Get The App

અમારું એ આપનું છે, અને આપનું એ અમારું છે .

Updated: Mar 19th, 2025


Google News
Google News
અમારું એ આપનું છે, અને આપનું એ અમારું છે                  . 1 - image


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

'આ જમણવાર શાનો છે ?' એક ગામમાં કોઈકે પૂછયું.

જવાબ અપાયો-' ગાયકવાડ સરકારના માતૃશ્રી તીર્થયાત્રાએ નીકળ્યા છે, તે નિમિત્તે આ ગામમાં ગામ આખાનો જમણવાર રાખવામાં આવ્યો છે.'

દરેક ગામે આ ઉપરોક્ત પ્રશ્ન પૂછાય અને એકનો એક જવાબ અપાય. પ્રશ્ન ન પણ પૂછાય તો પણ પરિસ્થિતી જણાવી દેવાય- 'ગાયકવાડના માતુશ્રી તીર્થયાત્રાએ સંચર્યા છે, તેમના નિમિત્તે આ જમણવાર છે.'

ગામેગામ થતી આ ચર્ચા સાંભળીને ગાયકવાડ સરકારના માતુશ્રીએ એકવાર આશ્ચર્યથી આ વિષયમાં ઊંડી તપાસ કરી. કારણકે એમને ખબર હતી કે આ જમણવાર પોતે નથી કરી રહ્યા. જમણવાર કોઈક બીજું કરાવે છે અને નામ ગાયકવાડ સરકારના માતુશ્રીનું જાહેર થાય છે.

વડોદરાના શ્રી જેસિંગભાઈ આ જમણવાર ગામેગામ કરાવવાના સૂત્રધાર હતા. જ્યારે ગાયકવાડ સરકારના માતુશ્રીએ તીર્થયાત્રા માટે વડોદરાથી પ્રયાણ કર્યું ત્યારે જિનશાસનના એક પ્રભાવક શ્રાવક જેસિંગભાઈ પણ આ તીર્થયાત્રામાં જોડાયા હતા.

જેસિંગભાઈએ તીર્થયાત્રામાં આવતા દરેક પડાવે જમણવાર શરૂ કર્યા. અને જાહેર કરતાં કે આ જમણવાર ગાયકવાડ સરકારના માતુશ્રીની તીર્થયાત્રા નિમિત્તે છે.

જમણવાર કરાવતા વડોદરાના સુશ્રાવક જેસિંગભાઈ અને નામ જાહેર કરતાં વડોદરા સ્ટેટના શ્રી ગાયકવાડ સરકારના માતુશ્રીનું. એટલે જ ગાયકવાડ સરકારના માતુશ્રીએ આ જમણવાર કરાવનારનું નામ શોધીને જેસિંગભાઈને બોલાવ્યા. અને બોલ્યા ' તમે જમણવાર કરાવો છો અને નામ મારું જાહેર કરો છો. આવું શા માટે ?'

જેસિંગભાઈ કહે- ' માતાજી ! આ બધું તમારું જ છે ને ! મારું એ બધું તમારું જ છે. આપના રાજ્યમાં જે છે, એ બધું આપનું જ કહેવાયને!' અને પછી ધીરેથી નાનકડું એક વાક્ય ઉમેર્યુ- ' અને જે આપનું છે, એ અમારું જ કહેવાય, બરાબરને !'

'બરાબર છે.' ગાયકવાડના સરકારના માતુશ્રીએ કહ્યું.

'અમારું એ આપનું છે, અને આપનું એ અમારું છે.' શ્રાવક જેસિંગભાઈએ ફરી એ વાક્ય સંક્ષેપમાં દોહરાવ્યું.

'એટલે તમારે શું કહેવું છે ?' ગાયકવાડ સરકારના માતુશ્રીએ આગળ પૂછયું- 'કાંઈક જોઈએ છે ?'

'હા'

'શું ?'

પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે વડોદરા જિલ્લાના તમામે તમામ ગામોની ગોચરભૂમિમાં ગાયો-ભેંસો-બકરીઓ- ઘેટાં-ગધેડા આદિ ઢોરોને ચરવાનું ગાયકવાડ સરકારે બંધ કરાવી દીધું હતું. અને સાથે સાથે એ પણ જાહેર કર્યું હતું કે માત્ર ગાયકવાડ સરકારના ઢોર જ આ ગોચરભૂમિમાં ચરી શક્શે.

