જયવંતા જિનશાસનની સેવા - આત્માને સાધના દ્વારા જયવંત બનાવીએ
- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
- શત્રુંજય, સમેતશિખર આદિ તીર્થોની રક્ષાની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર વીરચંદ ગાંધીના પિતાશ્રી રાઘવજી ગાંધી આજીવન સાચેત વસ્તુના ત્યાગી હતા.
'હવે તો આપને આપનો પ્રતિનિધિ મોકલવો જ પડશે. અમે એટલે કે અમારા સંચાલકોએ નિર્ણય લીધો છે કે આપ ભલે ત્યાં સુધી ન આવી શકો, પણ આપના પ્રતિનિધિ તો ત્યાં સુધી અવશ્યમેવ આવી શકે છે.'
'આપની એક મર્યાદા છે કે આપ વાહનમાં બેસી શકો અને એટલે જ દરિયાપાર અમેરિકાખંડ સુધી ના આવી શકો, પણ આપના પ્રતિનિધિ સમાન આપનો શ્રાવક તો ત્યાં સુધી આવી શકે. એમને તો ક્યાંય જવાનો પ્રતિબંધ નથી.'
'કદાચ કેટલાક શ્રાવકોને દરિયાપાર જવાનો નિયમ પણ હશે. પણ બધાં જ શ્રાવકોને તો આવો કોઈ નિયમ નહીં જ હોય. તો જેને આવો નિયમ ના હોય, તેમને આપ આપના વતી અમેરિકામાં મોકલી શકો છો ?'
'જૈન ધર્મની ખૂબ જ મહત્વની વાતો ત્યાં સૌને જાણવા મળે તે માટે આપે આપના પ્રતિનિધિ વિહાન શ્રાવકોને મોકલવા જોઈએ.'
અમેરિકાના શિકાગો (શિકાગો)માં યોજાઈ રહેલાં 'વિશ્વ ધર્મ પરિષદ'ના સંચાલકો વારાફરતી જુદી-જુદી વાક્યરચનાઓ દ્વારા જિનશાસનના તે સમયના મહાન પ્રભાવક પુરુષ શ્રી આત્મારામજી મહારાજ (સંવેગી દીક્ષાનું નામ - આચાર્યશ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજ) ને વિનંતી કરી રહ્યા હતા.
ઈસ્વી સન્ ૧૮૯૨ની આ વાત છે. તે સમયે ઈસ્વી સન્ ૧૮૯૩માં અમેરિકામાં યોજાનારી 'વિશ્વધર્મપરિષદ'ની તૈયારીઓ પૂરજોશમાં અને પૂર્ણ જોશ સાથે ચાલી રહી હતી. દુનિયાભરની અનેક વિદ્વાનોને સંચાલકો રૂબરૂમાં આમંત્રણ આપી રહ્યા હતા. તો કેટલાકને માધ્યમો દ્વારા પણ આમંત્રણપત્રો પાઠવી રહ્યા હતા.
પૂજ્ય જૈનાંચાર્ય વિજ્યાનંદ સૂરિજી મહારાજની પ્રસિદ્ધિ અમેરિકા-યુરોપના અનેક દેશોમાં પ્રસરી ચૂકી હતી. મૂળે સ્થાનકવાસી પરંપરાના આ પૂજ્યશ્રીએ સત્યની ગવેષણા કરતાં-કરતાં મૂર્તિપૂજક પરંપરામાં પ્રવેશ મેળવ્યો. પણ તેઓ પુરાણા નામ- શ્રી આત્મારામજી મહારાજ તરીકે જ જગવિખ્યાત બન્યા.
સંચાલકોએ પૂજ્યશ્રીને અમેરિકા પધારવા વિનંતી કરી. પૂજ્યશ્રીએ પોતાની મર્યાદા તેમને જણાવતા કહ્યું કે અમે સાધુઓ વાહનમાર્ગનો ઉપયોગ નથી કરતાં.
