મારા જેવો દીકરો હોય અને તારી ઈચ્છા પૂર્ણપણે પૂર્ણ ન થાય તો મારી માતૃભક્તિ લાજે
- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ
- આકાશમાંથી એક વિમાન પસાર થયું. ઘરરરર... અવાજ સાથે તે પળવારમાં ગાયબ પણ થઈ ગયું.
મહેલની બારીમાં બેઠેલ એક સ્ત્રી અને એની સાથે રમી રહેલા તેના ચાર સંતાનોએ પણ જોયું. ત્રણ દીકરા અને એક દીકરી ધરાવનાર એ માએ એ વિમાનને જોયું, અને એની સાથે-સાથે એ વિમાનમાં બેઠેલ વ્યક્તિને પણ જોઈ.
વિમાનની શોધ ભલે કહેવાતી હોય કે રાઈટ બ્રધર્સે કરેલી. પણ હજારો-લાખો વરસો જૂના શાસ્ત્રગ્રંથોમાં પણ વિમાનની વાતો તો આવે જ છે. વળી, રાઈટ બ્રધર્સે એવા વિમાન નથી શોધ્યા કે તે વિમાનમાં બેઠેલ વ્યક્તિને ઘરમાં બેઠેલ વ્યક્તિ જોઈ શકે. એક અપેક્ષાએ ચાર્ટર્ડ વિમાન જેવા કહેવાતા એ વિમાનો અત્યંત નીચેથી પણ ઉડાડી શકાતા હતા.
મા એ વિમાનને અને વિમાનમાં બેઠેલ વ્યક્તિ તરફ જ જોઈ રહી હતી. બાળકો રમી રહ્યા હતા, તે તરફ તેનું ધ્યાન ન હતું. વળી, એને એમ જ હતું કે દીકરાઓ રમવામાં મસ્ત છે, તેને રમવા દો. વિમાન તો ગાડી-ટેક્સીની જેમ ઘણીવાર દેખાઈ જતા. એટલે એ દેખાડવાનો એવો ઊમળકો પણ ના હોય. જે ક્રેઝ હવે પછી આવવાનો છે, ફ્લાઈંગ કારનો. એવો જ એ સમય હતો. એટલે દીકરાઓની રમતમાં ભંગ પાડયા વિના મા એ જતા વિમાન તરફ જોઈ રહી હતી.
ત્રણેમાં ચબરાક ગણાતા એ મોટા દીકરાએ મા ની એ નજરને નોંધમાં લીધી. ઊંમરમાં પણ મોટો અને બુદ્ધિમાં પણ મોટો... એણે મા ને પૂછયું - 'મા, શું જુએ છે ?'
'વિમાન જોઉં છું, બેટા !' મા એ પ્યારભર્યો હાથ પોતાના હૈયાના હાર જેવા દીકરાના માથે ફેરવતા વાત્સલ્યભર્યા શબ્દોમાં કહ્યું.
દીકરાએ વળતો પ્યાર દર્શાવતો અને લાડભર્યો હાથ મા ના ગાળે પંપાળતા કહ્યું - 'એટલો હું નાનો કે ગાંડો નથી. વિમાનને જોવા જેવું શું હતું ? વિમાન તો ઘણા જોયા. પણ તું કાંઈ બીજું જ જોઈ રહી હતી. કોણ બેઠું હતું વિમાનમાં મમ્મા !'
આ સાંભળતાં મા ની આંખોમાંથી દડદડ આંસૂ વહેવા લાગ્યા. હવે બધાં જ બાળકોનું ધ્યાન મા તરફ ગયું. પળવાર તો રડતી માને જોઈ જ રહ્યા. અને પળમાં જ બધા એકસાથે બોલી ઉઠયા - 'મા, તું શું કામ રડે છે ?'
મોટા દીકરાએ રૂમાલથી મા ના આંસૂ લૂછયા અને બોલ્યો - 'મા, જે હોય તે સ્પષ્ટ કહી દે. તારા દિલમાં જે દુ:ખ છે, એ બહાર કાઢી દે. હું બધો જ રસ્તો કાઢીશ. મારી માનું દુ:ખ મારાથી જોવું નહીં જવાય. મને અથથી બધી વાત કહી દે.'
અને મા એ બધી જ વાત દીકરાને કહી દીધી.
