મા પાવા તે ગઢથી ઊતર્યા, મહાકાલી રે મોદી ચડયા ને ચડાવી ધજા, મહાકાલી રે...

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
મા પાવા તે ગઢથી ઊતર્યા, મહાકાલી રે મોદી ચડયા ને ચડાવી ધજા, મહાકાલી રે... 1 - image


- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

- જૈન ધર્મના ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી ભગવાનના શાસન અધિષ્ઠાયિકા શ્રી કાલી દેવી જ આજે છોકરીઓની સાથે ગરબે રમતા હતા.

એ ણે એક છોકરીનો હાથ પકડયો. અને ખેંચ્યો. છોકરી ખેંચાઈ. પણ એ છોકરીએ ના પાડી. તો ય તેણે ખેંચી. એણે પોતાના મનની દુર્ભાવના જણાવી છોકરીને. છોકરીએ સદ્ભાવપૂર્વક તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ યોગ્ય નથી કરી રહ્યો, તે ભારપૂર્વક જણાવ્યું.

છતાંય તે ના માન્યો. તેણે કશું જ ના સાંભળ્યું. તે પોતાની દુર્ભાવનામાં મક્કમ હતો. એણે બળજબરીથી તે છોકરીને ખેંચી છોકરીઓના ટોળામાંથી બહાર ખેંચી લીધી.

બાકીની બધી છોકરીઓ ડરના લીધે ત્યાંથી ભાગી ગઈ.

આ છોકરી હજુય તેને દુર્ભાવનાને કાઢી નાંખવાનું કહે છે. પણ તે જરાય માનવા તૈયાર નથી. તેણે ધરાર ના પાડી દીધી.

હવે ખેંચાયેલી એ છોકરીએ પોતાના ભવાં ખેંચ્યા. આંખો ઊંચી કરી. અને તરાપ મારનારને શ્રાપ આપ્યો. તારાં રાજ્યનો વિનાશ થાઓ.

આ છોકરી એટલે દેવી કાલી=મહાકાલી માતા.

અને આ રાજા એટલે પાવાગઢનો પતાઈ રાવલ.

જૈન ધર્મના ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી ભગવાનના શાસન અધિષ્ઠાયિકા શ્રી કાલી દેવી જ આજે છોકરીઓની સાથે ગરબે રમતા હતા. એક સમયે આ કાલી દેવીનું મંદિર શ્રી અભિનંદન સ્વામી જિનમંદિરમાં જ હતું.

આ કાલીદેવીની આરાધના અચલગચ્છ (જૈનધર્મની શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાનો એક વિભાગ વિશેષ) ના આદ્ય પુરુષ શ્રી આર્યરક્ષિતસૂરિશ્વરજી મહારાજાએ કરી હતી, અને એ દેવીનો પ્રભાવ તેમણે ઝીલ્યો કે જેથી પોતાનો ગચ્છ સુપેરે આગળ ચાલે.

પાવાગઢના આ કાલીમાતાનો પ્રભાવ અનેરો હતો. આ ભક્તોની ઇચ્છા પૂરનારી દેવી મનાઈ છે. અને અનેક ભક્તોની ઇચ્છા તેમણે પૂરી છે.

તે પછીના જૈનચાર્યોએ તો જિનમંદિરોના જીર્ણોદ્વારની સાથે-સાથે મા કાલીદેવીના મંદિરનો જીર્ણોદ્ધાર પણ ભવ્ય રીતે કર્યો હતો. અને અધિષ્ઠાયિકા દેવીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

કાલી-મહાકાલી દેવીનું સ્થાન જિનશાસનની સોળ વિદ્યાદેવીઓમાં પણ આવે છે. એટલે પોતાની વિદ્યા સિદ્ધ કરવા માટે પણ જૈનાચાર્યો આ પાવાગઢ પર આવતા, અને પોતાની વિદ્યા સારી રીતે અને ઝડપભેર સિદ્ધ કરતા. મા કાલીદેવી તે-તે આચાર્યોને સારી સહાય કરતા અને પ્રસિદ્ધ કરતા.

પણ આજે મા કાલી-મહાકાલી રીસાયા. રોષે ભરાયા. કારણકે આજે રાજાએ એમનું અપમાન કર્યું હતું. દેવી પોતે ધર્મને અનુસરનારી હતી. અને ધર્મના અનુસરનારા લોકોને સહાયક પણ બનતા. પાવાગઢની તળેટીમાં વસેલ ચાંપાનેરના બધાં જ રાજાઓને દેવી આશીર્વાદ આપતા. અને તેમના રાજ્યની રખવાળી પણ કરતા.

