ફળ, શરબત, નૈવેદ્ય, મેવા-મિઠાઈ, મુખવાસ આદિની જેમ પાણી પણ જરૂરી છે પ્રભુ સમક્ષ જળ-કળશ ધરવો જરૂરી છે

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ફળ, શરબત, નૈવેદ્ય, મેવા-મિઠાઈ, મુખવાસ  આદિની જેમ પાણી પણ જરૂરી છે પ્રભુ સમક્ષ જળ-કળશ ધરવો જરૂરી છે 1 - image


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

- એક મહાત્માએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ જળ-કળશની સ્થાપના સ્વરુપ અષ્ટપ્રકારી પૂજા પૈકીની આઠમી પૂજા જો શરૂ નહીં થાય તો ભયંકર જળ સંકટ આ દુનિયા પર આવશે. આ વ્યવસ્થાને પુનર્જીવિત કરવી જ રહી

'પપ્પા, આ પેંડો મીઠો નથી. મોળો મોળો લાગે છે.' છોકરાએ પેંડો ખાધા પછી પપ્પાને ફરિયાદના સૂરમાં કહ્યું.

પપ્પા કોઈક વિચારમાં પડયા. ફરિયાદમાં આવેલી વસ્તુસ્થિતિ પર કંઈક ઊંડુ ચિંતન કરતાં હોય એમ ગરકાવ થઈ ગયા વિચારોમાં.

'કેમ શું થયું પપ્પા ?' છોકરાને લાગ્યું કે કોઈક ભૂલ થઈ ગઈ છે. એમ સમજી એણે પપ્પાને પૂછયું.

'કાંઈ નહીં, બેટા!' પપ્પાએ વહાલથી પોતાનો હાથ બાળકના માથે ફેરવતાં પૂછયું - 'અચ્છા, સવારે જે પેંડો આપ્યો હતો, તે તો મીઠો હતો ને! કે પછી એ પણ મોળો હતો ?'

છોકરો ખુશ થતાં થતાં બોલ્યો - 'ના, પપ્પા, એ પેંડો મોળો નહોતો. એ તો મસ્ત હતો. એકદમ મીઠો હતો.'

હવે પપ્પા થોડા ઓર વિચારમાં ઊંડા ઉતર્યા. અને કોઈક નિશ્ચય સાથે એ ઘરની બહાર આવ્યા. પહોંચી ગયા નજીકના ઉપાશ્રયમાં ગુરુદેવ પાસે.

ગુરુ ભગવંતને વંદન કર્યા. અને હાથ જોડીને કહ્યું -'ભગવન! એક વાત કહેવા આવ્યો છું. આપ આજ્ઞાા આપો તો રજૂ કરું.'

ગુરુદેવે રજા આપી.

ગુજરાતની એક સમયની રાજધાની રહી ગયેલ પાટણના કનાસાના પાડામાં શ્રીશાંતિનાથ સ્વામી જિનાલયના ભોજકે ગુરુ ભગવંતને માંડીને વાત કરી.

'સાહેબજી, આજે પૂજા ભણાવવાની હતી. એટલે ભગવાનને ધરવાના નૈવેદ્ય તરીકે પેંડા લાવવાના હતા. પેંડાવાળાની દુકાનેથી એક જ તાસમાંથી બે કિલો પેંડા ખરીદ્યા. એ તાસમાંથી ૨૦૦ ગ્રામ પેંડા ઘરમાં બાળકો માટે વધારાના ખરીદ્યા. અમારા પૈસાથી ખરીદેલા એ પેંડા ઘરે આવીને અમારા બાળકોને આપ્યા. એમણે એ ખાધા. અને રમવા ચાલ્યા ગયા.'

આ બાજુ પૂજા ભણાવ્યા પછી 'સ્વાહા' આદિ સમર્પણના મંત્રાક્ષરો બોલાયા પૂર્વકના પેંડા પણ અમે ઘેર લાવ્યા. બાળકોને ખાવા આપ્યા. પણ તરત જ છોકરાઓ કહેવા લગ્યા કે આ પેંડા મોળા છે. સવારવાળા પેંડા મીઠા હતા.

બન્ને પેંડા એક જ થાળના હતા. છતાં આવો ભેદ કેમ ? એ પેંડાની મીઠાશ ક્યાં ગઈ ? પેંડો તો જેમનો તેમ છે. કોઈ નાનો-મોટો થયો નથી. જેવી સ્થિતિ પૂજા પૂર્વે હતી, તેવી જ સ્થિતિ પૂજા ભણાવ્યા પછી પણ હતી. પણ સ્વાદમાં પરિવર્તન આવી ગયું.