આ જાહેરાતથી ગામ આખું મુંઝાયું. ગામના ઢોરને ક્યાં ચરાવવા? ગામે મહાજનને વાત કરી. પૂર્વકાળમાં આ નિયમ હતો- ગામ પોતાની મુંઝવણ દૂર કરવા મહાજન પાસે જતાં અને મહાજન તેનું સમાધાન લાવતા. મહાજનને યોગ્ય લાગે તો રાજાને વાત કરે અને કોઈ વિશિષ્ટ શ્રાવકને કહેવા યોગ્ય લાગે તો તેને કહે. પણ સમાધાન અવશ્ય લાવે.

મહાજને જેસિંગભાઈને વાત કરી. એમને ગળા સુધીનો વિશ્વાસ હતો કે જેસિંગભાઈ આનું સમાધાન લાવી શક્શે. કારણકે અત્યારે આ ગાયકવાડ સરકારને કંઈ કહેવાય તેમ નથી અને તેઓ સાંભળે તેમ પણ નથી. જેસિંગભાઈ પણ આ વાત જાણી-સમજી ચૂક્યા હતા. એટલે એમણે આ એક યોજના બનાવી. ગાયકવાડના માતુશ્રી દ્વારા કામ કઢાવવું.

' તમે નિઃશંક જણાવો ચોક્કસ કાર્ય થશે.'

જેસિંગભાઈએ ગોચરભૂમિ ગાયકવાડ સરકાર દ્વારા દબાયાની વાત ખુલ્લી કરીને દિલ ખોલીને ગોચરભૂમિ ઢોરો માટે ખુલ્લી કરવાની વાત કરી.

માતુશ્રી કહે- ' આ તો તમે ગામની વાત કરી. તમારી પોતાની કોઈ વાત ના કરી.'

જેસિંગભાઈ કહે- ' મેં કહ્યું ને, રાજયનું છે એ મારું છે અને મારું છે એ રાજયનું છે. આ બધું આપનું છે. એટલું જ નહીં, આ બધું આપણું છે. મારું-તારું નહી, સહિયારું છે.'

ગાયકવાડ સરકારના માતાજીએ તે જ ક્ષણે ગાયકવાડને ગોચર ભૂમિ ખોલી દેવા જણાવ્યું. મા ની આજ્ઞાા કદી ઉત્થાપી ન શકાય. 'માતાજી'ની આજ્ઞાા જે ઉત્થાપે છે, એની હંમેશ ઉત્થાપના જ થાય છે. ગાયકવાડ સરકારે તરત જ ગોચરભૂમિ સર્વજન માટે ખુલ્લી કરી દીધી. પોતાના નામને કેવું સાર્થક કર્યું ! ગાય માટે કવાડ (દરવાજા) જે ખોલી દે, તે છે ગાયકવાડ !!

પ્રભાવના

ગાયકવાડ સરકાર પાસે ગોચરભૂમિ ખુલ્લી કરવાનું ખૂબ અઘરું કાર્ય બખૂબી કરનાર જેસિંગભાઈ પાસે મહાજન આવ્યા. મહાજન કહે- 'જેસિંગભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા પર મહાન ઉપકાર કર્યો છે.'

જેસિંગભાઈ કહે - ' ઉપકાર મેં નહીં, ઉપકાર તો આપ મહાજને મારા ઉપર કર્યો છે. મને આ સત્કાર્યનો મોકો આપ્યો. આભાર તો આપનો મારે માનવાનો છે.

વળી, આ ગોચરભૂમિ આપની જ નહીં, આપણી સૌની છે. મારી પણ છે. એટલે મેં મારું જ કામ કર્યું છે.'

કેવું સાર્થક નામ કર્યું- જેસિંગભાઈએ ! જે-જે કારની સિંગ જે ભાઈએ સમસ્ત રાજયને આપી એ છે જેસિંગભાઈ

(જે-સિંગ-ભાઈ).

Tags :
Aankh-Chhip-Antar-MotiDharmlok

Google News
Google News