આદૌ બ્રહ્મા મધ્યે વિષ્ણુ રંતે દેવ સદાશિવ । મૂર્તેત્રય સ્વરૂપાય, શ્રી દત્તાત્રય નમોસ્તુતે ।।
(શ્રી દત્તજયંતિ - માગશર સુદ પૂનમ)
પ્રજાપિતા શ્રી બ્રહ્માજીના નેત્રમાંથી પ્રગટેલા શ્રી અત્રિમુનિ તથા સિધ્ધપુરના શ્રી કર્દમ ઋષિના પુત્રી અનસૂયાજીનો પવિત્ર આશ્રમ ચિત્રકૂટમાં મંદાકિની પાસે હતો. અનસૂયા મહાન પતિવ્રતા હતાં. એકવાર શ્રી નારદમુનિ તેઓના આશ્રમે પધાર્યા. તેમના પવિવ્રત ધર્મથી પ્રભાવિત થયા. હવે નારદજી જ્યાં જાય ત્યાં શ્રી અનસૂયાજીની ખબ પ્રશંસા કરવા લાગ્યા. એક વાર તેઓ બ્રહ્મલોકમાં સાવિત્રીજી પાસે વૈકુંઠમાં શ્રી લક્ષ્મીજી પાસે તથા કૈલાસ પર્વત ઉપર શ્રી પાર્વતીજી પાસે અનસૂયાજીના આતિથ્ય અને પતિવ્રત ધર્મના ખૂબ વખાણ કરી ગયા.
પરિણામે ત્રણે મહાદેવીઓ એકત્ર થઈને ચર્ચા કરવા લાગ્યા કે આપણે પણ પતિવ્રતા છીએ. તો શું પૃથ્વી ઉપરની એક ઋષિ પત્ની તે આપણા કરતા વિશેષ પતિવ્રતા કેવી રીતે ગણાય. ઈર્ષ્યા ભાવ આવેશમાં તેઓએ પોતાના પતિદેવોને માં અનસૂયાના પતિવ્રત ધર્મની પરીક્ષા લેવા મોકલ્યા. અત્રિમુની તપ કરવા પધાર્યા હતા. તેથી ત્રણે આગંતુક અતિથિ દેવોનું માં અનસૂયાએ સ્વાગત કરી વંદન કરતાં પૂછયું કે આપ ભિક્ષામાં શું ગ્રહણ કરશો ?
ત્યારે ત્રણે અતિથિઓએ જણાવ્યું કે અમે વસ્ત્ર વિના અર્પણ કરેલી ભિક્ષા સ્વીકારીએ છીએ. એક તરફ પરીક્ષાનું પેપર અઘરૂ હતુ, તો બીજી તરફ આતિથ્ય સત્કાર પણ જરૂરી હતો. તેથી માં અનસૂયાએ પતિવ્રત ધર્મનો પુણ્ય બળથી જળની અંજલિ છાંટીને ત્રણેને નાના બાળકો બનાવી દીધાં જે રડવા લાગ્યા. વારાફરતી ત્રણે બાળકોને ગોદમાં પધરાવી વાત્સલ્ય ભાવે હ્ય્દયના પ્રેમરસનું રસપાન કરાવી તેઓની ઈચ્છા મુજબની ભિક્ષા અર્પણ કરી પારણિયામાં ઝૂલાવ્યા. અત્રિમુનિને આશ્ચર્ય અને ગૌરવ થયું. બાદમાં ત્રણે દેવોએ ત્યાં પુત્રરૂપે અવતરવાનો સંકલ્પ કર્યો. બ્રહ્માજી દ્વારા ચંદ્ર, વિષ્ણુજી દ્વારા દત્ત ભગવાન તથા શિવજીના અંશથી ઋષિ દુર્વાસા માગશર સુદ પૂર્ણિમા એ પ્રગટ થયા જે દત્તાત્રય સ્વરૂપે પ્રસિધ્ધ થયા જેની આરાધના નર્મદા-રેવાના તટે નારેશ્વરના મહાન સંત શ્રી રંગ અવધૂત મહારાજે કરી. આજે પણ લાખો ભક્તો દત્ત બાવનીનું ગુંજન કરે છે એવા મહાસતી અનસૂયાજીને સૌના પુનિત પ્રણામ.ળ
- મુકેશભાઈ ભટ્ટ