૫રમાત્મા ઉપર પરમ વિશ્વાસ .
હિ માલયની ગોદમાં એક વયોવૃદ્ધ સંત ચાર-પાંચ શિષ્યો સાથે નાનકડા આશ્રમમાં રહેતા. સંત જન્મજાત પ્રજ્ઞાાચક્ષુ હતા. તેમને શૈશવથી જ હિમાલય પ્રત્યે ખૂબ પ્રેમ હતો, તેથી અહીં આવી સંન્યાસનો સ્વીકાર કરી સાધના કરતા હતા. એ અંધ સંત પ્રતિદિન સાંજે હિમાલયનાં ઉત્તુંગ શિખરો સુધી ભ્રમણ કરવા જતા, અને પછી પાછા આવતા.
અલ્પ દિવસો પૂર્વે એક નવો શિષ્ય તેઓની પાસે આવ્યો. તેણે જોયું તો સદ્ગુરુ આમ તો અંધ હતા, પણ શિખરભ્રમણ ખૂબ જ સુખપૂર્વક કરતા હતા. એક દિવસ તેણે સદ્ગુરુ આગળ પોતાની જિજ્ઞાાસા અભિવ્યક્ત કરી : 'ગુરુદેવ! આપ આંખ દ્વારા કંઈ જ જોઈ શકતા નથી, છતાં દૂર દૂર સુધી ઉચ્ચ શિખરો સર કરો છો... આપને ક્યારેય ડર નથી લાગતો, કે ક્યારેક ઊંચા શિખરોથી ખીણમાં પડી જવાય તો...?'
શિષ્યની વાત સાંભળી સદ્ગુરુ હસવા લાગ્યા : 'તને અત્યારે નહીં પણ હું જ્યારે શિખર પરિભ્રમણ માટેે નીકળીશ, ત્યારે જવાબ આપીશ.'
સાંજે સદ્ગુરુ એ શિષ્યને લઈને દૂર દૂર - સૌથી ઊંચા શિખર સુધી લઈ ગયા. શિખર ઉપર એકદમ ઊંચે પહોંચ્યા પછી તેમણે કહ્યું કે ધક્કો મારી નીચે ખાઈમાં મને પાડી દે.
ગુરુદેવની આ વાત સાંભળી શિષ્ય તો ડરી ગયો. તે બોલ્યો, 'ગુરુદેવ! હું દુનિયાની સૌથી દુષ્ટ વ્યક્તિને પણ આવું ના કરું, તો આપને તો કેવી રીતે ધક્કો મારું !'
'મારી આજ્ઞાા છે, તારે મને ધક્કો મારવો જ પડશે. અન્યથા તું નરકમાં જઈશ.'
'મને નરક મળશે, એ ચાલશે, પણ આવું દુષ્કૃત્ય તો હું નહીં જ કરું!'
હવે ખડખડાટ હસીને સદ્ગુરુ બોલ્યા, 'તું જો સાવ સામાન્ય માણસ થઈને પણ મને ખાઈમાં પડવા ના દે, તો પરમ પિતા પરમાત્મા તો મારા માલિક - મારું સર્વસ્વ છે... તેઓ મને કેવી રીતે પડવા દેશે...! અરે, એ વાત સાઈડમાં છે. મહત્ત્વની વાત તો આ છે કે, આપણું કદાચ પતન થતું હશે, તો પણ 'એ' હાથ પકડશે... એ આપણને પડવા તો નહીં જ દે. બસ, આપણે ખાલી એમના ઉપર પરમ વિશ્વાસ કરવો પડશે!'
- રાજ સંઘવી