પણ આજે જ્યારે એ જ રખવાળી દેવી ઉપર એ જ રાજાએ ખરાબ નજર કરી અને અકાર્ય કરવા માટેની કુચેષ્ટા પણ કરી. વળી જેની સાથે ગરબે રમીને તેમને આનંદ પમાડતા, તેઓ પણ ત્યાંથી ભાગી ગયા. આથી દેવી રોષે ભરાયા. મા કાલી સાચા અર્થમાં મહાકાલ સમા મહાકાલી બન્યા. અને રાજ્યના વિનાશનો શ્રાપ આપ્યો.

અંદરની કાલી વેદનામાંથી નીકળેલો કાલીદેવીનો શ્રાપ સાચો પડયો. વિધર્મી સૈન્યે આખા રાજયને ખેદાન-મેદાન કરી નાંખ્યું. મહેલો તોડયા. મંદિરો ભાંગ્યા. અનેક પ્રકારના મંદિરો તૂટયા.

બાવન દેરીવાળું શ્રી અભિનંદનસ્વામીનું જિનમંદિર તૂટયું. તો જીરાવલા પાર્શ્વનાથ મંદિરના જીરાવલા ભગવાન વડોદરાની મામાની પોળમાં પહોંચ્યા.

આબૂ-દેલવાડા જેવો ઝીણી નક્શીવાળા સર્વતોભડ નામે ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય જુમ્મા મસ્જિદમાં પરિવર્તિત થયું.

ભીડભંજન પાર્શ્વનાથનું મંદિર આજે વડોદરાના દાદા પાર્શ્વનાથ મંદિરમાં વિદ્યમાન છે.

સદીએ-સદીએ નિર્માણ પામેલા અનેકાનેક જિનમંદિરો તૂટયા.

શ્વેતાંબર સંઘની આસ્થા હતી આ તીર્થ. તે પછી ભદેશ્વરના વર્ધમાન અને પદમશીએ આ તીર્થનો મોટો જિર્ણોદ્વાર કર્યો. પણ પૂર્વ-પ્રાચીનકાળ જેવો દબદબો ન જ જામ્યો. જિનમૂર્તિઓ પણ જ્યાં જગ્યા મળી ત્યાં સ્થાપિત કરવામાં આવી.

મા કાલી આ પાવાગઢ ઉતરી ગયા હતા. તે ઊતર્યા એ ઊતર્યા, પાછા કદી ચડયા જ નહીં. ૫૦૦ વર્ષથી ધજાવિહોણું રહ્યું આ મંદિર. ભારતના સન્માનનીય અને આખેલ વિશ્વના આદરણીય પુરુષ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથે તે ધજા ફરકી. લાગે છે કે મા કાલીદેવી પાછા ચડયા છે.

આજે અનેક જિનમૂર્તિઓ અનેક ઠેકાણે ત્યાં દર્શનીય પૂજનીય સ્વરૂપમાં છે.

પ્રભાવના

પંચમહાલ જિલ્લાના કલેક્ટરે (લગભગ ૭૫-૮૦ વર્ષ પૂર્વેના) એક સ્થળે જણાવ્યું છે કે પાવાગઢના આ બધા ખંડિયેરો શ્વેતાંબર જૈનોના મંદિરો હતા.

મેજર જે.ડબ્લ્યુ-વોટ્સને ઇ.સ.૧૮૭૭માં અને મિ.બર્જેસે ઇ.સ.૧૮૮૫માં પાવાગઢના શિખર ઉપર કિલ્લામાં પ્રાચીન જૈન મંદિરોનો જથ્થો હોવાનું લખ્યું છે.

ગુજરાતની સ્થાપના કરનાર વનરાજ ચાવડાના જૈનમંત્રી શ્રી ચાંપા શેઠે વસાવેલા આ ચાંપનિરના શ્વેતાંબર સમાજના જૈન શ્રાવક ખેમા દેદરાણીએ ગુજરાતના દુષ્કાળ સમયે (વિ.સં.૧૫૩૯-૧૫૪૦) પોતાની સમસ્ત સંપત્તિ સમર્પિત કરીને દુષ્કાળથી બચાવીને સાચા અર્થમાં 'શાહ' (શહેનશાહ) સાબિત થયા હતા.


Google NewsGoogle News