ગુરૂગમ વિના મંત્ર-શાસ્ત્ર ભણનારો ગુરૂ એટલે મોટા ગમ એટલે દુ:ખને મેળવે છે
- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ
એક, બે, ત્રણ, ચાર...
ઉતરતા જ ગયા... ઉતરતા જ ગયા... અટકવાનું નામ જ નહીં...
દસ... વીસ... ત્રીસ... ચાલીસ... ગણતરી અટકતી જ નહીં...
પૂરા બાવન થયા...
અડધી રાત વીતી ગઈ છે, ત્યારે પૂરા બાવન વીરો આકાશ માર્ગેથી આ ધરતી પર ઉતરે છે...
એકસાથે ઉતર્યા બાવન વીર...
ધ્રુજી જાય ભલભલો ભડવીર...
ઊતરતાંની સાથે બોલ્યા એ વીર...
શાને યાદ કર્યા કહો ક્ષમા વીર !...
* * *
એક વિશાલ નગરીમાં એક ગુરૂ ભગવંત પધાર્યા. ૫૦૦ (પાંચસો) શિષ્યોના એ વિદ્યાવંત ગુરૂ... અનેક વિદ્યાઓના પારગામી. અનેક મંત્રશાસ્ત્રોના અનુભવી...
આ આચાર્યશ્રી પાસે એક મંત્રપોથી હતી. એમાં અનેકાનેક મંત્રવિદ્યાઓ હતી. કેટલીક પાઠસિદ્ધ વિદ્યાઓ હતી, જે મંત્ર બોલવા માત્રથી કાર્ય કરી આપે. કેટલીક પ્રયોગસિદ્ધ વિદ્યાઓ હતી, જે પ્રયોગો કર્યા પછી એનો પ્રભાવ બતાવે.
ગુરૂએ પોતાના શિષ્યોને ખાસ કહી રાખ્યું હતું કે આ મંત્રપોથી કોઈએ ખોલવી નહીં. ગુરૂગમ વગર ક્યારેય મંત્ર-શાસ્ત્ર ભણાય નહીં. ગુરૂગમ વગર મંત્રશાસ્ત્ર ભણનારો - જાણનારો ગુરૂ એટલે મોટા ગમ-દુ:ખને ભજનારો થશે જ...
એક દિવસ શિષ્યોએ એ મંત્રપોથી ગુરૂને પૂછયા વિના અને ગુરૂની જાણબહાર ખોલી. મંત્રો અને એનો પ્રયોગ વાંચ્યો. મનમાં અવધારી પણ લીધો.
રાત્રે બંને શિષ્યોએ ઉપાશ્રયની બહાર જઈ મંત્ર સાથેનો પ્રયોગ કર્યો. સાધના કામ કરી ગઈ, પ્રયોગ બરાબર થયો હતો. આ મંત્રપ્રયોગ હતો બાવન વીરોને સાક્ષાત બોલાવવાનો.
આકાશમાંથી એક પછી એક બાવનવીરોની પધરામણી થઈ. વીરોએ આવતાંની સાથે પૃચ્છા કરી. 'શું કામ અમને યાદ કર્યા ? જે કામ હોય તે ફરમાવો.'
શિષ્યો મુંઝાયા - કામ તો કંઈ હતું જ નહિ. આ તો ખાલી મંત્રપ્રયોગ ચકાસવા માટે જ સાધના કરી હતી. અને આ તો સાક્ષાત આવી ગયા. એ પણ એક બે નહિ, પણ પૂરા બાવન.
હવે જો આમને કામ નહિ આપીએ તો આપણને પરેશાન કરશે. કારણ કે કાર્ય વગર દેવોને આમંત્રાય નહિ. વગર કામે કોઈને બોલાવો તો ન જ ગમે ને !
હવે કરવું શું ? કામ શું આપવું ? કામ ન આપીએ તો ય તકલીફ ! પણ તરત જ એમનું મગજ કામે લાગી ગયું. આ વિશાલ નગરમાં એક પણ જિનમંદિર ન હતું. તે બંને શિષ્યોએ આ વાતને ધ્યાનમાં લીધી. અને તરત જ એક વિશાલ જિનમંદિર બનાવવાનું કાર્ય સોંપી દીધું.
વીરોએ કહ્યું - 'અમે જિનાલય નિર્માણ તો કરીશું. પણ સવારે કૂકડો બોલે ત્યાં સુધી જ કરીશું. તે પછી નહિ.'
