Get The App

ઈનામ મળ્યું ''નવકાર'' - ચંદ્રનું અને નામ મળ્યું ''નવકારચંદ્ર''

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
ઈનામ મળ્યું ''નવકાર'' - ચંદ્રનું અને નામ મળ્યું ''નવકારચંદ્ર'' 1 - image


- આંખ છીપ, અંતર મોતી-આચાર્ય રાજહંસ

- માટે મારી ઈચ્છા છે કે આ બાળકનું નામ ''નવકારચંદ્ર'' રાખ્યું. અને આ નવકાર મહામંત્ર ચંદ્રની જેમ સર્વત્ર-સર્વથા-સર્વદા શીતલતા-સૌમ્યતા પ્રસરાવે

'મારી એક વાત માનશો ?'

'શું ?'

'આ આવનાર બાળકનું નામ હું કહું એ રાખવાનું ?'

ઉત્પલમાલા નામની વેશ્યા પોતાની સખી બનેલી રાણીને આ કહી રહી છે, કૌશાંબીનગરીના રાજા પ્રસન્નચંદ્ર રાજાના મહેલમાં જયારણી રાણી ચંદ્રમતી ગર્ભવતી બની છે, ત્યારથી ઉત્પલમાલા તેમનું ધ્યાન રાખી રહી છે. રાણીને ધર્મની સારી-સારી વાતો કહી રહી છે. ધર્મનો ઠેકો કંઈ ધર્મના ઠેકેદારો પાસે જ હોય - એ જરૂરી નથી. ધર્મગુરુ ત્યાં ત્યાં જઈને બધાંને ધર્મ આપી શકે છે. ઉત્પલમાલા ધર્મગુરુ પાસેથી શીખેલો નવકાર મહામંત્ર દરરોજ રાણીના માધ્યમથી રાણીની કોખમાં રહેલા બાળકને સંભળાવે છે.

પોતાની સખી રાણીને દરરોજ ઉત્પલમાલા મહાપુરુષોની ઉત્તમ કથાઓ શ્રવણ કરાવે છે. 'ઉત્તમના ગુણ ગવાતા, ગુણ આવે નિજઅંગ' સુંદર વાતો-વાર્તાઓ સાંભળવાથી જીવ સારો બને છે. સંસ્કારસભર ચરિત્રો સાંભળવાથી આપણું જીવન-ચરિત્ર ઈત્ર=અત્તરની મહેકી ઉઠે છે. સાધુનું જીવન જાણવાથી જીવ, સાધુ બને કે ન પણ બને, સીધો તો જરૂર બને જ છે.

આજ એકમાત્ર શુભ આશયથી ઉત્પલમાલા રાણી પાસે આવે છે. રાણીને ત્યાં અવતરનાર દીકરો સંસારના ક્ષેત્રે મહાપ્રતાપી અને ધર્મના ક્ષેત્રે મહાપ્રભાવી થાય.

એણીએ એકવાર કહ્યું હતું કે તમને દીકરો થશે. ત્યારે રાણીએ પૂછયું કે તને કેમની ખબર પડી કે દીકરો થશે. દીકરી પણ થઈ શકે. તું જ્યોતિષી તો છે નહીં.

ત્યારે ઉત્પલમાલાએ અથથી ઈતિ સુધીની વાર્તા કહી.

''આપણા રાજ્યમાં સુરપ્રભ નામે એક ચોર હતો. એ ચોરે એકવાર આપના જ રાજમહેલમાંથી આપના નવલખા હારની ચોરી કરી. અને મારા પ્રત્યેના આકર્ષણથી તેણે તે હાર મને આપ્યો. મને આમાંની કોઈ વાતની જાણ નહીં. તેથી તે હાર પહેરીને એકવાર ઉદ્યાન-મહોત્સવમાં ગઈ. મહોત્સવ તો જાહેર સ્થળ. આપના સૈનિકો એ હાર ઓળખી ગયા. એનું પગેરું ચોર સુધી મળ્યું... અને રાજાએ ચોરને પકડીને ફાંસીની સજા જાહેર કરી.''

મને ચોરને જોઈને દયા આવી. ચોરને છોડાવી શકું તેમ તો ન હતી. પણ એના જીવનમાં સારપનો છોડ તો વાવી શકું ને !