ત્યારે સંચાલકોએ પૂજ્યશ્રીને બે હાથ જોડી નમ્રભાવે પોતાની વાત રજૂ કરી - 'પૂજ્ય! આપ ભલે ત્યાં ન પધારી શકો. પણ અમને જૈનધર્મના સિદ્ધાંતોનો ખ્યાલ આવે એવો જૈનધર્મનો એક મહાનિબંધ લખી મોકલાવો. આ પુસ્તકના વાંચન દ્વારા અમે આપની. હાજરી અનુભવીશું'
પૂજ્યશ્રીએ સંમતિ આપી. જૈન ધર્મના તત્વજ્ઞાાનને સારી રીતે પીરસી શકે, એવું એક પુસ્તક, મહાનિબંધ સ્વરૂપનું, પૂજ્યશ્રીએ તૈયાર કર્યું. ''ચિકાગો પ્રશ્નોત્તર'' નામે આ પુસ્તક સંચાલકો સુધી પહોંચાડવામાં આવ્યું.
સંચાલકોએ આ પુસ્કત વાંચ્યું. તેઓ પુસ્તક વાંચન પછી એટલા બધા પ્રભાવિત થયા કે હવે તેમણે નક્કી કર્યું - પૂજ્યશ્રી નહિ તો પૂજ્યશ્રીના પ્રતિનિધિ તો જોઈએ જ. અને એમણે ઉપરોક્ત વાક્યો દ્વારા પૂજ્યશ્રીને પૂર્ણ ઉત્સાહ સાથે વિનંતી કરી.
આચાર્યશ્રીએ તેમની વિનંતીનો સ્વીકાર કર્યો. અને ૨૬મી ઓગસ્ટે જેમનો જન્મદિવસ છે, એવા મહુવાના વતની શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પોતાની પાસે બોલાવ્યા. શિકાગોમાં યોજાનાર 'વિશ્વધર્મ પરિષદ' માં જવા માટે મનથી તૈયાર કર્યા. અને તે પછી છ મહિના સુધી પોતાની પાસે રાખીને જૈન ધર્મના તત્વોનો ઊંડો અભ્યાસ કરાવ્યો. તેમણે પણ એકદમ દિલ દઈને છ મહિના સુધી ત્યાં જ રહીને જૈનધર્મનો તલસ્પર્શી અભ્યાસ કર્યો.
૨૬ ઓગસ્ટ ૧૮૬૪માં જન્મીને મહુવાથી આગળ વધીને મુંબઈમાં બેરિસ્ટર બનનાર શ્રી વીરચંદભાઈ ગાંધીએ અમેરિકાની આ 'વિશ્વધર્મ પરિષદ'માં જિનશાસનના ઊંડા રહસ્યોને એટલી બખૂબી રીતે વર્ણવ્યા કે લોકો આ સાંભળી ઝુમી ઉઠયા.
ત્રણ હજારથી વધુ વિદ્વજ્જનો સમક્ષ બે જ નામો વધૂ ગાજ્યા હતા - એક, સ્વામી વિવેકાનંદ અને બીજા, વીરચંદ ગાંધી. એમ કહે છે કે આ બંને મહાનુભાવો આ પરિષદની શાન હતી. ગુરુના આશીર્વાદ જ આપણને આગળ વધારે છે, આગળ લાવે છે અને આગલી હરોળમાં આગવી રીતે પેશ કરે છે. તેઓ કહેતા કે હરહંમેશ ગુરુને સાથે ને સાથે રાખજો.
પ્રભાવના
શત્રુંજય, સમેતશિખર આદિ તીર્થોની રક્ષાની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર વીરચંદ ગાંધીના પિતાશ્રી રાઘવજી ગાંધી આજીવન સાચેત વસ્તુના ત્યાગી હતા. હંમેશા ઉકાળેલું પાણી વાપરતા હતા. જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતાં.
૩૧મી ઓગસ્ટથી શરૂ થતાં પર્યુષણ મહાપર્વના આઠ દિવસ દરમ્યાન ખૂબ જ સુંદર અને જયણા યુક્ત સાધના કરીને આ પર્વને દીપાવીએ.
ઈલેક્ટ્રીક સાધનોનો જેટલો બને એટલો ઓછો વપરાશ કરવા દ્વારા અહિંસા ધર્મને જયવંત બનાવીએ.