Get The App

આચાર્ય !! ધનુષ-બાણની નિષ્ફળતા અને સ્નેહ-બાણથી સફળતા

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
આચાર્ય !! ધનુષ-બાણની નિષ્ફળતા અને સ્નેહ-બાણથી સફળતા 1 - image


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

એ હરણી શિકારીની સામે એકીટશે જોઈ રહી. કોઈ ભય નહીં, કોઈ ત્રાસ નહીં.

શિકારીના હાથમાં હજી પણ ધનુષ્ય-બાણ જેમનું તેમ હતું. હરણનો શિકાર કરવા માટે જ તો તે અહીં જંગલ સુધી આવ્યો હતો. શિકારીને જોઈને જ પશુઓ દૂર-દૂર ભાગી જાય, ત્યાં ધનુષના ટંકારવ પછી અને બાણ નાંખ્યા પછી પણ આ હરણી ટસની મસ ના થઈ. આ આશ્ચર્યભરી આંખોથી શિકારી હરણીને જોઇ રહ્યો હતો.

ક્ષણવાર માટે તેને એ પણ વિચાર આવ્યો કે આ હરણના શરીરમાં ભયની સ્તબ્ધતા છવાઈ ગઈ હશે. એટલે એનું શરીર હાલવા-ચાલવા માટે અક્ષમ થઈ ગયું હશે. અને તેથી જ એ સ્થિર થઈ ગયું હશે. અને સ્તબ્ધ બનીને એ હરણી તેને જોઈ રહી હશે.

પણ એવું ય ન હતું. હરણીની આંખોમાં તેણે થોડા નજીક જઈને ધ્યાનપૂર્વક જોયું તો એને જણાયું કે હરણીમાં ક્યાંય કોઈ ભયનું નામોનિશાન ન હતું.

એ હજુ થોડો આગળ વધ્યો. એની આંખોમાં આશ્ચર્ય જ હતું. પણ એણે જોયું. હરણીની આંખોમાં પ્રેમ હતો. એક અકથ્ય લાગણી હતી અને લાગણીથી એની આંખો ભીની થઈ ગઈ હતી.

હવે શિકારીને પણ એ હરણી પ્રત્યે કોઈક ખેંચાણ અનુભવાઈ રહ્યું જણાયું. અને એ અજાણ ખેંચાણથી એ શિકારી હરણીની નજીક પહોંચ્યો. એને હરણીને પંપાળી. હરણી પણ એની સાથે રમવા લાગી.

શિકારીનું આવી આશ્ચર્ય વધવા માંડયું.

આજે આશ્ચર્ય પર આશ્ચર્ય સર્જાઈ રહ્યા હતા. એને શિકારનું ભયંકર વ્યસન હતું. એ હતો એક રાજકુમાર. કાકંદીનગરીના રાજા કંચનરથનો એ પુત્ર નામ એનું મણિરથ.

સંસ્કૃતિપ્રેમી મહારાજા અને વિકૃતિપ્રેમી આ રાજકુમાર. રાજા અહિંસક અને રાજકુમારને શિકારનો હિંસક શોખ.

માતા-પિતા-મિત્રોએ ઘણો સમજાવ્યો, શિકારથી પાછા વળવા. પણ વળગાડ એવો ગાંડો કે એ પોતાનો આ ગાંડો શોખ છોડી જ નહોતો શક્તો.

વ્યસન જ્યારે પાગલતાની હદે સવાર થઈ જાય, ત્યારે માણસ કોઈની હિત-વાણી સાંભળી નથી શકતો. માનવીએ વ્યસનને ઉગતા જ ડામવું જોઈએ. નહીંતર એ વિકરાળ સ્વરૂપે બનેલું વ્યસન ક્યારેક માનવીનો કાળ પૂરો કરી નાંખે છે.

મણિરથ પણ શિકારના શોખનો શિકાર બની ચૂક્યો હતો. જે દિવસે એ શિકારનું ગાંડપણ મગજપર સવાર થાય, એ દિવસે એ અચૂક શિકાર કરે જ.