મેં એને ચોરીનું પાપ સમજાવ્યું. અંત સમયે ધર્મનો મહિમા સમજાવ્યો. પાપનું પ્રાયશ્ચિત કરાવ્યું. એણે પણ પોતાના કરેલા પાપનો તીવ્ર પશ્ચાતાપ પ્રગટયો. પ્રશ્ચાત્તાપની પવિત્ર પાવક-જ્વાળામાં તેણે ઘણા પાપો સળગાવી દીધા. પછી મેં તેને નવકાર-મહામંત્ર શીખવ્યો. ખૂબ જ પવિત્ર ભાવથી અને શુદ્ધમનથી તેણે નવકાર-મંત્રનો જાપ કર્યો. આ પવિત્રતાના પ્રગટીકરણ બાદ મને વિચાર આવ્યો કે આ જીવ મરીને સારી જગ્યાએ જન્મ લે. આ શુભ આશયથી મેં તેને પ્રતિજ્ઞાા (નિયાણું) કરવા કહ્યું કે આવતો જન્મ આપણા રાજાની રાણીની કુક્ષિએ મળે. એણે પણ શુભભાવે તે નિયાણું કર્યું હતું. અને જે ક્ષણે એને ફાંસી મળી, તે પછી તમારે ત્યાં ગર્ભ બંધાયો માટે ચોક્કસપણે અનુમાન છે મારું કે આપને ત્યાં પુત્ર અવતરશે.

આ વાર્તા કહીને ઉત્પલમાલાએ કહ્યું કે માટે જ હું કહું છું કે આનું નામ હું જ રાખીશ.

'સારું, કહે તો કયું નામ રાખશું ?' રાણીએ પૂછયું.

'અમારા ઉદ્યાનમાં એકવાર આચાર્યશ્રી ઋષભસેન સૂરીશ્વરજી મહારાજા પધાર્યા હતા. તેઓશ્રીએ મારા જીવનમાં નવકારમંત્રની સ્થાપના કરી હતી. ત્યારથી નવકારનો પ્રભાવ હું જોતી આવી છું. આજે પણ અહીં આ પુત્રમાં નવકારનો પ્રભાવ જણાઈ રહ્યો છે, માટે મારી ઈચ્છા છે કે આ બાળકનું નામ ''નવકારચંદ્ર'' રાખ્યું. અને આ નવકાર મહામંત્ર ચંદ્રની જેમ સર્વત્ર-સર્વથા-સર્વદા શીતલતા-સૌમ્યતા પ્રસરાવે. આ બાળક પણ તેવો જ ઉજ્જવળ થાય.'

નવકારચંદ્રના પ્રાગટયથી સૌના જીવનમાં ધર્મ રૂપી ચંદ્ર સોળે કળાએ ખીલતો ગયો. નવકારનો આ પ્રભાવ જ છે.

રાજા-રાણી-વેશ્યા તો દીક્ષા લે છે, પણ રાજા બન્યા પછી યોગ્ય અવસરે નવકારચંદ્ર પણ દીક્ષા લે છે. અને નવકાર મહામંત્ર સંપૂર્ણ રાજ્યમાં ચંદ્રની જેમ પ્રકાશમાન થાય છે.

નવકાર મહામંત્રના પ્રભાવે ભૌતિક રાજ્ય તો મળે જ મળે, પણ આધ્યાત્મ સામ્રાજ્ય-ધર્મ સામ્રાજ્ય પણ ફળે.

પ્રભાવના

કૌશાંબી નગરીની વેશ્યા ઉત્પલમાલા સ્ત્રીની ૬૪ કળામાં તો પારંગત હતી. પણ તે સમયની ૧૮ (અઢાર) પ્રસિદ્ધ ભાષાઓનું જ્ઞાાન પણ તે ધરાવતી હતી.

નગરમાં તેનું સાત માળનું ભવન હતું, જે કળાઓનું કેંદ્ર સમું હતું. આર્ટ મ્યૂઝીયમ - આર્ટ ગેલેરી કહી શકાય. સાતે સાત માળ-ટોપ ટુ બોટમ કળાનું સંગ્રહસ્થાન હતું.

નગરની બહાર એક ઉદ્યાન પણ તેના નામે હતું. જેમાં ચાર દિશામાં ચાર મહેલ હતા. જેમાં અતિથિઓ અને સાધુ-સંતો રોકાતા. આતિથ્ય અને સંતોના કારણે ત્યાં હંમેશ વસંતોત્સવ જેવું મધુર વાતાવરણ રહેતું. સંત જ્યા હોય, વસંત સાચી તો ત્યાં જ હોય.


Google NewsGoogle News