આટલું બોલી કાર્ય શરૂ કર્યું. મોટા મોટા થાંભલા ઉપાશ્રયની બહાર ઉતરવા માંડયા. અને આ અવાજથી આચાર્યદેવની ઊંઘ ઊડી ગઈ. એમણે બધું જોયું. જાણ્યું. એમને ખ્યાલ આવ્યો કે આ બરાબર નથી થયું.
આચાર્યદેવે તરત જ ચક્કેશ્વરી દેવીને આમંત્ર્યા. અને કહ્યું - 'આ શિષ્યોને ભાવીની ખબર નથી. આના દ્વારા મ્લેચ્છોના ઉપદ્રવ થશે. એમની ભૂલ થઈ ગઈ છે. હવે આ બાવન વીરોને કામ કરતાં અટકાવો.'
ચક્કેશ્વરી દેવીએ તરત જ કૂકડાનો અવાજ કર્યો. કાર્ય તરત જ અટકી ગયું. બાવન વીરો તે અધૂરું કાર્ય પડતું મૂકીને ત્યાંથી જતાં રહ્યા.
ચક્કેશ્વરી દેવીએ શિષ્યોને ઠપકો આપતાં કહ્યું - 'તમે ગુરૂથી મોટા થઈ ગયા છો ? આવી રીતે ગુરૂને પૂછયા વિના મંત્રપ્રયોગ કર્યો શા માટે ?'
શિષ્યોએ ક્ષમા માંગી. હવે ચક્કેશ્વરી દેવીએ સમજાવવાના સૂરમાં કહ્યું - 'જુઓ, ક્યારેય ગુરૂની આજ્ઞા લીધા વિના મંત્રપ્રયોગ ન કરાય. ક્યારેક ભયંકર નુકશાનનું કારણ તે બની શકે છે. જો કે કોઈપણ કાર્ય ગુરૂઆજ્ઞા વિના સંયમજીવનમાં કરવાનું જ ના હોય. પણ મંત્રસાધનામાં વિશેષ ધ્યાન રાખવાનું હોય. તંત્ર-મંત્ર-યંત્રની સાધનામાં ગુરૂની આજ્ઞા અનિવાર્ય છે. અન્યથા મોટી મોટી હોનારતો સર્જાઈ જાય. જાઓ, ગુરૂદેવની પાસે જઈ માફી માંગી આવો.'
શિષ્યોએ ગુરૂદેવ પાસેય માફી
માંગી લીધી.
પણ આગળ જતાં સમય વીતતા ઘણી બધી પરિસ્થિતિઓમાં ફેરફાર થતાં આ જ જગ્યા "શેરીસા તીર્થ" તરીકે વિખ્યાત બની.
વિક્રમ સંવત ૧૫૬૨માં મુનિશ્રી લાવણ્યસમયજી મહારાજ દ્વારા વિરચિત શેરીસા પાર્શ્વનાથ ભગવાનના ૧૫ ગાથાના સ્તવનના આધારે આ ભાવાર્થ આચાર્યશ્રી મુક્તિમુનિચંદ્રસૂરિજી મહારાજે આપ્યો છે.
પ્રભાવના
પોષ વદ - ૧૩સ વિ.સં. ૨૦૮૧માં જે પૂજ્યશ્રીની ૧૫મી પુણ્યતિથિ છે, એ આચાર્યશ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહરાજે ફરમાવ્યું હતું.
"ગુરૂમયથી, ગુરૂઆજ્ઞાથી અને ગુરૂનિશ્રામાં મેળવેલું જ્ઞાન એ જ્ઞાન છે, એ જ્ઞાન સત્જ્ઞાન બની જાય છે અને આવું સત્જ્ઞાન જીવને સત્-ચિત્-આનંદનું કારણ બને છે.
જે જ્ઞાનથી, ક્રિયાથી કે ચિંતનથી સત્-ચિત્-આનંદની પ્રાપ્તિ ન થાય તે જ્ઞાન-ક્રિયા-ચિંતન સાચા અર્થમાં સત્જ્ઞાનાદિ નથી. અથવા તો એ જ્ઞાનાદિ સત્ના માર્ગે નથી.
સત્ માર્ગ અપનાવો
સત્ જ્ઞાન અજમાવો
અને સત્ ચિત્ આનંદ જમાવો."