ભક્તો પોતાની ભાવના-આસ્થા સાથે લઈને આવે છે. દૂર-દૂરથી લોકો પગે ચાલીને અહીં આવે છે. એ પણ ઊઘાડા પગે...
પતિ-પત્ની આવે, છોકરાઓ આવે, વેપારીઓ આવે, નોકરીયાત વર્ગ આવે, સાધુ-સાધ્વીજીઓ આવે.
કોઈ ભક્તિથી આવે. કોઈ શક્તિ મેળવવા આવે. કોઈ શાંતિ માટે આવે. કોઈ ભૌતિક્તા માટે આવે. કોઈ આધ્યાત્મિક ઊર્જા માટે આવે.
દર ગુરૂવારે અહીં મેળો જામે. 'બાપજી મહારાજ'ની સમાધિભૂમિના દર્શન કરે. વંદન કરે. પ્રદક્ષિણા આવે. ગુણ કીર્તન કરે. કાઉસ્સગ્ગ-ધ્યાન ધરે. પોત-પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરે.અમદાવાદના જમાલપુરની આ કમાલ સુરતમાં પાલમાં પણ ચાલુ છે અને મુંબઈમાં ગોરેગામમાં પણ આ નામ ગાજી ઊઠયું છે. તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૪ ગુરૂવારના રોજ સમસ્ત મુંબઈમાં સર્વપ્રથમ જે ગુરૂદેવનું મંદિર પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યું છે, ગુરૂદેવનો આવો નવ્ય-ભવ્ય ચમત્કાર સર્જાઈ રહ્યો છે. તેની પાછળ રહસ્ય છે. તે પૂજ્યશ્રીનું સિદ્ધિ-પ્રસિદ્ધિભર્યું જીવન.
અમદાવાદમાં જ વિ.સં. ૧૯૧૫ શ્રાવણ સુદ-૧૫ (રક્ષાબંધન)ના દિવસે જન્મ પામેલા પૂજ્યશ્રી નાનપણથી ધર્મના સંસ્કારવાળા હતા. માતા ઉજમબાઈ અને પિતા મનસુખલાલના ઘરે ચુનીલાલ નામે જન્મેલા પૂજ્યશ્રી તે સમયની પ્રસિદ્ધ પાઠશાળા 'સુબાજી રવચંદ'માં ભણ્યા હતા.
પૂર્વજન્મની સાધના સાથે આ અવનિ પર અવતરેલા આ પૂજ્યશ્રી જન્મજાત વૈરાગી હતા. છતાં માતા-પિતાની ઈચ્છાને માન આપીને ચંદનબેન નામે કુમારી સાથે લગ્નગ્રંથિથી જોડાય.
પરિવારની કડકાઈ વચ્ચે પણ પતિની ઈચ્છાને અનુસરનારી ચંદનાએ પતિના વૈરાગ્યને પૂરેપૂરો સહયોગ આપ્યો.
ઈસ્વીસન્ ૧૮૯૩માં અમેરિકાના ચિકાગોમાં ભરાયેલ સર્વપ્રથમ 'વિશ્વ ધર્મ સંમેલન'માં જેમને આગોતરું નોતરું મળેલું, એવા આત્મારામજી મહારાજ પૂજ્યશ્રીને 'છોટે ચાચા કહીને સંબોધતા હતા. એવા આ પૂજ્યશ્રી પોતાના ગુરૂ મહારાજ માણેવિજયજી દાદાની આજ્ઞાાનુસાર સુરતના રાંદેરમાં ખરતરગચ્છીય સાધુ શ્રી રત્નસાગરજી મહારાજની સેવામાં જોડાઈ ગયા હતા. દીક્ષાના પ્રથમ વર્ષે શરૂ કરેલી આ સેવા-સાધના લગાતાર આઠ વરસ સુધી ચાલી.
અભ્યાસકાળે વડોદરા નજીકના છાણી ગામે સ્થિરતા હતી. પણ વડોદરામાં રહેલા પંડિતજી રાજારામ શાસ્ત્રી પાસે દરરોજ છ માઈલ ચાલને જતાં અને પાછા આવીને બધી સેવા પણ કરતાં.
૭૨ વર્ષની ઊંમરે આવી ઊભેલા પૂજ્યશ્રીએ 'વરસીતપ' નામે તપશ્ચર્યામાં ઝંપલાવ્યું. એક વરસ સુધી એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિઆસણું (બે ટાઈમ જમવાનું) કરવાવાળો આ વરસીતપ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખ્યો. અર્થાત્ ૩૩ વરસ સુધી સળંગ વરસીતપ આદર્યો.
૧૦૫ વરસની દીર્ઘ ઊંમર ધરાવતા પૂજ્યશ્રીએ ૧૦૫ ડીગ્રી તાવમાં પણ વરસીતપ છોડવાની ભાવના નથી રાખી.
પ્રસિદ્ધ માતરતીર્થનો જિર્ણોદ્ધાર કરાવનારા પૂજ્યશ્રીના અંતિમ દર્શન સમયે અમદાવાદમાં બે લાખ માણસો ઊમટયા હતા. અને એમની પાલખીયાત્રામાં તે સમયે ૫૦ હજાર માણસો પગે ચાલીને જોડાયા હતા.
આવી અદ્ભુત સેવા-સાધના, તપ-સાધના અને જ્ઞાાન-સાધનાથી પવિત્ર આત્માની આ સમાધિભૂમિની નવી આવૃત્તિ મુંબઈ-ગોરેગામમાં સર્જાશે. જોગ-સંજોગે એ પણ પૂજ્યશ્રીના પ્રસિદ્ધ વાર ગુરૂવારે.
પ્રભાવના
'બાપજી મહારાજ'ની સામાચારીને સાચવીને સંયમ સાધાનામાં આગળ વધનારા ચાર સમુદાય છે. (૧) ઁકાર સૂરિ સમુદાય, (૨) કલાપૂર્ણસૂરિ સમુદાય, (૩) ભડંકર સૂરિ સમુદાય, (૪) બુદ્ધિ-તિલક-શાન્તિ-રાજેન્દ્રસૂરિ સમુદાય.
યોગાનુયોગ આ વરસે મુંબઈ મહાનગર મધ્યે આ ચારે સમુદાયના આચાર્ય ભગવંતો બિરાજમાન છે, જેઓશ્રીઓની નિશ્રામાં 'બાપજી મહારાજ'ના પ્રથમ ગુરૂમંદિરનો આ ભવ્ય પ્રતિષ્ઠા પ્રસંગ યોજાયો છે. સર્વ જીવોને સિદ્ધિ-પ્રસિદ્ધિ આપનારા પૂજ્યશ્રી સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજા સર્વત: સર્વકાળે સિદ્ધ-પ્રસિદ્ધ બનો, એ જ એકમાત્ર શુભાશા.