વળી, એ અચૂક નિશાનેબાજ. ઉડતા પંખીઓને પણ એ પાડી દે. તો ધરતીના માસૂમ પ્રાણીઓનું તો શું કહેવું.

એ ધનુષ-બાણ લઈને શિકાર કરવા કોશાંબ નામના વનમાં આવ્યો હતો. અહીં અનેક ભોળા પશુઓ-સાબર, સસલાં, હરણાં વગેરે હતા. આંખ મીંચીને પણ ધનુષમાંથી બાણ છોડે તો એકાદ પશુ તો એના બાણથી પ્રાણ છોડી જ દે.

પણ આજે સર્જાયું. એક મહાન આશ્ચર્ય. એક પણ પશુ એના બાણથી વીંધાયું નહીં. એના બાણ નિષ્ફળ ગયા. એના ધનુષના ટંકારવથી બધા જ પશુઓ પલાયન થઈ ચૂક્યા હતા.

પશુ ઘાયલ ન થયા, એનું અભિમાની અંતર ઘાયલ થયું. એ આશ્ચર્યથી ચારેકોર જોઈ રહ્યો. ત્યાં આ પ્રેમદીવાની જેવી હરણી દેખાઈ. પ્રેમ-ઘેલી. લાગણીભીની, હૃદયમાં  સ્નેહ લઈને બેઠેલી. ક્યાંય કોઈ કંપ નહીં. ભયનો અંશ નહીં.

આ એનું બીજું આશ્ચર્ય !

તે પછી સર્જાયું ત્રીજું આશ્ચર્ય. હરણી મણિરથને છોડતી ન હતી. હરણી જાણે કહી રહી હતી- 'રાજકુમાર ! તું આ જીવોમાં પ્રાણ પૂરી શક્તો નથી તો તને પ્રાણ લેવાનો શો અધિકાર ? બીજાને જીવન આપી ન શકે. એ અન્યના જીવન પર તરાપ કેવી રીતે મારી શકે ? છોડ આ શિકાર.. આવા વ્યસનનો શિકાર શાને બને છે ?'

હરણી પાછળ-પાછળ ચાલતી આવી રહી હતી અને આ મૃગલની મૂક વાણીથી એ ઉભો રહી ગયો. હાથમાં રહેલ ધનુષ-બાણ છોડી દીધા. તોડી દીધા. ત્યાં જ બે હાથ જોડીને પ્રતિજ્ઞાા લીધી. હવે પછી આ શિકાર બંધ જે શિકાર-શોખ કોઈ ના છોડાવી શકયું. એ શોખ આ કોશાંબ-ધરણીની હરણીએ છોડાવી દીધો. આ ત્રીજું આશ્ચર્ય !

આ ત્રણે આશ્ચર્ય લઈને નગરમાં પધારેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે પહોંચ્યો. ભગવાન સમક્ષ તેણે આશ્ચર્યો પ્રત્યક્ષ કર્યા. આનું કારણ શું ? તે પ્રત્યક્ષ-પ્રગટ કરવા જણાવ્યું.

ભગવાને કહ્યું- 'પૂર્વભવમાં તું એક સુંદરી હતી. આ મૃગલી એક કુમાર હતો. એના પ્રત્યેના અપાર રાગને વશ થઈને તે સુંદરી કુમારના શબને પણ છોડતી ન હતી.  ત્યારે હું અનંગકુમાર સ્વરુપે તારી પાસે આવ્યો. રાગ છોડાવ્યો. આ રાગની લીલા છે. આ મૃગલી એટલે જ તારા પ્રત્યે અકથ્ય રાગ ધરાવે છે. આ રાગ જ્યાં સુધી લઈને ફરશો ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ ચાલુ જ રહેશે. ભ્રમણ બંધ કરવા શ્રમણ બનવું જ રહ્યું.

કુમાર મણિરથે પણ પ્રભુ મહાવીરના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અને સદ્ગતિ સાધી લીધી.

પ્રભાવના

રામ-વિરાગ-વીતરાગની ત્રિપદી

બાળવા જેવો રાગદશા,

કેળવવા જેવી વિરાગદશા અને 

મેળવવા જેવી વીતરાંગદશા.


Google NewsGoogle News