આવું શાને?'

ગુરુ ભગવંતે કહ્યું - 'ગુરુગમખી એક વાત એવી સાંભળી છે કે 'સ્વાહા' શબ્દ બોલવા દ્વારા જે દ્રવ્ય સમર્પિત થાય છે, તેમાંથી અમુક અંશે દેવતત્વ એમાંથી ગ્રહણ કરે છે. પ્રભુના તેજમાં જે.તે શક્તિ સંમીલિત થાય, અને પ્રભુનો પ્રભાવ વધતો જાય છે. દરેક જગ્યાએ આવું. થવાની સંભાવના છે. થાય જે એવો નિયમ નથી. પણ આવું થઈ શકે છે. એટલે જે પેંડો તમારા બાળકે ખાદ્યો, તેમાંથી તેનું સત્વ દેવતત્વમાં વપરાઈ ગયું હોય, એવું બની શકે છે.'

તે પછી તો એ ભોજકે અવારનવાર આ વસ્તુનો અનુભવ પણ કર્યો છે.

આ પ્રસંગ પરથી એક બીજી વાત પણ ઉદ્ભવે છે. એ છે પાણીનો કળશ સમર્પિત કરવાનો.

ભગવાનને નૈવેદ્ય - ફળ આદિનો થાળ સમર્પિત કર્યા પછી પાણીનો કળશ પણ સમર્પિત કરવો જોઈએ. જેમ ઘરે આવેલા મહેમાનોની સરભરા જમવાની કરીએ ત્યારે અંતે પાણી પણ આપીએ છીએ. એમ પ્રભુજીની આગળ પણ નૈવેદ્ય - ફળ ધર્યા પછી પાણીનો કળશ પણ ધરવાનો હોય છે.

એક સમય હતો, જ્યારે જમવાનો પૂરો થાળ પ્રભુજીને સમર્પિત કરાતો હતો. ફળ, શરબત, રસોઈ, મુખવાસ આદિ-આદિબધુંજ. અંતે પાણીનો કળશ પણ. આજે એ પ્રથા લુપ્તપ્રાયઃ થઈ ગઈ. જે ફરી શરૂ કરવી જરૂરી છે.

દેવતત્વને પણ ભોજન પછી પાણી જોઈએ.

પ્રાચીન ગ્રંથોમાં પણ અષ્ટપ્રકારી પૂજાના નામોમાં જળપૂજા અંતિમમાં દર્શાવી છે. આ જળપૂજા એટલે જ પાણીનો ભરેલો કળશ સમર્પિત કરવાનો.  અર્થાત્ કળશ (પાણી ભરેલો) પ્રભુ આગળ મૂકી દેવાનો. દેવ તત્વ એમાંથી ગ્રહણ કરી લેશે.

પ્રભુ આગળ જળ-કળશ ધરવો, એ જળપૂજા છે. સર્વપ્રથમ કરાતો અભિષેક એ જળપૂજા નથી. એ અભિષેક પૂજા છે, તે જળપૂજાથી

અલગ છે.

એટલે આ જળ-કળશની સ્થાપના થાય ત્યારે જ અષ્ટપ્રકારી પૂજા પૂર્ણ થાય, તે પૂર્વે નહીં.

એક મહાત્માએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ જળ-કળશની સ્થાપના સ્વરુપ અષ્ટપ્રકારી પૂજા પૈકીની આઠમી પૂજા જો શરૂ નહીં થાય તો ભયંકર જળ સંકટ આ દુનિયા પર આવશે.

આ વ્યવસ્થાને પુનર્જીવિત કરવી જ રહી.

પ્રભાવના

સ્નાત્રપૂજા, વિલેપન, આભૂષણ, પુષ્પ, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપક, ફળ, અક્ષત (ચોખા), પત્ર, સોપારી (મુખવાસ), નૈવેદ્ય, જળકળશ, વસ્ત્ર, ચામર, છત્ર, વાજિંત્ર, ગીત, નાટક, સ્તુતિ અને દ્રવ્ય - એમ એકવીસ પ્રકારી પૂજામાં પણ સ્નાન (અભિષેક) કરતાં જળકળશને અલગ પૂજા તરીકે દર્શાવી છે.

વાચકવર્ચ ઉમાસ્વાતિજી મહારાજાવિરચિત પૂજાપ્રકરણ નામે ગ્રંથમાં દર્શાવેલી આ ૨૧ પ્રકારી પૂજા પણ એ દર્શાવે છે કે ભગવાનની આગળ નૈવેદ્ય ધર્યા પછી જળકળશ ધરવો જોઈએ.


Google NewsGoogle News