ઘર એક ધર્મશાળા છે અને રસોડું એ ભોજનશાળા છે
- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
'૨૫-૩૦ માણસો?'
' હા.'
' દરરોજ ?'
'હાં, દરરોજ... એકપણ દિવસ ખાલી નહીં?
'જોરદાર કહેવાય! દરરોજ ૨૫-૩૦ માણસોને જમાડવા. અને એ પણ રસ્તામાં જતાં-આવતાં માણસોને !!'
'આપણે તો ૧-૨ માણસોને જમાડવા હોય તો ય તકલીફ.. રોજ.. રોજની તો વાત જ ન કરાય. અને રસ્તામાં જતાં-આવતાં માણસોને તો જમાડાય કઈ રીતે?'
'એ જ તો વાત છે ને ! એ જ તો વિશેષતા છે આ માણસ સ્વરૂપે ભગવાનની એ ભગવાન જ કહેવાય ને, જે બધાંમાં- દરેક જીવોમાં ભગવાન દેખાય છે. એટલે જ તો દરેક પોતાના ઘરે લઇ જાય છે.
આના ઘરવાળા કાંઈ કહેતા નથી. કોઈ કંટાળી નથી જતા. રોજેરોજ ૨૫-૩૦ માણસોને જમવાના ટાણે રસ્તામાંથી ઉપાડી લાવે. તો કોઈ કહેતું નથી કે આ શું લઈને હાલ્યા આવ્યા ? આમ તે ગમે તેને ઘરમાં લાવી દેવાતા હશે ? આવું કોઈ કાંઈ બોલતું નથી?
'ના, રે, ના... ભગવાનના ઘરે તો બધા ભગવાનના જ માણસો હોય ને! એમને બધા એમના જેવા જ મળ્યા છે. અથવા તો એમણે બધાને એમના જેવા બનાવી દીધા છે. પોતે ભગવાન છે. જેવું ચાહે એવું બનાવી જ લ્યે ને ! ભગવાનનું ઘડતર તો ભગવાન જેવું જ હોય ને !'
જેસર પરગણના હઠીભાઈની વાત બંને મિત્રો કરી રહ્યા હતા. અર્થાત્ દૂર ગામથી આવેલા એક મિત્રને ત્યાંનો મિત્ર હઠીભાઈની વાત જે જણાવી રહ્યો હતો. તેના આધારે બંને મિત્રો વચ્ચે હઠીભાઈનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો.
જો કે હઠીભાઈ વિષેની વાત માત્ર આ બે મિત્રો વચ્ચે ચાલી રહી હતી. એવું નહીં. ઘણી જગ્યાએ લોકોની વાતચીતમાં હઠીભાઈ હોય જ. અને એમાં પણ ભોજનની વાત નીકળે ત્યારે તો હઠીભાઈ અચૂક યાદ આવે જ. એમનું જીવન જ લોકોની વાતોનું જીવન બની ગયું છે. હઠીભાઈ લોકોમાં આ રીતે સજીવન હતા.
ભગવાન મહાવીરના જીવનસૂત્રને એમણે આત્મસાત કર્યું હતું. દરેક જીવમાં પરમાત્મા વસે છે. જીવમાત્ર ભગવાનનું સ્વરૂપ છે. દરેકમાં અનંત-જ્ઞાાન ભરેલું પડેલું છે. આત્મા એ જ પરમાત્મા છે.
હઠીભાઈ જમવાના ટાણે બજારમાંથી ઘર તરફ જવા નીકળે, ત્યારે રસ્તામાં જે મળે, જેટલા મળે તે બધાંને ઘરે લઈ આવે. જમવાના ટાણે જમવા આવવું જ પડે. આ ભગવાન બધામાં ભગવાન જ જુએ. અથવા તો એમ કહેવું વધુ ઉચિત છે - ભગવાનને જ બધામાં ભગવાન દેખાય અને જેને બધામાં ભગવાન દેખાય તે ભગવાન જ હોય.
