આનંદ સાથે મૃત્યુનો સ્વીકાર
એ ક મહાન તત્ત્વચિંતક. વિચારધારા તેઓની ખૂબ જ ઉચ્ચ. કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ સકારાત્મક જ વિચારે. ત્યાંના રાજા આ સકારાત્મક વિચારધારાથી ખૂબ જ પ્રભાવિત હતા. ઘણીવાર રાજા પોતે તત્ત્વચિંતક પાસે આવતા, સત્સંગ કરતા, અને તત્ત્વજ્ઞાન મેળવતા.
એકવાર એ તત્ત્વચિંતકની પત્ની મૃત્યુ પામી. રાજાને સમાચાર મળ્યા. ખૂબ દુ:ખ થયું. રાજાએ સામેથી આશ્વાસન આપવા માટે જવાનો વિચાર કર્યો. ખૂબ જ ગંભીર ઉપદેશાત્મક શબ્દોમાં આશ્વાસન? આપવા માટે તૈયારી કરી. લાંબુ ભાષણ તૈયાર કર્યું. ઘણી છેકછાક કર્યા પછી ભાષણ સરસ તૈયાર થયું.
કાળા રંગના કપડાં પહેર્યા, કાળો ઘોડો અને કાળી બગીમાં બેસીને તત્ત્વચિંતકના ઘરે ગયા. સંધ્યાનો સમય હતો. તત્ત્વચિંતકના ગૃહાંગણે પહોંચ્યા, ત્યાં ઘણાં લોકો ભેગા થઈ ગયા. રાજાએ તત્ત્વચિંતકના ઘરે શોકગ્રસ્ત મુખ સાથે પ્રવેશ કર્યો, તો ત્યાંનું વાતાવરણ જોઈ રાજા વિસ્મયચકિત થઈ ગયા. તેઓ તો કાળા કપડાં પહેરીને અહીં શોક સંદેશ આપવા માટે આવ્યા હતા, પણ અહીં તો તત્ત્વચિંતક હાથમાં ખંજરી લઈને પોતાની પત્નીના દેહની આસ-પાસ જોર જોરથી ગીત ગાઈને નાંચતા હતા. રાજા શોક માટે આવ્યા હતા, પણ અહીંનું વાતાવરણ તો આનંદ હતું. રાજાને સમજ પડતી ન હતી કે સવારે તો પત્ની મૃત્યુ પામી છે, અને સાંજે આ ખંજરી લઈને નાચી રહ્યા છે !
રાજાએ નિખાલસતાથી પૂછી લીધું તો તત્ત્વચિંતકે સમજાવ્યું : 'જીવનપર્યંત મારી પત્નીએ મને ખૂબ આનંદમાં રાખ્યો. મારી ખૂબ સેવા કરી. સંપૂર્ણ જિંદગી અમે હળીમળીને આનંદપૂર્વક પસાર કરી. હવે વિદાયનો સમય આવ્યો તો હું શોક શા માટે કરું ? તેને તો હું આનંદ સાથે જ વિદાય આપું ને ! તેને હું શોક સાથે વિદાય આપું તો કેટલું દુ:ખ થાય !' તત્ત્વચિંતકે અંતમાં જે વાત કરી તેની અસર રાજાના મન ઉપર ખૂબ જ ગહન થઈ. તેમણે કહ્યું : 'તમે જે ઘોડાબગી લઈને આવ્યા છો. તેનો અકસ્માત થાય જ, તે જરૂરી નથી, તો તેના અકસ્માતના સમયે શોક થાય એ તો સમજાય પણ જીવ માત્રનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ આવવાનું જ છે, તો તેનું શોકથી શા માટે સ્વાગત કરવું ? આનંદથી સ્વાગત કરવું ! હવે હું નાચું, પત્નીને આનંદ સાથે વિદાય આપું તેમાં આશ્ચર્ય શા માટે ?
તત્ત્વચિંતકનો સકારાત્મક દ્રષ્ટિકોણ રાજાને સમજાયો, તેથી રાજાએ પણ નિર્ણય લીધો કે હવેથી મારા પણ કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો હું શોક સાથે નહીં પરંતુ આનંદ સાથે વિદાય આપીશ !
- રાજ સંઘવી