Get The App

પ્રભુભક્તિ અને સાધર્મીભક્તિ, તથા રાષ્ટ્રસેવા અને પ્રજાની સેવા દરેકમાં માસ્ટર બ્લાસ્ટર

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
પ્રભુભક્તિ અને સાધર્મીભક્તિ, તથા રાષ્ટ્રસેવા અને પ્રજાની સેવા દરેકમાં માસ્ટર બ્લાસ્ટર 1 - image


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

એય વાણીયા, ઉભો રહે. આ કુમારપાળ મહારાજાનું શાસન છે. અહીં કોઈ પણ પ્રકારના અન્યાય- અનીતિ નહીં ચાલે. આ કલિકાલ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય મહારાજના શિષ્ય અને પરમ આર્હત એવા ધર્મશ્રાવકનું શાસન છે. અહીં નિયમનું પાલન પૂરેપૂરું કરવું જ પડે.

આમ કહીને પાટણના રાજભવનમાં લઈ જવા લાગ્યા. વાણિયાને લઈને કુમારપાળ મહારાજાના રાજભવનમાં લઈ જવા લાગ્યા. ત્યારે વાણિયાએ વિચાર્યું હવે આપણું કાંઈ જ ચાલશે નહીં. હવે મુશ્કેલીઓનો પાર નહીં. હવે મને કોણ બચાવશે ?

ત્યાં જ એને રસ્તામાં એક જિનમંદિર દેખાયું. તેણે રાજાના સૈનિકોને વિનંતીના સૂરમાં કહ્યું- હું મંદિરમાં જઈને દર્શન કરીને આવું ?

સૈનિકોની રજા લઈને તે દેરાસરમાં ગયો. ત્રણ લોકના નાથને હાથ જોડીને પ્રાર્થના કરતાં કહ્યું- 'હે પ્રભો! અઢાર દેશના નાથ એવા આ પાટણનરેશ કુમારપાળ મહારાજા મને માફ કરી દે એવી કૃપા કરજે. હવે પછી હું મારો ઇન્સાફ સાફ રાખીશ.

દેરાસરમાં તીર્થકર પરમાત્માના દર્શન કરીને બહાર નીકળતી વેળાએ દર્પણમાં પોતાનું કપાળ જોયું. દર્શન કરતાં પહેલાં જિનેશ્વરની આજ્ઞાા સ્વરુપ જે તિલક કર્યું હતું. તેના પર ગૌરવ-નજર નાંખીને મનોમન હરખભેર બોલ્યો- 'પ્રભુની આજ્ઞાા સ્વરુપ આ તિલક મારી રક્ષા જરૂર કરશે.'

સૌનિકો બહાર આવેલા એ વાણિયાને કુમારપાળ મહારાજા આગળ લઈ આવ્યા. અધિકારીએ કહ્યું- 'હે અહિંસાના આરાધક પૃથ્વીનાથ! તમારું રાજ્ય જયવંતુ વર્તો. તમારી આજ્ઞાા પ્રવર્તમાન રહો .'

'બોલો, કેમ લઈ આવ્યા છો, આ વ્યક્તિને ?'

'મહારાજ એણે આપની આજ્ઞાાનું ઉલ્લંઘન કર્યું છે. રાજ્યની દાણાચોરી (ટેક્ષચોરી) કરી છે. એણે કેટલાય સમયથી દાણ નથી ભર્યું.'

કુમારપાળ મહારાજાએ એના કપાળ પર પીળું ચમકતું તિલક જોયું અને કહ્યું - ' આ તો ધર્મીજીવ છે. મારા રાજ્યમાં નિયમ છે કે જેના કપાળ પર ધર્મના પાલન સ્વરુપ તિલક હોય, તેનું દાણ માફ કરી દેવું.

ગુરુ હેમચંદ્રાચાર્યની ઓરામાં રહીને ખૂબ જ ધાર્મિક જીવન જીવવા સાથે રાજ્યનું પાલન કરી રહેલા કુમારપાળ મહારાજાનું રાજ્ય ધર્મી જીવોને સારી સવલતો આપતા હતા. લક્ષ્ય એક જ કે આ બહાને રાજ્યના સર્વે જીવો ધર્મમય જીવન જીવે. ધર્મના પ્રભાવથી રાજ્ય ખૂબ સુચારું રૂપે આગળ વધે. ધર્મનો પ્રભાવ વાતાવરણને ખુશનુમા બનાવી દે છે.