વળી, જમવામાં ભેદભાવ શાના? જે હોય તે. બધાંને પોતાની સાથે જ પંગતમાં બેસાડે. બધાને એકસરખું ભોજન. જમવામાં જે ભેદભાવ રાખે તેને ભવિષ્યમાં ભોજનનો અભાવ નડે. જે જમવાના વિષયે ભેદભાવ રાખતો નથી, તેના ઘરમાં હંમેશા ભોજનનો વિશિષ્ટ પ્રભાવ પડતો દેખાય છે. તેમના ઘરવાળા પણ બધાં જ વહાલાં.. ઘરના બધાં જ સદસ્યો આ વિષયમાં એકમત. બધાંને સદ્ભાવથી જમાડે. કમને જે જમાડે છે તેના ઘરે અન્નદેવતા રહે નહીં. અને કદાચ રહે તો પણ કમને. જમાડવાનું જ છે, તો પ્રાણ રેડીને જમાડો, રડીને નહીં.
આમ જુઓ તો હઠીભાઈનાં ઘરનું રસોડું એ રસોડું નહીં, પણ ભોજનશાળા હતી. એમનું એકલાનું નહીં, પણ ગામ આખાનું રસોડું હતું. ઘી થી તરબતર રોટલા હોય અને જમ્યા પછી છેલ્લે મસ્તમજાની ઠંડી છાશ હોય. હળવાફૂલ થઈને નિશ્ચિંતપણે જમે બધા અને જમીને હળવાફૂલ થઈ જાય બધા.
એક વખત હઠીભાઈ એક ગામથી રૂપિયા ઊઘરાવીને ગામભણી-ઘરભણી આવી રહ્યા હતા. આવતાં-આવતાં ઘણું મોડું થઈ ગયું હતું. આકાશ અંધારી ગયું હતું. ધારી વેળાએ પહોંચાયું નહીં.
રસ્તામાં સનાળા ગામના નાળામાં ચાર હથિયાર ધારીઓએ તેમને રોકવા બૂમ પાડી. પણ હઠીભાઈનો ઘોડો ય હઠીલો. ચાલતો જ રહ્યો. ઉભો ના રહ્યો. નિડરને ડર શાનો ? બહાદુરને બીકણપણું શા સારું ?
ચારે નજીક આવ્યા. એકે મોં જોયું અને બોલી ઉઠયો- અરે, આ તો હઠીભાઈ!'
'શું ? હઠીભાઈ છે ! એમને કશું ના કરતા. એ તો ભગવાનનો માણસ છે. એમના રોટલાનો આસ્વાદ તો હજુ ય યાદ છે. છાશની ટાઢક તો જેમની તેમ છે. એમને હેરાન કરવા તો ભગવાનને મારવા બરાબર છે. ચાલો, આપણે તેમને હેમખેમ જેસર સુધી પહોંચાડી આવીએ.'
જે બીજાને અન્ન આપે છે, એના અન્નનું સાધન કોઈપણ ઝુંટવી ના શકે. જે અન્યને ટાઢક આપે છે, એને ત્રાસ ક્યારેય ના મળે.
'ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો.
મારું જીવન અંજલિ થાજો..!!
પ્રભાવના
કલિકુંડ તીર્થોદ્વારક આચાર્ય વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજા (વર્તમાનમાં ગચ્છાધિપતિ) આદિ રાજસ્થાનમાં સાંચોર નજીક ઝાલમાં ચોમાસું હતું. ત્યારે ત્યાંના એક શ્રાવક મૂલચંદ માનમલજી ના માતુશ્રી ઘરના ઓટલે બેસી રહેતા. ત્યાંથી જે પણ પસાર થાય, તેને ઘરમાં જમવા બોલવતા રહે. અઢારે આલમને બોલાવે. કોઈ ભેદભાવ નહીં.
કલિકુંડ ચોમાસા વખતે પોતાના રસોડે ચોકીદારોને પણ ચા પીવડાવતા. યાત્રિકોને પણ જમવા તેડી આવતા.
કલિકુંડ તીર્થોદ્વારકશ્રી જ્યારે અમદાવાદ-સાબરમતીમાં એમના ઘેર રોકાયા, ત્યારે તેઓશ્રીના મુળેથી એક વાક્ય નીસર્યું હતું. 'મૂલચંદજી ઘર એક ધર્મશાળા છે અને રસોડું ભોજનશાળા છે.' સહુ કોઈ એમના ઘરે ઉતરી શકે. અને સૌ કોઈ જમી શકે.