દીકરાના દાદાનું જે રાજ્ય હતું, તે તેના દુશ્મને પડાવી લીધું હતું. આજે તેના દાદાના રાજ્ય પર એ દુશ્મન રાજ્ય કરતો હતો. અને આ દીકરાઓના પિતાજી એક નાના રાજ્યના માલિક હતા. આ વાત મા એ દીકરાઓ આગળ કહી.
મોટા દીકરાએ કહ્યું - 'મા, તું ચિંતા ના કરીશ. મારા જેવો દીકરો હોય અને ગયેલું રાજ્ય પાછું ના આવે, તો મારી માતૃભક્તિ લાજે. હું સાધના કરીશ. શક્તિ મેળવીશ. બળ વધારીશ અને દુશ્મન રાજા સાથે લડીશ. આપણું રાજ્ય પાછું મેળવીશ. તારી ઈચ્છાને પૂર્ણપણે પૂર્ણ કરીશ.
મોટા દીકરાએ પોતાના બંને ભાઈઓ તરફ જોયું. નાના બંને ભાઈઓએ મોટાભાઈ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું - 'અમે પણ તમારી સાથે આવીશું.'
'હાં, ભાઈ, આપણે ત્રણે ભેગા થઈને એ દુશ્મન રાજ્ય પર હલ્લો બોલાવીશું અને રાજ્યનો દલ્લો પાછો મેળવીશું.' મોટાએ મોટી ગર્જના સાથે કહ્યું.
ત્રણે ભાઈઓ મા ને પગે લાગ્યા. મા એ કપાળે ચૂમી ભરી. માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા.
બેને ત્રણે ભાઈઓના ભાલે તિલક કર્યું અને બધાને વારાફરતી ભેટી. શુભ શુકન આપ્યા અને મંગળનાદ ભર્યા વાજિંત્ર સાથે પ્રયાણ કરાવ્યું.
ત્રણે ભાઈઓએ પ્રતિજ્ઞા લીધી. 'દાદાનું રાજ્ય મેળવ્યા વિના પાછા નહીં ફરીએ અર્થાત્ દાદાનું રાજ્ય મેળવીને જ આવીશું અને મા ના ચરણોમાં એ રાજ્ય ભેટ ધરીશું.'
ત્રણે રવાના થયા. ગામ છોડી જંગલમાં ગયા. સાધના કરી. શક્તિ મેળવી. બળ કેળવ્યું. સૈન્ય તૈયાર કર્યું અને દુશ્મન રાજાને હરાવી રાજ્ય મા ના ચરણોમાં ધર્યું અને પિતાજીને ભેટ ધર્યું.
આ માતૃભક્ત દીકરો એટલે અમર રામાયણ કથાનું એક પ્રતિનાયક પાત્ર - રાવણ. બંને ભાઈઓ એટલે કુંભકર્ણ અને બિભીષણ. બહેન શૂર્પણખા (મૂળ નામ ચંડનખા). મા કૈકસી અને પિતા રત્નશ્રવા. દાદા સુમાલી અને દાદાનું રાજ્ય એટલે વિશાળ લંકાનગરી.
રાવણના પાત્રને એક માતૃભક્ત તરીકે જોનાર છે - જૈન રામાયણ
પ્રભાવના
રાવણના પૂર્વજ એવા મેઘવાહન રાજાને રાજસેન્દ્રે એક દિવ્ય હાર ભેટ આપ્યો હતો. એ હાર આજ સુધી કોઈ પહેરી શક્યું નહોતું, તે હારને રાવણે એક જ પળમાં પહેરી લીધો.
આ હારમાં ઝગમગતા મોટા મોટા નવ માણેક રત્નોના નંગ હતા. જેના પ્રકાશથી અરૂાખો ખંડ પ્રકાશમાન થઈ જતો.
આ મોટા મોટા માણેકમાં પહેરનારનું મોઢું એકદમ ચોકખુ દેખાતું હતું. નવે નવ નંગમાં મોઢું દેખાતું હતું.
અહીં રાવણનું પોતાનું એક મોઢું અને હારમાં રહેલા નવ માણેકના નંગમાં દેખાતા નવ મોઢા. આમ રાવણના દશ મોઢા દેખાયા ત્યારથી એનું નામ પડયું. દશમુખ, દશાનન દશ મોઢાવાળો રાક્ષસ જેવો રાવણ ન હતો.