'જે જીવો રોજ ભગવાનની પૂજા કરતાં હોય, જે જીવો કંદમૂળ, અભક્ષ્ય આદિ પદાર્થો ન આરોગતા હોય, જે જીવો માંસ-દારુથી દૂર રહેતા હોય. અર્થાત્ તેનું અસ્તિત્વ સુદ્વા ત્યાં ના હોય.

જે જીવો રાત્રિભોજન જેવા પાપો ન આચરતાં હોય અને જે જીવો પરસ્ત્રીસેવન જેવી બદીઓથી દૂર હોય, તેવા જીવોનું દાણા (ટેક્ષ) માફ. એ લોકો પાસે રાજ્ય ક્યારેય દાણ નહીં લે. એવું લખાણ એમને જાહેરમાં મૂકેલું.'

આ વાણિયો આમાંના કોઈ જ નિયમોનું પાલન કરતો ન હતો. પણ આજે એણે કપાળે તિલક બતાવતાં કહ્યું- 'રાજન ! આજથી હું આ તિલકની વફાદારી જાળવીશ.'

અધિકારીએ કહ્યું- 'મહારાજ ! આ કપટખેલ છે. આ માહેશ્વરી વાણિયો છે. આપની આગળ છૂટવા માટે બોલી જશે પછીથી આ ધર્મ નહીં આચરે.

કુમારપાળ મહારાજાએ માત્ર એક સ્મિત વેર્યુ અને એ વાણિયાને છોડી દીધો.

જેમ વર્તમાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શાસનકાળમાં ભારતનો તિરંગો સાથે રાખીને યુક્રેન-રશિયાના યુદ્ધના માહોલમાંથી પાકિસ્તાનીઓ પણ હેમખેમ બહાર આવી ગયા. તેમ આ જીવદયાપ્રેમી કુમારપાળ મહારાજાના શાસનકાળમાં કપાળે જિનાજ્ઞાાના પાલન સ્વરુપ તિલક રાખીને અધિકારીઓના બંદીપણા  હેઠળ પણ ધર્મ નહીં કરનારા જીવો દંડમાંથી હેમખેમ બહાર આવી જતા હતા.

ભારતના તિરંગાના પ્રભાવે બચી જનારા પાકિસ્તાનીઓ ભારતીય નથી બની જતા, પણ તિલકના પ્રભાવે દંડથી બચી જનારો વાણિયો તો પરમ ધાર્મિક બની ગયો.

પ્રભાવના 

અઢાર દેશના અધિપતિ, કલિકાલ સર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના પરમ ગુરુભક્ત તથા તીર્થકર પરમાત્માના અદના સેવક એવા કુમારપાળ મહારાજા ખૂબ જ ધર્મયુક્ત રાજા હતા. ધર્મમાં લોકો જોડાય તે માટે તેઓએ ઘણા બધા કાર્યો કર્યા હતા. ધર્મયુક્ત જીવન જીવતા વેપારીઓનું દાણ (ટેક્ષ) જે એમણે માફ કર્યું હતું. તેનો આંકડો તે સમયનો એક વરસનો ૭૨ (બોંતેર) લાખ રૂપિયા થતો હતો. અર્થાત્ ૭૨ લાખ સોનામહોર. આજના હજારો કરોડો રૂપિયા થાય. આર્થિક મુશ્કેલીમાં મૂકાયેલો કોઈ પણ નિર્ધન માણસ રાજા કુમારપાળ પાસે સહાય માટે જતો. તો તેને ઓછામાં ઓછી એક હજાર સોનામહેર તાત્કાલિક મળી જતી. પ્રાય: એક સોનામહોર સો ગ્રામની રહેતી, એ હિસાબે ૧૦ કિલો સોનું થાય. આજના રૂપિયામાં તે આંકડો લગભગ ૫-૬ કરોડનો થાય.

પરમ આર્હત એવા આ રાજાએ પોતાના સાધર્મિકોની ભક્તિમાં ૧૪ વરસના શાસન દરમ્યાન ૧૪ કરોડ સોનામહોર વાપરી હતી. અર્થાત્ દર વરસે એક કરોડ સોનામહોર. એટલે કે દર વરસે ૧૦ લાખ કિલો સોનું પ્રભુભક્તોના ચરણે સમર્પિત કરતાં. પ્રભુભક્તિ પણ તેમની પ્રશસ્ય. ભક્તોની ભક્તિ પણ અનુમોદનીય તો રાષ્ટ્રભક્તિ અને પ્રજાસેવા પણ અદ્ભૂત હતી.


Google NewsGoogle News