આદૌ બ્રહ્મા મધ્યે વિષ્ણુ રંતે દેવ સદાશિવ । મૂર્તેત્રય સ્વરૂપાય, શ્રી દત્તાત્રય નમોસ્તુતે ।।
પ રબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ.
આ પૃથ્વી પર એમનું જીવન મૃદુ માનવતા અને અસીમ કરુણાની ગાથા છે. વિ.સં.૧૮૩૭ ને ચૈત્ર સુદ નવમીના શુભ દિને (૩ એપ્રિલ, સન ૧૭૮૧) અયોધ્યા પાસે, ઉત્તર ભારતના એક નાના ગામ - છપૈયામાં તેઓ પ્રગટ થયા.
બાળપણથી જ તેમણે પોતાની આધ્યાત્મિક શ્રેષ્ઠતાનો પરિચય કરાવ્યો. સાત વર્ષની નાની વયે તેમણે વેદો, ઉપનિષદો, ગીતા-ભાગવત તેમજ રામાયણ પર પૂરો અધિકાર મેળવ્યો. દસ વર્ષની નાની ઉંમરે કાશીમાં પંડિતો સાથે એમણે શસ્ત્રાર્થ કરીને નવ્ય વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું.
૧૧ વર્ષની સુકુમાર વયે તેમણે સંસારનો ત્યાગ કરી સાત વર્ષ સુધી સંપૂર્ણ ભારતમાં પદયાત્રા કરી અને ગુજરાતને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું.
૨૧ વર્ષની વયે તેઓએ આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી. હિંદુ સંસ્કૃતિના શાશ્વત મૂલ્યોને વ્યક્તિ-વ્યક્તિમાં સીંચવા તેમણે પ્રચંડ પુરુષાર્થ કર્યો. તેમના પાંચસો પરમહંસોએ એ માટે જીવન ન્યૌછાવર કર્યું.
તેમના સંમોહક દિવ્ય વ્યક્તિત્વે બધાં ક્ષેત્રોની શ્રેષ્ઠ વ્યક્તિઓને આકર્ષી પોતાના શિષ્યપદે સ્થાપી દીધી. લોકોએ પરબ્રહ્મના રૂપમાં એમની ઉપાસના કરી. તેઓએ દલિતો, ગરીબો, પછાત કોમ તથા પાપિષ્ઠો તરફ કરુણા કરીને માનવમાત્રની આધ્યાત્મિક સમાનતા પર ભાર દીધો. પોતાના સમર્પિત અનુયાયીઓ દ્વારા તેમણે સમાજમાં જબરજસ્ત શાંત ક્રાન્તિ કરી. તેમણે એવા સમાજની શુદ્ધિ કરી કે જે રાજનૈતિક દ્રષ્ટિએ ભ્રષ્ટ, સામાજિક દ્રષ્ટિએ છિન્ન-ભિન્ન અને આધ્યાત્મિક રૂપે કંગાળ હતો. તેમણે આધ્યાત્મિક મૂલ્યોના સિંચનથી, પ્રેમ અને અહિંસા દ્વારા સમાજને કુરીતિઓ, વ્યસનો, અંધશ્રદ્ધા તથા વહેમોથી મુક્ત કર્યો. જાતિ, સંપ્રદાય, રંગ અને દેશનો ભેદભાવ ભૂંસી તેમણે બધાને સ્વીકાર્યા અને અંતિમ મોક્ષની પદવી આપી.
છ ભવ્ય શિખરબદ્ધ મંદિર, અનેક શિક્ષાકેન્દ્ર અને વચનામૃત-શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથોનું પ્રદાન કરી ૪૯ વર્ષની નાની વયમાં તેમણે સ્થૂળ દેહનો ત્યાગ કર્યો, પરંતુ સૌને વચન આપ્યું કે બ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુપરંપરા દ્વારા તેઓ પૃથ્વી પર હંમેશાં વિરાજમાન રહેશે. પોતાના અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી પર રહેવાનું અખંડ અભય વચન આપ્યું.
ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના આધ્યાત્મિક અનુગામી પ્રગટ મહંત સ્વામી મહારાજ તેમણે આદેશેલા ધર્મોનું સાકાર મૂર્તિમાન રૂપ છે. ભગવાન સ્વામિનારાયણે પ્રગટાવેલી જ્યોતના એ સંતોષક, સંવર્ધક અને સંરક્ષક છે.