સર્વ જીવો પ્રભુના છે .
એક સંત, આમ તો ગૃહસ્થી જીવનવાળા, પત્ની-પુત્રો-પરિવાર સાથે રહે, પણ તેઓનું જીવન એવું ઉચ્ચ કક્ષાનું હતું, એટલે સૌ તેઓને સંત કહી બોલાવતા. દિન-રાત પ્રભુભક્તિ કરે. આમ તો વિશાળ ખેતર હતું, એટલે ખેતી સંભાળે. ખેતી દ્વારા પોતાનાં જીવનનો નિર્વાહ કરે.
એક દિવસ આખું ખેતર પાકથી ભરાઈ ગયું હતું. સંત વહેલી સવારે ખેતરની સંભાળ લેવા માટે નીકળી ગયા હતા. ખેતરમાં પાક ઘણો હતો, તેથી પશુ-પક્ષી આવીને નાશ કરે, તેવી સંભાવના હોવાથી દિન-રાત રખોપું કરવું પડતું. સંત સવારના ગયા, બપોરે થઈ તો પણ ભોજન માટે ન આવ્યા, સાંજ થઈ તો પણ ન આવ્યા, એટલે સાંજે પત્ની પોતે જ ખેતરે ગઈ. દૂરથી ખેતર જોયું તો આખું ખેતર પક્ષીઓથી ભરેલું હતું. ચકલી વિગેરે પક્ષીઓનો ચણ ચણતા મસ્ત ગાવાનો અવાજ આવી રહ્યો હતો. પત્નીએ ખેતરની પાસે આવી જોયું તો ગાય, ભેંસ વિગેરે અનેક પશુઓ પણ પાક ખાઈ રહ્યા હતા. સંત દેખાતા ન હતા. પત્ની હેબતાઈ ગઈ. ખેતરની વચોવચ ગઈ તો ઝાડ નીચે બેસીને સંત તો ગીતો ગાઈ રહ્યા હોય, તેવો અવાજ આવી રહ્યો હતો. આ જોઈ પત્ની સમસમી ગઈ. ધીમે પગલે ચાલતી ચાલતી પાછળથી ત્યાં પહોંચી. પાછળથી ગીત સાંભળ્યું તો ગીતનાં શબ્દો આવા હતાઃ
'રામ કી ચિડિયા, રામકા ખેત,
ખા લો ચિડિયા, ભરભર પેટ'
સમીપ આવી પત્ની ક્રોધિત થઈ ગઈ. તેણે સંતને પૂછયું : 'તમને ધ્યાન રાખવા માટે મોકલ્યા હતા. આ બધું શું છે ?'
સંતે પત્નીને હસતા હસતા મસ્ત જવાબ આપ્યો : 'હું પ્રભુનો... આ ખેતર પણ પ્રભુનું... અને આ ચકલીઓ - ગાય - ભેંસ પણ પ્રભુનાં...' પત્ની કંઈ બોલવા જાય, ત્યાં સંત ધીરેથી બોલ્યાઃ 'તું તો ખોટી ક્રોધિત થાય છે. તને ખ્યાલ છે ? તું પણ પ્રભુની જ છે...! હવે આ ચકલીઓ, ગાય-ભેંસ ખાય તો તને ક્યાં વાંધો છે...? પત્નીને લાગ્યું કે હું નહીં, સંત સ્વયં પ્રભુ પાછળ ઘેલા છે. મેં મારા સ્વામીની આજ સુધી ભક્તિ નથી કરી, તેટલી તો આપણે એમના સ્વામીની ભક્તિ કરી છે!
- રાજ સંઘવી