"શેરી સાંકડી"માંથી બન્યું "શેરીસા-કડી" જેમાંનુ એક છે - શેરીસા-તીર્થ
- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
'આ શેરીમાં આટલું પાણી ક્યાંથી આવ્યું ? આખી શેરી પાણીથી ભરાઈ ગઈ છે. આટલો મોટો ખાળ હોવા છતાં પાણી ખાળની બહાર આવી
ગયું છે.'
'આ સ્નાનનું પાણી છે.'
'કોના સ્નાનનું ?'
'માણસોના.'
'આટલા બધા માણસો ? આજ સુધી તો ક્યારેય આવું થયું નથી. આટલા લગ્ન આદિ પ્રસંગો થયા, પણ પાણી ક્યારેય ખાળમાંથી ઊભરાયું હોય અને શેરી આખી ભરાઈ ગઈ હોય, આવું તો કદી નથી થયું.'
'પણ આ વખતે માણસો અનેકગણાં આવ્યા છે.'
'કેમ, શાનો પ્રસંગ છે ?'
'ભગવાનની પૂજાનો.'
'ભગવાનની પૂજાનો ?'
'હાં.'
'ક્યા ભગવાન છે ?'
'લોડણ (લોઢણ) પાર્શ્વનાથ ભગવાન.'
* * *
નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી એ નગરીમાં એક મૂર્તિ હતી. પાર્શ્વનાથ ભગવાનની આ મૂર્તિ કોઈથી હલતી પણ ન હતી. અથાગ પ્રયત્નો પછીયે નિષ્ફળતા. દેવશક્તિ આગળ માનવ હંમેશા લાચાર રહ્યો છે. માનવતા અભિમાન પર સચોટ ચોટ કરે છે આ દેવશક્તિ. આ દેવશક્તિ ગુરૂશક્તિથી જ પ્રભાવિત થાય.
એકવાર નગરમાં આવેલા એક આચાર્ય મહારાજે પોતાની મંત્રશક્તિથી ધરણેન્દ્ર દેવને હાજરાહજૂર કર્યા. 'જી હજૂર' કહેતા ધરણેન્દ્રને ગુરૂમહારાજે મૂર્તિની વાત કરી અને તત્ક્ષણે એ મૂર્તિ હલવા લાગી.
હવે આ મૂર્તિ સતત હલતી જ રહેતી. સ્થિર રહેવાનું બંધ થઈ ગયું. તે મૂર્તિ ડોલતી હોવાને કારણે ભક્તોએ આ પાર્શ્વનાથ ભગવાનનું નામ રાખ્યું - લોડણ (લોઢણ) પાર્શ્વનાથ ભગવાન. લોઢન એટલે હલવું-ડોલવું...
હવે ફરીવાર ગુરૂમહારાજ સાધનમાં બેઠા. મૂર્તિ ખસેડવી હતી. પણ ડોલાવવી નહોતી. આ તો ડોલવા જ માંડી. હવે એને સ્થિર કરવાની હતી. ગુરૂદેવે મંત્રશક્તિથી ફરીવાર આ મૂર્તિને સ્થિર કરી. પ્રતિષ્ઠા કરી.
આ ચમત્કારથી હજારો-હજારો માણસો આ નગરમાં ભગવાનની પૂજા કરવા આવ્યા. એટલા બધા માણસો આ વિશાળ નગરીમાં આવ્યા કે તેમના સ્નાનનું પાણી ખાળમાંથી ઊભરાવા લાગ્યું અને શેરીમાં ભરાવા લાગ્યું.
ભગવાન તો સ્થિર થઈ ગયા હતા, છતાં તે પ્રસિદ્ધ થયા - લોડ(ઢ)ણ પાર્શ્વનાથના નામે.
આ ભગવાનનું મંદિર જે શેરીમાં હતું, તે શેરી સાંકડી હતી. તેથી આનું નામ પડયું - શેરી સાંકડી...
કાલાંતરે નગરીનું પરિવર્તન થયું. નગરી બે ભાગમાં વહેંચાઈ. એટલે એકનું નામ પડયું - શેરીસા. અને બીજા ભાગનું નામ પડયું - કડી. 'શેરી સાંકડી' માંના સાંકડી શબ્દનો 'સા' 'શેરી'માં ઊમેરાઈ ગયો. એટલે આવું થઈ ગયું. અને ત્યારથી આ ભગવાનનું નામ પણ બદલાઈને 'શેરીસા પાર્શ્વનાથ' થઈ ગયું. અને તીર્થ સ્વરૂપે ઊભરી આવ્યું.
વિ.સં. ૧૫૬૨માં મુનિશ્રી લાવણ્યસમયજી રાચેત શેરીસા પાર્શ્વનાથ ભગવાનના સાવનની આ ગાથાઓ વાંચો-
"ડોલે એ પ્રતિમા નાગપૂજા નવિ રહું હું તે વિના,
લખ લોક દેખેં સહુ પેંખે નામ લોડણ થાપના...
સો રયણી દીહે દેખી બીહેં મંત્ર બાલે ગુરૂ વિર કરી,
એ નવણ પાણી વિવર જાણી, ખાલ ગયો તવ વીસરી...
અંતર એવડો સેરી સાંકડી,
નવરી કહેતી સેરીમાં કડી...
ઈમ કાલ ભાવે નગર ધરિયાં પુહવી ખોટી ઈસી પડી,
એવડો અંતર એહ પરંતર જુઓ શેરીમાં કડી..."
કાલ આગળ વધ્યો. વિધર્મી કાળ બનીને ત્રાટક્યા... તીર્થને ખેદાન-મેદાન કરી નાંખ્યું. બધું જ જમીનમાં દટાઈ ગયું.
સમયના પસાર થવાની સાથે શાસનસમ્રાટ આચાર્ય શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ અહીં પધાર્યા. જમીનમાં દટાયેલી એ પ્રતિમાને બહાર લાવ્યા. અને ફરી આ તીર્થ સ્વરૂપે પ્રગટ થયું. જે અત્યારે 'શેરીસા તીર્થ' તરીકે કડીથી ૧૭-૧૮ કિલોમીટરના અંતરે છે. તીર્થોદ્ધાર પામેલું આ તીર્થ ભવ્ય જીવોને તારવા માટે આજે અડીખમ ઊભું છે.
પ્રભાવના
મહા સુદ-૮ ના જે પરમાત્માનો જન્મ કલ્યાણક દિવસ છે, અને મહા સુદ - ૯ ના રોજ જેમનો દીક્ષા કલ્યાણક દિવસ છે, તે અજિતનાથ ભગવાનના માતા-પિતાના નામે પણ 'વિજય' સાથે સંબંધ ધરાવતા હતા. ભગવાનનું નામ - 'અજિત' (કોઈથી જીતાય નહિ તેવા). માતાનું નામ - વિજયા (સર્વત્ર વિજય પ્રાપ્ત કરે તે). પિતાનું નામ - જિતશત્રુ (સર્વ શત્રુઓને મેળનારા). કાકાનું નામ - સુમિત્રવિજય (સારા મિત્રોની સાથે વિજય મેળવનારા). કાકીનું નામ - વૈજ્યંતી (વિજય મેળવવાના લીધે પહેરાતી માળા). આમ આ બધા જ પાત્રો 'વિજય' સાથે સંબંધ ધરાવતા નામવાળા મળવા - એ પણ એક વિશિષ્ટ યોગાનુયોગ છે.